ઓનલાઈન કોસ્મેટીક અને પરફ્યુમમાં સૌથી વધુ પ્રોડકટ ફેક હોવાની શકયતા
તહેવારોમાં ડિસ્કાઉન્ટોની ભરમારને કારણે લોકો ઓનલાઈન શોપીંગ તરફ વળ્યા છે પરંતુ આ પ્રકારના લોભામણા સેલથી ઈ–ટેઈલરો લાખોની ઠગાઈ કરે છે. ઓનલાઈન વેચાતી થર્ડ પાર્ટીની દર પાંચ પ્રોડકટસમાંથી એક બોગસ હોવાનું ખુલ્યું છે.
સિટિઝન એન્ગેજમેન્ટ પ્લેટફોર્મ લોકલ સર્કર દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વેમાં સામે આવ્યું હતું કે ઈ–કોમર્સના માધ્યમ ઉપર વેચાતી પ્રોડકટમાંથી કોસ્મેટીકસ અને પફર્યુમમાં સૌથી વધુ ફેક પ્રોડકટનો ભય રહે છે. ૩૦ હજાર લોકોના પરીક્ષણમાં સામે આવ્યું કે છેલ્લા ૬ મહિનામાં ૨૦ ટકા લોકોએ ફેક પ્રોડકટ મેળવી છે.
ઈ–કોમર્સ ઉપર વેચાતી વસ્તુઓમાં મોટાભાગના લોકોના મત મુજબ ૩૭ ટકા લોકો સ્નેપડીલ, ૨૨ ટકા ફિલ્પકાર્ટ, ૨૧ ટકા પેટીએમ અને ૨૦ ટકા લોકોએ એમેઝોન જેવી નામચીન ઈ–કોમર્સ કંપનીઓ ઉપરથી ફેક પ્રોડકટ મેળવી છે. હકિકતમાં ઈ–કોમર્સ ખોટી વસ્તુઓ નથી વેચતી પણ થર્ડ પાર્ટી કહેવાતા ઈ–ટેઈલર્સ શિપીંગ સમયે ઠગાઈ કરે છે. ઓનલાઈન ખરીદી માટે નકલી પ્રોડકટો વૈશ્વિક મુદ્દો છે. ખાસ તો અલીબાબા અને એમેઝોન જેવી વિશાળ ઓનલાઈન કંપનીઓમાં જોડાતા થર્ડ પાર્ટી ઓપરેટરો મોટી ઠગાઈ કરી નાણા રળે છે.
આ અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેતા અમેરિકા સરકારે તેના દેશમાં આવતી ખોટી ઓનલાઈન પ્રોડકટના મથકોની ધરપકડ કરવાનો આદેશ આપ્યો છે. ફેક પ્રોડકટને લઈને મેટ્રો શહેરોમાં સૌથી વધુ તકલીફો રહે છે. કારણકે મોટાભાગના લોકો ઓનલાઈન ખરીદી કરતા હોય છે જેમાં કેટલીક વખત તો લોકોને ખ્યાલ પણ નથી આવતો કે પ્રોડકટ ફેક છે કે નહીં.
નકલી પ્રોડકટોને કારણે માર્કેટ અને ઈ–કોમર્સનાં વેચાણને નુકસાન થાય છે. એસોસીએશનને જણાવ્યું હતું કે, કેટલાક માર્કેટકારોની સિસ્ટમ હોય છે જે ફેક પ્રોડકટ વેચનારાઓને ઈ–કોમર્સ માટે પરવાનગી આપવાથી રોકે છે. જોકે આ અંગે સરકાર કાયદો ઘડે તો ચોકકસ કામગીરી થઈ શકે અને આ પ્રકારના થર્ડ પાર્ટી ડિલરોને અટકાવી શકાય.