૨૭ મહિના પછી એક મંચ પર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સાથે મહારાષ્ટ્રના લાતુરમાં જનસભા સંબોધી. લાતુરના ચૂંટણી મેદાનમાં ૧૦ ઉમેદવાર છે પરંતુ મુખ્ય ટક્કર કોંગ્રેસ અને ભાજપ વચ્ચે છે. અહીં ૧૮ એપ્રિલે મતદાન થવાનું છે. બંને નેતા ૨૭ મહિના પછી એક સ્ટેજ પર સાથે જોવા મળ્યા છે. આ પહેલાં બંનેએ ડિસેમ્બર ૨૦૧૬માં મુંબઈમાં શિવાજી મહારાજના સ્મારકનો શિલાન્યાસ કર્યો હતો.
કોંગ્રેસ મેનિફેસ્ટોમાં પાકિસ્તાનની ભાષા: મોદીએ કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરા પર કટાક્ષ કરતા કહ્યું કે, જે વાત કોંગ્રેસના મેનિફેસ્ટોમાં છે તેવી જ ભાષા પાકિસ્તાન પણ બોલી રહ્યું છે. કોંગ્રેસનું કહેવું છે કે, તેઓ કાશ્મીરમાં રમખાણો કરનારા લોકો સાથે વાત કરશે. પાકિસ્તાન પણ એવું જ કરી રહ્યું છે. જેથી ભારત તે વાતોમાં જ ગુંચવાયેલુ રહે. કોંગ્રેસે જાહેરાત કરી છે કે, દેશદ્રોહના કાયદો ખતમ કરાશે. તેનો સીધો અર્થ થાય કે, દેશના ટૂકડાં કરનાર લોકોને ખુલ્લુ લાયસન્સ આપવામાં આવશે. પાકિસ્તાન પણ એવું જ ઈચ્છે છે કે, ભારતનું વિભાજન કરનાર લોકો તેમનું કામ કર્યા કરે.
વિકાસ કરીને તમારું વ્યાજ ચૂકવીશ: મોદીએ કહ્યું, તમારી તપસ્યાને બેકાર નહીં જવા દઉ. વિકાસ કરીને તમારું વ્યાજ ચૂકવીશ. જે થયું તે માટે તમને આ ચોકીદાર યાદ આવતો હશે અને હવે પણ જે થશે તેની જવાબદારી મારી છે. આજ વિશ્વાસ આપીને અમે સંકલ્પિત અને સશક્ત ભારતનો સંકલ્પ દેશની સામે મુક્યો છે. અમે દરેક નાગરીકની ભાગીદારી ઈચ્છીએ છીએ. એક તરફ અમારી નીતિ અને નિયત છે અને બીજી બાજુ અમારા વિરોધીઓનું દ્વીપક્ષી વલણ છે.
આતંકીઓને તેમના ઘરમાં જઈને મારીશું. આ નવા ભારતની નીતિ છે. આતંકને હરાવવો જ અમારો સંકલ્પ છે. જમ્મુ-કાશ્મીરમાં જનતાના મનમાં અમે નવો વિશ્વાસ ઉભો કર્યો છે. હવે કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય કરવાનો જ અમારો સંકલ્પ છે. અમે તેના પરિણામો પણ જોઈ રહ્યા છીએ. અમારો સંકલ્પ છે કે અમે સીમા પરની ઘૂસણખોરી બંધ કરીશું. નક્સલીઓને રોકવા અને આદિવાસીઓના વિકાસ કરવામાં અમે દિવસ-રાત મહેનત કરી હતી.