પેઢીના સંચાલકે ઝેર પી આપઘાત કરી લીધાના બનાવમાં ૧૧ શખ્સો સામે ગુનો નોંધાયો’તો
શહેરના સામાકાંઠે રહેતા અને અન્નપૂર્ણા ગૃહ ઉધોગ નામે નમકીનનો તથા હસમુખ ટ્રેડીંગના નામે ઘઉંનો ધંધો કરતા હસમુખભાઈ સુરાણી નામના પટેલ વેપારી મરવા મજબુર કરવાના ગુનામાં ફુલરટોન કંપનીના અધિકારીના જામીન મંજુર કરવામાં આવેલા છે.
આ કેસની હકિકત એવી છે કે, પેડક રોડ, શકિત રહેતા હસમુખભાઈ ઘેલાભાઈ સુરાણીને તા.૨૧/૧૨/૨૦૧૮ના રોજ યુનિવર્સિટી રોડ પર આવેલ પ્રેમ મંદિર પાસેના બગીચામાં ઝેરી દવા પી આપઘાત કરી લીધાના બનાવમાં મૃતકના પત્ની દક્ષાબેન, નિલેશ લુણાગરીયા, હીનાબેન નિલેશભાઈ લુણાગરીયા, જીજ્ઞેશ મનહરલાલ પટેલ, સની જાનમહમદ પ્રમાણી, ઈદુભાઈ ચૌહાણ (ફુલરટોન ફાયનાન્સ), જય કિશન માણેક, અરવિંદ પટેલ, પટેલ મેતાજી જે.રાધે, અતુલ પટેલ રણછોડનગર, શૈલેષ રામજી ભંડેરી અને કેતન મંડ સહિત ૧૧ લોકો વિરુઘ્ધ હસમુખભાઈએ દવા પી આપઘાતની ફરજ પાડવા અંગેની ફરિયાદ બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી હતી.
પોલીસે ઈન્દુ ચૌહાણની ધરપકડ કરાતા તેઓએ પોતાના એડવોકેટ તુષાર ગોકાણી મારફત અદાલતમાં જામીન પર મુકત થવા અરજી દાખલ કરી એવી રજુઆતો કરેલી હતી કે, ગુજરનારે ફુલરટોન કંપનીમાંથી રૂ.૯૫ લાખ અને ચોલામંડલમાંથી રૂ.૧.૪૦ કરોડની લોન લીધેલી હતી અને તે લોન ચુકવવામાં નિષ્ફળ જતા ફાયનાન્સ કંપની દ્વારા હુકમનામું મેળવવામાં આવેલું હતું. ઉપરાંત સ્યુસાઈડ નોટમાં આરોપીનું નામ દર્શાવવામાં આવેલું નથી પરંતુ ફરિયાદી દ્વારા લોનની રકમ ચુકવવી ન પડે તે માટે કંપની ઉપર દબાણ કરવા ખોટી રીતે ફરિયાદમાં નામ આપી ગુન્હામાં સંડોવી દીધેલા છે. તેમજ સર્વોચ્ચ અદાલતની ખંડપીઠ દ્વારા તા.૪/૧૨/૨૦૧૮ના રોજ અપાયેલા ચુકાદા મુજબ કોઈ વ્યકિત લેણાની રકમ માંગણી કરે મરી જવા માટે દુષ્પ્રેરણા કરે છે તેવું કહી શકાય નહીં તે ચુકાદા પર આધાર રાખવામાં આવેલો હતો.
બંને પક્ષોની રજુઆતો તેમજ રજુ થયેલ વડી અદાલતોના ચુકાદાઓ ધ્યાને લઈ કોર્ટે ઈન્દુ ચૌહાણની જામીન અરજી મંજુર કરી છે. આ કામમાં આરોપી ઈન્દુભાઈ ચૌહાણવતી યુવા ધારાશાસ્ત્રી તુષાર ગોકાણી, મૌલિક સાયાણી, રીપન ગોકાણી, સ્તવન મહેતા, ગૌરાંગ ગોકાણી, અમૃતા ભારદ્વાજ, કેવલ પટેલ અને કૃષ્ણ ગોર રોકાયેલા હતા.