“વિઝરાણાના સરપંચના બન્ને પગ ભાંગતા તેણે બદલો લેવા બે ઘોડેશ્વાર સશસ્ત્રો ટીમો તૈયાર કરી મેરા ગાંવ મેરા દેશની માફક ખૂની ખેલ ખેલ્યો !
શંકાનું વેર
પોરબંદરમાં જે દારૂના કેસમાં પકડાયેલા પણ કહેવાતા આગેવાનો હતા તેમણે સુદામા ચોકમાં પોલીસ વિરૂધ્ધ જાહેર સભા યોજીને જે હલકો ભાષા પ્રયોગ કરી આક્ષેપો કર્યા તેનાથી સમગ્ર પોલીસદળ તો સમસમી જ ગયુ હતું પરંતુ પોલીસવડા પણ આક્રમક-મિજાજમાં આવી ગયેલા. આથી તેઓએ અધિકારીઓની મિટિંગ યોજીને ગુન્હો નોંધી હલકી વાણી વિલાસ કરનારાઓને તો તે જ દિવસે તીખો પાઠ ભણાવી દીધેલો.
આથી પોલીસવડાને પોલીસ અધિકારીઓ અને દળ ઉપર પૂરો વિશ્વાસ બેસી ગયો કે આ તમામ ધાર્યુ નિશાન પાડે તેમ છે તેથી પોલીસવડાએ તમામને ધંધાદારી ગુનેગારો ઉપર અને લાયસન્સ વગરના અગ્નિશસ્ત્રો ધારણ કરનારાઓ ઉપર તૂટી પડવા સુચના કરી અને ભૂતકાળમાં ક્યારેયન થઇ હોય તેવી કાર્યવાહી કરવા સૂચના કરી.
ક્રાઇમ બ્રાંચના ફોજદાર રાણાએ અગાઉ જામનગર તથા જામખંભાળીયા નોકરી કરેલી તેથી તેની પાસે આ વિસ્તારની તાસીરની સંપૂર્ણ માહિતી હતી. ફોજદાર રાણાએ જયદેવ સહિત રાણાવાવ, કુતીયાણા, માધવપુર, ઉદ્યોગનગર, ટાસ્કફોર્સ વિગેરેના ફોજદારોને સૂચના કરી કે પ્રથમ તમારા સ્ટાફી અને બાતમીદારોને તમારા વિસ્તારમાં કેટલા લાયસન્સ વગરના ફાયર આર્મ્સ ધારણ કરે છે. તેનું લીસ્ટ તૈયાર કરી, તેની ખાત્રી કરી અને પછી નક્કી કરેલી રાત્રે એકસાથે જ આવા ગુનેગારો ઉપર ત્રાટકવાનું નક્કી કર્યુ.
તમામ ફોજદારોએ તેનો અમલ કર્યો. એક જ રાત્રીમાં પોરબંદર જીલ્લાના તમામ પોલીસ સ્ટેશનોમાંથી યુક્તિપૂર્વક આયોજન પૂર્વક અગ્નિશસ્ત્રોના ધારકો ઉ૫ર આક્રમણ થયુ. આથી એક જ રાત્રિમાં રેકર્ડ બ્રેક રીતે રાજ્યમાં ભૂતકાળમાં ક્યારેય ન પકડયા હોય તેટલા ૧૦૪ (એકસોચાર) અગ્નિશસ્ત્રો અને આરોપીઓ સમગ્ર જીલ્લામાંથી પકડાયા.
બગવદર ફોજદાર જયદેવે સાત હથીયારો પકડાયા જેમાં એક સોનાથી મઢેલો દેશી તમંચો જે બહારવટીયો ‘ભૂપત’ પોતાની સાથે શોભારૂપે રાખતો તે પણ પકડાયો અને એક પ્રોહીબિટેલ બોર-૩૮ની રિવોલ્વર જેના માટે અગાઉ ઘણા સર્મથ અધિકારીઓએ મેળવવા માટે પ્રયત્નો કરેલા પણ સફળ થયેલ નહિ તે રિવોલ્વર પણ ભેટકડી ગામેથી મળી આવી.
