સ્વામી ધર્મબંધુજી પ્રેરિત 23મી રાષ્ટ્રકથા શિબીરના છઠ્ઠા દિવસે ઈન્ડિયન કોસ્ટગાર્ડના ડીઆઈજી હરિન્દરજીતસિંહ, નેવીના વાઈસ એડમીરલ એસ.એન.ધોરમાડે રહ્યા હાજર

સ્વામી ધર્મબંધુજી પ્રેરિત વૈદિક મિશન ટ્રસ્ટ દ્વારા પ્રાંસલા મુકામે યોજાયેલી રાષ્ટ્રકથા શિબીરના છઠ્ઠો  દિવસે સ્વામી ધર્મબંધુજી ઉપરાંત     નેવીના વાઇસ એડમીરલ એસ.એન. ઘોરમાડે, ઇન્ડીયન કોસ્ટ ગાર્ડના ડીઆઇજી હરિન્દરજીત સિંહ, અભિનેતા મુકેશ ખન્નાના પ્રવચન યોજાયા હતા. ત્યારે સ્વામી ધર્મબંધુજીએ  શિબીરાર્થીઓને સંબોધતા જણાવેલ કે, પ્રત્યેક વ્યક્તિએ જીવનના ઉદ્દેશ પામવામાં સફળતા મેળવવા માટે જ્ઞાન પ્રાપ્તિ કરવી જોઇએ. જ્ઞાન પ્રાપ્તિથી  કાર્ય વિશેની જાણકારી, કાર્ય બુધ્ધિમત્તાથી કરવાની સમજ અને કાર્યસ્થળે રહેતા લોકો સાથે હળી મળીને રહેવાની અને એકબીજાના સહયોગી બનવાની સમજ વિકસે છે.

આ સાથે તેમણે જ્ઞાન પ્રાપ્તિના પાંચ સ્ત્રોત લેખાવ્યા હતાં જેમાં શાળા -કોલેજ ઉપરાંત પરિવાર, સમાજ, અનુભવ અને પ્રકૃતિનો સમાવેશ થાય છે. આથી જ વિશ્ર્વના ઘણા મહાનુભાવો જેમણે શાળાકીય અભ્યાસ ઓછો કર્યો હોવા છતાં પોતપોતાના ક્ષેત્રોમાં નામ કમાયા હતા. જેમકે, ગુરૂદેવ ટાગોર, ધીરૂભાઇ અંબાણી, સચિન તેંડુલકર, શેકસપીયર, વિન્સ્ટન ચર્ચિલ, બીલ ગેટ્સ.સ્વામી ધર્મબંધુજીએ જણાવેલ કે, વિશ્ર્વમાં ત્રણ પ્રકારના લોકો વસે છે.

જેમાં સૌથી વધુ 95% લોકો શરીર સ્તરે એટલે કે સ્વસુખાકારી માટે જ જીવે છે. આ લોકો બુધ્ધશાળી, સાહસિક, સંપત્તિવાન હોય છે પરંતુ તેઓ હંમેશા વધુ ધન કમાવવું, નવા કપડા- મકાન- આવાસ ખરીદવામાં જ રત રહે છે. તેઓ હંમેશા પોતાને પ્રદર્શિત કરીને લોકોને પોતાના તરફ આકર્ષિત કરવા પ્રયાસ કરતાં રહે છે.  જયારે 4.5% લોકો હૃદય સ્તરે જીવન જીવન જીવે છે. તેઓ પ્રકૃતિ, સુંદરતા, કળા-સાહિત્ય, સંસ્કૃતિને પસંદ કરે છે, વિના શરતે લોકોને પ્રેમ કરે છે. જયારે  વિશ્ર્વના માત્ર 0.5% લોકો આત્મિક  સ્તરે જીવન જીવે છે જે સમાજના સુખાકારીમાં વૃધ્ધિ થાય તેવા કાર્યોને, વિચારોને પલ્લવિત કરે છે. તેમના વ્યક્તિત્વથી સહુ આકર્ષાય છે.

