કોરોના મહામારીની કોઈ દવા નથી એ વાત સાચી પરંતુ કરૂણાને અંકુશમાં લઈ શકવા શું કરવું જોઈએ ? તે એક ગંભીર પ્રશ્ર્ન: તાકિદની મીટીંગ યોજવી જરૂરી
જામનગરમાં બુધવારે 116 અને ગુરૂવારે 118 દર્દીઓના મોત નિપજતા સર્વત્ર હાહાકાર મચી ગયો છે. માત્ર હાલાર પંથક જ નહીં સમગ્ર રાજયમાં જામનગરની સ્થિતિ વિશે ગંભીર ચિંતાઓ વ્યકત થઇ રહી છે. આપણે કોઇ કોરોના મહામારીને નાબૂદ કરી શકીએ એમ નથી. પરંતુ હાલની સ્થિતિમાં આ કરૂણતાનો વ્યવહારૂ અને મેડીકલ સાયન્સની દ્રષ્ટિએ એડવાન્સ ઉપાય તાકિદે શોધવો તે આપણી સૌની ફરજ છે. આ ઉપાય શોધવા માટે જામનગરમાં તાકિદે સૌ સંબંધિતોની મેગા બેઠક યોજી યુધ્ધના ધોરણે ઉપાયો મોટાં પાયાપર અજમાવવા અનિવાર્ય બની ગયા છે. કારણ કે, જામનગરની જનતા રામભરોસે જીવી રહી હોય એવું મોતના આંકડાઓ પરથી દેખાય છે. આપણી આ લાચારીને આપણે ઝડપથી હટાવવી પડશે. જામનગર શહેર જિલ્લા ફરતે કોરોનાનો અજગરી ભરડો સ્થિતિ કાબૂ બહાર જઇ રહી છે. જામનગરમાં કોરોના મહામારીનું સંક્રમણ અનેક ગણી ઝડપે વધી રહ્યું છે. છેલ્લાં 24 કલાક દરમિયાન જામનગર શહેરમાં 336 અને ગ્રામ્યના 228 કેસ મળી 276 કેસ નોંધાયા છે. તો 279 દર્દીઓએ કોરોનાને હરાવવામાં સફળ રહેતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
જામનગરમાં છેલ્લાં 24 કલાક દરમિયાન શહેરમાં 05 અને ગ્રામ્ય વિસ્તારમાં 04 મળી કુલ 09 દર્દીના મોત નિપજ્યાનું સરકારી તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું.જામનગર જિલ્લામાં કોરોના પોઝિટીવનો આંક 500 થી પણ વધી ગયો છે. જામનગરની સરકારી કોવિડ હોસ્પિટલમાં બેડ પણ ફુલ થઇ ચૂક્યા છે. જી.જી.હોસ્પિટલમાં એમ્બ્યુલન્સની લાઇનો લાગી છે. એમ્બ્યુલન્સમાં પણ દર્દીની સારવાર આપવામાં આવી રહી છે. કોરોનાનું સંક્રમણ વધતાં પરિસ્થિતિ વણસતી જઇ રહી છે. જામનગર શહેરમાં 336 પોઝિટીવ કેસ સામે આવ્યા છે. જ્યારે 146 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. આ ઉપરાંત જામનગર ગ્રામ્ય વિસ્તારમાં કુલ 228 પોઝિટીવ કેસ નોંધાયા છે. જ્યારે 133 દર્દીઓએ કોરોનાને મ્હાત આપતા ડિસ્ચાર્જ કરાયા છે. જામનગર શહેરમાં અત્યાર સુધીમાં કુલ 301106 સેમ્પલનું પરીક્ષણ થયું છે. જામનગર ગ્રામ્યમાં અત્યાર સુધીમાં કુલ 235777 સેમ્પલનું પરીક્ષણ થયું છે. એક જ દિવસમાં 564 દર્દીઓ નોંધાયા હોય જામનગરમાં કોરોના વિકરાળ બનતો જઇ રહ્યો છે. કોવિડ હોસ્પિટલમાંં કુલ 9 દર્દીઓના મોત નિપજ્યા છે. જેમાં શહેરના પાંચ અને ગ્રામ્ય વિસ્તારના ચાર દર્દીઓના મોત થયા હતાં તેમજ તંત્ર દ્વારા જાહેર ન કરાયેલા મૃત્યુઆંકની સંખ્યા 77 જાહેર થઇ છે, આ આંકડો ગુરૂવારના બપોરના 12:30 થી અત્યાર સુધીનો હોવાનું નોંધાયું છે.