સમગ્ર રાજ્યમાં પોરબંદર પોલીસવડાનો જય જયકાર થયો પરંતુ ખરેખર સાથો-સાથ જય જયકાર ક્રાઇમ બ્રાંચના ફોજદાર રાણાનો પણ થવો જોઇતો હતો કેમ કે સમગ્ર આયોજન અને મુખ્યા કાર્યવાહી તેની જ હતી. બીજી બાજુ આ ‘ઓપરેશન આર્મ્સ’ના રાજકીય રીતે ઘેરા પ્રત્યાઘાત પડ્યા અને સર્મથ પોલીસવડાની બદલી થઇ ગઇ. છતા પોલીસે તેની આ ઝૂંબેશ નવા પોલીસવડા આવ્યા બાદ પણ ક્રાઇમ બ્રાંચના ફોજદાર રાણાની આગેવાનીમાં ચાલુ રાખી.
આ ઝુંબેશના ભાગરૂપે પોલીસે વિઝરાણા ગામનો એક શખ્સ ગગાવજસીને પણ દેશી બંદૂક સાથે પકડાયો. આ ગંગાએ ત્રણેક વર્ષ પહેલા રાત્રીના સમયે કાટવાણા ગામે એક ખૂન કરેલુ. આ વિસ્તારમાં લાઇમ સ્ટોન કાઢવાને કાંકરી કાઢવાનું કહે છે જે કાટવાણા ખૂન કરેલુ તે સરકારી જમીનમાંથી કાંકરી કાઢવા માટે જ થયું હતું. તે ગુન્હો વણશોધાયેલો હતો અને પોલીસ તપાસનું ફાયનલ ભરાઇ ગયું હતું. જે ખૂન કેસની ફેર તપાસ શરુ થઇ ગંગાની તેમાં ધરપકડ થઇ અને કેસનું કોર્ટમાં ચાર્જશીટ થયું.
આરોપી ગગાને એવી શંકા ગઇ કે આ ખૂનની બાતમી પોલીસને વિઝરાણાના સરપંચે આપેલ છે. ગગો આમેય ગેંગ સાથે સંકળાયેલો હતો જ. આથી ગગાને તો ગેંગનું પણ પાકુ પીઠ બળ હતું. તેથી ગગાએ જેલમાંથી છુટીને પહેલુકામ વિઝરાણાના સરપંચના બંને પગ ભાંગી નાખવાનું કર્યુ.
સરપંચ ખાટલા ભેગા થઇ ગયા. આથી બદલાની આગે ભડકા અને જ્વાળાનું રુપ ધારણ કર્યુ. સરપંચના ભાઇઓ અને પુત્રોએ પણ વળતો પણ જબરદસ્ત પ્રહાર કરવાની તૈયારીઓ શરુ કરી કેમકે સામે ગગો ગેંગનો સભ્ય હતો. સરપંચ જૂની માન્યતા એવી હતી કે પોલીસ જેમ રાબેતા મુજબ ચાલે છે તેમજ ચાલશે અને કાર્યવાહી કરશે.
પરંતુ તેમને ખ્યાલ ન હતો કે બગવદરનો ફોજદાર જયદેવ જુદી માટીનો છે. સરપંચ જૂથે બે ટીમો તૈયાર કરી. એક ટીમ વિઝરાણા ગામે પાદરમાં ગગાને ઘેર પડવા અને બીજી બરડા ડુંગરની તળેટીમાં ગોઢાણા ગામની સીમમાં આવેલ ટાટાના લાઇમ સ્ટોન એરિયામાં ખાબકવા માટે તમામ સભ્યો માટે અગ્નિશસ્ત્રો, તલવારો, ભાલા અને ધારીયા જેવા તિક્ષ્ણ હથીયારો એકત્રિત થયા. અને બંને ટીમો ઘોડા ઉપર સવાર થઇ એક જ સથે સાંજના ચારેક વાગ્યે ફિલ્મ ‘શોલે’ની માફક એક સાથે ત્રાટકવાનું નક્કી થયું.
વિઝરાણા ગામના પાદરમાં ઘેઘુર વડલાઓ આવેલ હતા. ત્યાં જ ગેંગસ્ટર ગગાનું ઘર આવેલ હતું. એક દિવસ સાંજના ચારેક વાગ્યે આ ઘરના ડેલા પાસે ચાર ઘોડેશ્વારો હથીયારો સાથે આવ્યા. ઘરનો ડેલો અંદરથી, બંધ હતો. તેથી ડેલા ઉપર બંંદૂકો ના ભડાકા કર્યા અને ધારીયાના ઘા કર્યા.
આથી આખુ ગામ ભડાકા અને વડલામાં રહેલા મોરલાઓની ચીચીયારીઓથી ગાજી ઉઠ્યું. ગામમાં આમેય વસ્તી સાવ ઓછી હતી અર્ધા માણસો તો સીમ ખેતરે જ રહેતા હતા. બાકીનાઓએ ડેલીઓ બંધ કરી દીધી. પરંતુ ગગાને ઘેર ફક્ત થીઓ જ હોય આ ઘોડેશ્વર પાર્ટીનો મકસદ બર આવ્યો નહિં.
