ગીર વિસ્તારની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં જંગલી પશુઓના આંટાફેરાના બનાવો છાશવારે બનતા હોય છે. ગીર સોમનાથ, ધારી, અમરેલી, રાજુલા સહિતના વિસ્તારોમાં ખાસ કરીને સિંહ, દીપડાના આંટા ફેરા વધ્યા છે. ત્યારે તાજેતરમાં ધારીના જુનાગઢ રોડ પર એક કે બે નહીં… પરંતુ એકી સાથે પાંચ પાંચ સિંહોની લટાર જોવા મળી છે.
ધારી વિસ્તારના જુનાગઢ રોડ પર વનરાજા નાઈટ વોક પર નીકળ્યા હોય તેવું વિડીયો જોઈને લાગી રહ્યુ છે. જુનાગઢ પર શ્રીનાથ પેટ્રોલપંપ પાસે એક સાથે પાંચ સિંહ લટાર મારી રહ્યા છે. વન રાજાઓની રાત્રી લટાર સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે. જે વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
જો કે આ વિસ્તારમાં સિંહ-દીપડાઓના ધામા વધતા સ્થાનિક લોકો તેમજ ખેડૂતોમાં ફફડાટ ફેલાયો છે. પોતાના પાલતુ પશુઓને નુકસાન અથવા ઘણીવાર શિકારની પણ ઘટતા બનતી હોય છે જેના કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. જણાવી દઈએ કે એક-બે અઠવાડિયા અગાઉ ગીર સોમનાથના ઉના વિસ્તારમાં એક ખેતરમાં એક સાથે નવ-નવ સિંહે ધામા નાખ્યા હતા. જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.