જામનગરના રામપરમાં ચાર વર્ષ પહેલાં થયેલી શ્રમિકની હત્યા કેસમાં અદાલતે આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે. મહિલાના પતિએ આડાસંબંધની શંકામાં શ્રમિકનું ઢીમ ઢાળી દીધું હતું.
જામનગર રાજકોટ ધોરીમાર્ગ પર આવેલા રામપર ગામમાં ગોરધનભાઈના ખેતરમાં શ્રમિક તરીકે રહેતા મૂળ મધ્યપ્રદેશના વતની ભરતભાઈ છગનભાઈ ડામોર નામનો આદિવાસી યુવાન થત તા.૨૫/૯/૨૦૧૬ ના રાત્રીના ખેતરમાં સૂતા હતો ત્યારે મધ્યપ્રદેશનો જ શંકર થાવરીયા નામનો આદિવાસી શખ્સ ધારીયા સાથે ધસી આવ્યો હતો અને નિંદ્રાધીન ભરતના માથામાં ધારીયાના ઘા ઝીંકી તેની હત્યા કરી હતી. આ બનાવ અંગે મૃતક ભરતના ભાઈ રમેશેફરિયાદ નોંધાવી હતી.
પોલીસ તપાસમાં ભરતને એક મહિલા સાથે આડો સંબંધ હોવાનું અને તે મહિલાના પતિ શંકરે બનાવની રાત્રે ભરત પર ધારીયાથી હુમલો કરી તેની હત્યા કર્યાનું ખૂલ્યું હતું. આથી પોલીસે હત્યાનો ગુનો નોંધી અદાલતમાં ચાર્જશીટ કર્યું હતું.
આકેસ જામનગરની સેશન્સ કોર્ટમાં ચાલી જતાં બીજા એડી. સેશન્સ જજ કે.આર. રબારીએ શંકર થાવરીયાને તકસીરવાન ઠરાવી આજીવન કેદ અને રૂ.૫૦૦ નો દંડ ફટકાર્યો હતો. આ કેસમાંસરકાર તરફથી ડીજીપી જમનભાઈ ભંડેરી રોકાયા હતાં.