- અર્હમ યુવા સેના ગ્રુપ દ્વારા
- જૈન સમાજના સાધાર્મિક લોકોને 36 ઓટો રિક્ષા અર્પણ કરાઈ: મેડિકલ સેવામાં પણ અપાશે રાહત
દુનિયામાં જીવતા અનેક નિ:સહાય જીવોની અનેક મુસીબતમાં નિહાળી તેમના ચહેરા પર સ્મિત લાવનાર, અનેકોના આંસુને આનંદમાં પરિવર્તિત કરવાનો સફળ પુરુષાર્થ કરનાર માનવતાના મસીહા, રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના સાંનિધ્યમાં રાજકોટમાં રેયા રોડ પર આવેલ પ્રમુખસ્વામી ઓડિટોરિયમમાં પરમ કરુણા મહોત્સવ ઉજવાયો હતો. આ અવસરે પરમ ગુરુદેવે કહ્યું હતું કે, સ્વાર્થ કેરોસીન જેવો હોય છે જ્યાં પડે ત્યાં ભડકો કરે અને પરમાર્થ ઘી જેવો હોય છે જ્યાં પડે ત્યાં દીવો પ્રગટાવે.તમે કોઈને સહાયની આંગળી આપશો તો સહાય પામનાર આવતીકાલે કોઈને હાથ આપશે. પરમ કરુણા મહોત્સવની યશકલગી સમાન આત્મનિર્ભર અભિયાન અંતર્ગત અહંમ યુવા સેવા ગ્રુપ દ્વારા સાધર્મિક ભાઈઓને આત્મનિર્ભર બનાવવા રાજકોટ, વેરાવળ, અમદાવાદ, મુંબઈમાં અનેક રીક્ષા અર્પણ કર્યા બાદ રાજકોટમાં ફરી એકવાર 36 સાધર્મિક ભાઈઓને રીક્ષા અર્પણ કરવામાં આવી. તેની સાથે જ રોટરી મીડટાઉનના સહયોગથી અહંમ રોટરી મીડટાઉન સ્વાશ્રય કેન્દ્ર ઢેબર રોડ પર ખોલવામાં આવશે, જેના ઉદઘાટનની ઘોષણા થઈ, જેના દ્વારા બહેનોને સમાજ કલ્યાણ અર્થે વ્યવસાયિક તાલીમ આપવામાં આવશે. રાષ્ટ્રાંત પરમ ગુરુદેવ પ્રેરિત અહંમ યુવા સેવા ગ્રુપ તેમજ લુક એન લગ્ન જૈન જ્ઞાન ધામમાં જોડાયેલા યુવાનો, દીદીઓ, બાળકો તેમજ તેમના પરિવાજનો માટે રાજકોટમાં પરમ મેડિકલ સેવાનો પ્રારંભ કર્યો હતો.આ સાથે જ રાષ્ટ્રસંત પરમ ગુરુદેવની પ્રેરણાથી થતા અનેક માનવતા અને જીવદયા કાર્યોની અનુમોદના એવમ સત્કાર્યોની શૃંખલામાં અનેક નવ્ય સત્કાર્યોની ઉદયોપણા થતા વાતાવરણ હર્ષોલ્લાસિત થયું હતું. આ અવસરે લુક એન લર્નના નાના ભૂલકાઓએ નૃત્ય પ્રસ્તુતિ તેમજ અહંમ યુવા સેવા ગ્રુપના યુવાનોએ તેમજ પારસધામ યુથના બાળકોએ ગુરુદેવની પ્રેરણાથી ચાલતા પ્રકલ્પોમાં સેવા અર્પણ કરવાની તક અર્પણ કરવા માટે ઉપકારની અભિવ્યક્તિ કરેલ. તેની સાથે સમગ્ર રાજકોટના ઉપસ્થિત શ્રી સંઘના પ્રતિનિધિઓએ પરમ ગુરુદેવને રાજકોટમાં વધુ સમય માટે સ્થિરતા કરવા માટે વિનંતી કરેલ. જીવનમાં હર શ્વાસમાં કરુણાને ધબકતી રાખવી છે તેવા સંકલ્પ સાથે ઉદઘોષિત પ્રકલ્પોની અનુમોદના એવમ સ્વયં જોડાઈ જવાના ભાવિકોના આંતરિક સંકલ્પ સાથે સભા પરિપૂર્ણ થયેલ.
રાજકોટના હ્રદયમાં જ કરૂણા છે: પૂ. નમ્રમુનિ
‘અબતક’ સાથેની વાતચીતમાં રાષ્ટ્રસંત પૂજ્ય નમ્રમુનિ મહારાજે જણાવ્યું હતું કે,કરુણા એટલે બીજાનું દુ:ખ પોતાનું લાગે બીજાનું પોતાનું લાગે ત્યારે બીજાને સુખી કરવાનો પ્રયત્ન કરવામાં આવે તે હૃદય મનુષ્યના રૂપમાં ભગવાન છે. દરેકના હૃદયમાં કરુણા રૂપી ભાવ જાગે દરેક દુ:ખને દૂર કરવા માટે નિમિત બનીએ. રાજકોટના હૃદયમાં જ કરુણા છે. પોતાના કર્મને કારણે દુ:ખી હોઈ શકે પોતાની સમક્ષ દુ:ખી વધુ હોય છે. યુવાનોને યોગ્ય દિશા બતાવવાથી ખોટી દિશા તરફ નહીં જાય.