પરંતુ બીજી ઘોડેશ્વર ટીમ જે એરિયામાં ગયેલી તેને એરિયામાં દાખલ થતા જ એક વિરોધી માણસ મળી ગયો અને તેને ભડાકે દીધો. તેના ત્યાં જ રામ રમી ગયા. આ ટીમે એરિયામાં ઘોડાઓ ખૂબ દોડાવ્યા પણ ગગાનો કોઇ પત્તો લાગ્યો નહિં. પરંતુ એરિયામાં ચા-પાણી બીડી બાક્સની કેબની હતી. અને તે કેબીન ગગાનો નાનોભાઇ ચલાવતો હતો.
તે સાવ નિર્દોષ હતો અને આ કેબીન ચલાવી પોતાનું ગુજરાન ચલાવતો તેને ગેંગ સાથે કોઇ લેવા દેવા ન હતા. પરંતુ દુશ્મનનો ભાઇ એટલે દુશ્મનએ ન્યાયે આ ઘોડેશ્વાર ટીમે તેને કેબીનના થડા ઉપર જ ભડાકે દીધો અને તેનુ થડા ઉપર બેઠા બેઠા જ પુરુ થઇ ગયું.
જ્યારે ઝનૂન ચડે ત્યારે માણસ વિવેક બુધ્ધિ ગુમાવીને શું કરે છે કોની દાઝ કોની ઉપર ઉતારે છે તે કાંઇ જોતો નથી. ગગો શોધ્યો પણ મળ્યો નહિં. આથી બંને ઘોડેશ્વાર ટીમો ઘોડા લઇને બરડા ડુંગરમાં ઉતરી ગઇ.
તે સમયે બગવદર પોલીસ સ્ટેશનના બરડા વિસ્તારમાં થતી મારામારીના બનાવોની લગભગ તમામ ફરિયાદો પોરબંદર કમલા બાગ પોલીસ સ્ટેશનમાં જ નોંધાતી કેમ કે ઇજા પામનાર કે મૃત્યુ પામનારને સારવાર કે પોસ્ટ મોર્ટમ માટે પોરબંદર જ લઇ જવાતા અને પ્રત્યાઘાતરુપે બીજો બનાવ ન બને તેની તકેદારી રાખવાની અને એફ.આઇ.આર. આવ્યે આગળ તપાસ બગવદર પોલીસે કરવાની રહેતી.
જયદેવે વિઝરાણા તથા ગોઢણા ગામની સીમોમાં ફોરેન્સીક સાયન્સની મોબાઇલ ટીમ બોલાવી આ ગુન્હાની સઘન તપાસ ચાલુ કરી પોતાના ડી સ્ટાફના જવાનો ઓડેદરા અને જોષીને આરોપીઓને પકડવા અને બાતમી મેળવવા બરડામાં છૂટા મૂક્યા. જયદેવ લાઇમ સ્ટોન એરીયામાં તપાસના કાગળો તૈયાર કરતો નિવેદનો લેતો હતો.
વિઝરાણાનો પગ ભાંગલો સરપંચ બંને પગમાં પ્લાસ્ટરો હોવા છતા કાર લઇને એરિયામાં ફોજદાર જયદેવને મળવા આવ્યો. તેના માણસને જયદેવ પાસે મોકલ્યો કે સરપંચ મળવા માગે છે. જયદેવે તે માણસ સાથે જ કહેવરાવ્યું કે સરપંચ તેનું ભલુ ચાહતો હોય તો અત્યારે જ ચાલ્યો જાય નહિ તો કાવત્રાની કલમ ઉમેરીને તને પણ આ ગુન્હામાં ઘાલી દઇશ. આથી સરપંચ કાર લઇને ઉભી પૂંછડીએ ભાગ્યો.
પણ તેને ધમકીનો તાવ ચડી ગયો. આથી તે ડીસ્ટાફને શોધતો શોધતો કાર લઇને બરડા ડુંગરની તળેટીમાં પહોંચ્યો પરંતુ તેની કમનસીબેએ ડીસ્ટાફના કોન્સ્ટેબલ ઓડેદરાએ પણ જયદેવ કરતા વધુ ગરમ અને ભયંકર ધમકી આપી. આથી સરપંચ ભડક્યો તેને પોલીસનો આવો અનુભવ પ્રથમ વખત જ થયો હતો.
