ભરૂડી, પીઠડીયા અને ડુંમિયાણા આ ત્રણમાંથી માત્ર બેને જ પસંદ કરીને કાર્યરત રખાશે : ટૂંક સમયમાં પ્રાંત- ડીવાયએસપી અને આરટીઓ અધિકારીની સમિતિ લેશે નિર્ણય

રાજકોટ – ઉપલેટા વચ્ચેના ત્રણ ટોલનાકામાંથી એકને બંધ કરી દેવાશે. ભરૂડી, પીઠડીયા અને ડુંમિયાણા આ ત્રણમાંથી માત્ર બેને જ પસંદ કરીને કાર્યરત રખાશે.  ટૂંક સમયમાં પ્રાંત- ડીવાયએસપી અને આરટીઓ અધિકારીની સમિતિ આ અંગે નિર્ણય લેશે.

રાજકોટથી ઉપલેટા વચ્ચે હાલ ત્રણ ટોલનાકા કાર્યરત છે. ભરૂડી, પીઠડીયા અને ડુંમિયાણા. આ ટોલનાકાને લઈને સ્થાનિકોમાં છેલ્લા ઘણા સમયથી કચવાટ હતો. ઉપરાંત વધુ ટોલ ઊઘરાવતો હોવાની રાવ સાથે ટોલ પ્લાઝા નાબુદી માટે એક સંગઠન પણ રચાયું હતું. આ સંગઠન દ્વારા ધારાસભ્ય ડો. મહેન્દ્ર મુંજપરાની અધ્યક્ષતામાં જિલ્લા કલેક્ટરને આવેદન પણ અપાયા હતા.

બીજી તરફ અગાઉ કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ લોકસભામાં કહ્યું હતું સરકાર  અનેક ગેરકાયદે ટોલનાકાઓ બંધ કરવા જઇ રહી છે. ગડકરીએ સંસદમાં કહ્યું કે દેશમાં 60 કિ.મીથી ઓછા અંતર વચ્ચે ટોલનાકા ન હોઇ શકે. પરંતુ ઘણી જગ્યાએ આવા ટોલનાકા ચાલી રહ્યા છે.ગડકરીએ સંસદમાં બોલતા કહ્યું કે હું ગૃહને ભરોસો આપવા માંગુ છું કે એવા બધા ટોલ નાકા સરકાર આગામી સમયમાં સરકાર બંધ કરી દેશે. કારણકે આ ખોટું કામ છે અને આવા ટોલનાકા ચલાવવા ગેરકાયદેસર છે.

વધુમાં જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુએ વિગતો આપી હતી કે ટોલનાકા માટે પ્રાંત અધિકારી, ડીવાયએસપી અને આરટીઓ અધિકારીની એક સમિતિ રચાઈ છે. આ સમિતિ ત્રણ પૈકીનું એક ટોલનાકુ નાબૂદ કરવાનો નિર્ણય લેશે. જો કે કયુ ટોલનાકુ હટાવવામાં આવશે તે અંગેનો નિર્ણય આગામી સમયમાં લેવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.