સહુ તેમને મળવા, સાંભળવા ઇરછે છે. સ્વામીજીએ શિબીરાર્થીઓને આત્મિક સ્તરનું જીવન જીવવા અનુરોધ કર્યો હતો.  નેવીના વાઇસ એડમીરલ એસ.એન. ઘોરમાડે એ શિબીરાર્થીઓને જીવનમાં સહુને પ્રતિદિવસ એક સમાન 1440 મિનીટ પ્રાપ્ત થાય છે. પરંતુ જે વ્યક્તિ પોતાના ધ્યેયને નજર સમક્ષ રાખીને સમયનો સદપયોગ કરે છે તે જ જીવનમાં આગળ વધે છે. માટે સ્વસ્થ રહો, વ્યસ્ત રહો અને મસ્ત રહો એવો અનુરોધ કર્યો હતો.

ભારત 11085 કિમીનો વિશાળ સમુદ્રી કિનારો ધરાવે છે.આથી દેશની સુરક્ષા માટે નૌકાદળની ખુબ મહત્વની  ભુમિકા છે. વિશ્ર્વની 80 % આબાદી સમુદ્ર કિનારે વસે છે, 90 % આંતરરાષ્ટ્રીય વેપાર સમુદ્રી માર્ગે થાય છે અને 100 % નેટવર્કના દોરડા સમુદ્રના તળીયે બિછાવાયા છે તેવી રોચક માહિતી આપી હતી. વધુમાં  ઘોરમાડે એ પીપીટીના માધ્યમથી ભારતીય નૌકાદળના સંગઠન, તેના કાર્યો, વર્તમાનમાં યુધ્ધ જહાજો અને શિપ યાર્ડ વિગેરેનું આત્મનિર્ભર ભારત અંતર્ગત નિર્માણ અને નૌકાદળમાં સામેલ થવા માટેની પ્રક્રિયા વિશે વિસ્તારથી સમજાવ્યું હતું.

Screenshot 9 16બે બોટ-પાંચ નૌકાથી શરૂ કરાયેલા તટરક્ષક દળ પાસે આજે 210 જહાજ-78 એરક્રાફટ છે: હરિન્દરજીતસિંંહ

ગાંધીનગરથી આવેલ ભારતીય તટરક્ષક દળના ડીઆઇજી હરિન્દરજીત સિંહ એ જણાવ્યું હતું કે, 1970ના દસકામાં ભારતીય જળસીમામાં વિદેશી બોટો દ્વારા માછીમારોને પરેશાન કરવા, ભારતીય સીમામાં માછીમારી કરવા ઘુસી જવું, દાણચોરી વિગેરે દુષણોનું પ્રમાણ વધી જતાં સંસદ દ્વારા કે. એફ.રુસ્તમજીની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી અને આ સમિતેના રિપોર્ટના આધારે ભારતીય તટરક્ષક દળની રચના કરવામાં આવી છે. સ્થાપના વેળા નેવી પાસેથી બે બોટ અને પાંચ નૌકાથી શરૂ કરાયેલ તટરક્ષક દળ પાસે આજે 210 જહાજ અને 78 એરક્રાફ્ટ સાથે વિશ્ર્વમાં ચોથા ક્રમનું તટરક્ષક દળ છે.

વધુમાં  તેમણે જણાવેલ કે  તટરક્ષક દળના સંગઠન, કુદરતી અને માનવ સર્જિત આપત્તિમાં તટરક્ષક દળની કામગીરી, માછીમારોને સુરક્ષા આપવી, દાણચોરી અને ડ્રગ્સને દેશમાં ઘુસાડવાના પ્રયાસોને નિષ્ફળ કરવાની સાથે-સાથે યુધ્ધના સમયમાં નૌકાદળ સાથે રહીને કરવાની ભુમિકા તેમજ તટરક્ષક દળમાં સામેલ થવા માટેની પ્રક્રિયા વિગેરે વિશે પીપીટીથી સમજાવ્યું હતું. આજે વિવિધ રાજયોના શિબીરાર્થીઓ એ ઇન્ડીયન નેવી અને ઇન્ડીયન કોસ્ટ ગાર્ડ વિશેના પ્રશ્ર્નો પુછીને તેમની જિજ્ઞાસા સંતોષી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.