સપનામાં પણ વિચાર્યુ ન હતું કે માલીકીની રીક્ષા ખરીદીશું: અરવિંદ ગુપ્તા
‘અબતક’ સાથેની વાતચીતમાં અરવિંદ ગુપ્તાએ જણાવ્યું હતું કે,અમે સપનામાં પણ નહોતું વિચાર્યું કે તેઓ રીક્ષાના માલિક બનશે.આજદિન સુધી ભળાની રીક્ષા ચલાવ્યા બાદ પોતાના નામે રજીસ્ટર રીક્ષા થઈ હતી. ભાડાની રિક્ષામાં જ તેઓ પોતાનું ગુજરાન ચલાવતા હતા. માલિકીની રીક્ષા હોવાથી કુટુંબનું પાલનપોષણ સારી રીતે કરી શકશે. ગુરુદેવની અસીમ કૃપા અમારી સાથે સદાય માટે બની રહે છે.
રીક્ષા ચાલકો પોતાના પરિવારનું ગુજરાન સારી રીતે ચલાવે: ચંદ્રકાંત શેઠ
‘અબતક’ સાથેની વાતચીતમાં ચંદ્રકાંત એમ. શેઢએ જણાવ્યું હતું કે,રાજકોટમાં પરમ પૂજ્ય રાષ્ટ્રસંત નમ્રમુનિ મહારાજની પ્રેરણાથી 36 રીક્ષા ચાલકોને રિક્ષા અર્પણ કરવામાં આવી હતી. રીક્ષા ચાલકો પોતાનું જીવન સુધારી શકે અને પોતાના પરિવારનું ગુજરાન સારી રીતે ચલાવી શકે તેવા હેતુથી રીક્ષા અર્પણ કરવામાં આવી.
આત્મનિર્ભર યોજના હેઠળ રિક્ષાચાલકોને પગભર થવા રિક્ષા અર્પણ કરાય: સેતુ દેસાઇ
‘અબતક’ સાથેની વાતચીતમાં સેતુ દેસાઈ એ જણાવ્યું હતું કે, પરમ રાષ્ટ્રગુરૂની પ્રેરણાથી 36 રિક્ષા અર્પણ કરવામાં આવી. જે રીક્ષા ચાલકો ભાડાની રીક્ષા ચલાવે છે તેને પોતાની રીક્ષા આપવામાં આવી. અગાઉ 14 રિક્ષા અર્પણ કરવામાં આવી હતી. આત્મનિર્ભર યોજના હેઠળ કાર્ય કરવામાં આવ્યું છે. નાગરિક બેંકના ચેરમેન દિનેશ પાઠક, ધારાસભ્ય દર્શિતાબેન શાહ, દેવાંગ માંકડ,મયુર શાહ, મનોજ ડેલીવાલા અને વિવિધ સંઘના ઉપપ્રમુખો સેક્રેટરી ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્ર સંઘ પરમ પૂજ્ય નમ્રમુનિ મહારાજના આશીર્વાદ પામી લોકોએ ધન્યતા અનુભવી.
નમ્રમુનિ ગુરૂદેવે કરોડો રૂપિયાના સેવાના કામ જાહેર કર્યા છે: ઉપેન્દ્ર મોદી
‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન ઉપેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રસંત પરમ પૂજ્ય ગુરુદેવ બે વર્ષ બાદ રાજકોટમાં પાવન પગલાં પાડ્યા છે.ગુરુદેવએ કરોડો રૂપિયાના સેવા કામ જાહેર કર્યા છે. માનવતા મહોત્સવ ઉજવણી સમયે રિક્ષા માટે અને રીક્ષા ડ્રાઇવર માટે “મજબૂર ન બને મજબૂત બનો” સુત્ર આપી રીક્ષા ચાલકને મદદ કરવાનું વિચાર્યું. જરૂરિયાત મંદ અને સમગ્ર ભારતમાં 1008 રીક્ષા અર્પણ કરવાનો નિર્ણય કર્યો હતો. રાજકોટમાં 36 રીક્ષા આપી અનેક પ્રોજેક્ટ જાહેર કર્યા હતા. આર્થિક સગવડતાથી સંકળાયેલા લોકો પરમ મેડિકલ સેવાનો સંપર્ક કરી શકે છે. સેવાકીય પ્રોજેક્ટ જાહેર કર્યા કરુણાથી માંડી પક્ષીઓ જીવ દયાના ઘણા પ્રોજેક્ટ અર્પણ કર્યા છે.