અન્ય લોકોના દસ્તાવેજના આધારે ૧૦ પેઢીઓ બનાવી સરકારી તિજોરીને સાળા-બનેવીએ ચુનો ચોપડયો
જુનાગઢ પંથકમાં અલગ-અલગ નામની ૧૦ પેઢીઓ બનાવી જીએસટીમાં કૌભાંડ આચરી રૂા.૩૦૪ કરોડનો સરકારી તિજોરીને ચુનો ચોપડવાના બનાવમાં જેલમાં રહેતા જુનાગઢના શખ્સની રાજકોટની અદાલતે જામીન અરજી ફગાવી નામંજુર કરતો હુકમ કર્યો છે.
વધુ વિગત મુજબ જીએસટીની અમદાવાદ સ્થિત કચેરીને નનામી માહિતીના આધારે સંજય મશરૂ અને પ્રવિણ તન્ના નામના સાળા-બનેવી દ્વારા અલગ-અલગ નામથી પેઢીઓ બનાવી સરકારી તિજોરીને નુકસાન કરતા હોવાનું તપાસમાં ખુલતા પોલીસે સંજય મશરૂની ધરપકડ કરી પ્રાથમિક તપાસમાં વ્યકિતઓના આધાર અને પાનકાર્ડ મેળવી જે દસ્તાવેજોના આધારે અલગ-અલગ પેઢીઓ બનાવી અને જીએસટી રજીસ્ટ્રેશન કરાવી પેઢીઓને મોકલાવેલા માલના બિલો ખોટી રીતે બનાવી જીએસટીની રકમના સેટ ઓફ મળી રૂા.૩૦૪ કરોડની નાણાની ઉચાપત કર્યાનું ખુલ્યું હતું.
તપાસ પૂર્ણ થતા સંજય મશરૂને જેલ હવાલે કર્યા હતા. જેલ હવાલે રહેલા સંજય મશરૂએ જામીન ઉપર છુટવા અરજી કરતા જેમાં જીએસટી વિભાગ વતી જિલ્લા સરકારી વકિલ સંજયભાઈ કે.વોરાએ દલીલમાં જણાવ્યું હતું કે, જીએસટી કાયદા હેઠળ જુજ ફરિયાદો થયેલી છે. ધરપકડ કરી કોર્ટમાં રજુ કરેલા ખુબ જ ઓછા દાખલા હોવાથી સામાન્ય કાયદાની ત્રુટીઓ હોવી સ્વાભાવિક છે પરંતુ આરોપીએ અલગ-અલગ વ્યકિતઓના નામના દસ્તાવેજો મળી આવવાથી તે હકિકત સાબિત થાય છે કે, આ આરોપી ઓનલાઈન અરજીની પ્રોસીજરનો ગેરલાભ ઉઠાવી જુદા જુદા નામના જીએસટી રજીસ્ટ્રેશન મેળવે છે. ખરીદનાર વેપારીઓ પાસેથી જીએસટીની મોટી રકમ વસુલ કરી ઉચાપત કરવામાં મુળ વેપારીઓને મદદગારી કરી સેટ ઓફ કરાવી આપે છે. અર્થવ્યવસ્થા ઉપર ખુબ જ મોટી અવળી અસર પડે છે.
આ ઉપરાંત આ કૌભાંડમાં અન્ય કોઈ વ્યકિતઓ સંડોવાયેલા છે કે કેમ તે અંગેની તપાસ જયારે વિભાગીય રીતે પ્રક્રિયામાં હોય ત્યારે આરોપીને જામીન મુકત કરી પુરાવા સાથે ચેડા કરવાની તક આપવા સમાન લાભ આપી શકાય નહીં. સરકાર તરફેની આ તમામ રજુઆતો ધ્યાનમાં લઈ સેશન્સ કોર્ટે આરોપી સંજય મશરૂની જામીન અરજી રદ કરી છે. જીએસટી વિભાગ વતી જિલ્લા સરકારી વકિલ સંજયભાઈ વોરા રોકાયેલ હતા.