વિઝરાણાના સરપંચને હવે પોલીસનો પાકો અવિશ્વાસ અને ભય પેસી ગયો કે ઘેર તો ખાટલામાં પડ્યા પડ્યા સંડાસ થાય તેની સેવા કરનારા તો હોય પણ જો કાવત્રામાં પોતાને પણ પોલીસ ઘાલશે તો નક્કી જેલામાં જ મોત થશે. સરપંચે એક ખેપીયો બરડા ડુંગરમાં રવાના કર્યો અને તેના આરોપી ભાઇઓને કહેવરાવ્યું કે બગવદર પોલીસ સાથે મેળ પડે તેમ નથી. ઘણી મુશ્કેલી છે.
વળી પોલીસ બરડાના માલધારીઓના સંપર્ક કરીને બાતમી મેળવે છે. તેથી હવે બરડા ડુંગરમાં પણ સલામતી નથી. તેથી તમે બરડો મૂકીને વાપી કે મુંબ્ઇ બાજુ નાસી છૂટો. આથી આરોપીઓ બરડો પાર કરીને ભાણવડ રેલ્વે સ્ટેશનેથી ટ્રેન પકડી મુંબઇ બાજુ પોબારા ગણી ગયા.
સરપંચના એક મિત્ર મારાજને પોરબંદરમાં ગેસ્ટ હાઉસ હતુ અને તે ગેસ્ટ હાઉસમાં અમૂક પોલીસ અધિકારી નિયમિત આવતા જતા. જેથી મારાજ સાથે સારા સંબંધો હતા. સરપંચે પોરબંદર જઇ મારાજ પાસે જઇ રોકકળ કરી બગવદર પોલીસની અવળચંડાઇની ફરિયાદ કરી અને તેનાથી બચાવવા શામ, દામ અને જે રીતે છૂટકારો થાય તે માટે આર્દ ભર્યા સ્વરે ઘા નાખી.
આથી મારાજે તેના મિત્ર પોલીસ અધિકારીને આ વાત કરી કાંઇક રસ્તો કરવા કહ્યું. આથી આ પોલીસ અધિકારીઓ કહ્યું કે આ તો આ ગુન્હાની તપાસ બગવદર ફોજદાર પાસેથી લઇ અન્યને સોં૫વામાં આવે તો જ રસ્તો નીકળે અને તે માટે પોલીસવડા સાથે વહીવટી વાત કરવી પડે. સરપંચ કહે જે વાત થાય તે પણ બગવદર પોલીસને વચ્ચેથી કાઢો.
પોલીસવડાએ પેલા પોલીસ અધિકારીના કહેવા મુજબ વહીવટી રીતે આ ગુન્હાની તપાસ બગવદર ફોજદાર જયદેવ પાસેથી લઇ સી.પી.આઇ.ને સોંપી દીધી. આથી વાયરલેસ મેસેજ થયો કે સીપીઆઇએ તુર્ત જ તપાસ સંભાળી લેવી અને આરોપીઓ તુરત પકડવા. વાયરલેસ જયદેવ વિઝરાણા સીમમાં તપાસમાં હતો ત્યાં જીપમાં જ મળ્યો. નિયમ એવો છે કે ખૂનનો ગુન્હો અનડીટેક્સ હોય તો જ સીપીઆઇ તપાસ કરે પણ આ તો ગુન્હો પણ ડીટેક્ટ છે. તપાસ પણ પૂરી થઇ ગઇ છે. હવે ફક્ત આરોપીઓ જ પકડવાના બાકી છે તો આમ કેમ થયું ? પણ જયદેવે મનમાં સમજી ગયો કે આ કારસ્તાન સરપંચનું લાગે છે.
જયદેવે તુરત જ વળતો વાયરલેસ મેસેજ સીપીઆઇને કર્યો કે ગુન્હાના કેસ કાગળો તૈયાર જ છે ફક્ત કેસ ડાયરી લખવાની બાકી છે. અમો વિઝરાણાની સીમમાં જ છીએ તાત્કાલીક તપાસ સંભાળી લેવા જણાવ્યું. મેસેજ આપી જયદેવ તુરત જીપ લઇને ઉપડ્યો ગોઢાણા ગામે જ્યાં બરડા વિસ્તારનો ‘ડોન’ રહેતો હતો. આ ડોને અગાઉ ઘણા ખૂન ખરાબા કરી લીધેલા જેમાં એક ગુન્હામાં તો આદિત્યાણા ખાતે તેણે પોલીસ પાર્ટીના સશસ્ત્રો રક્ષણ નીચેની ચાર વ્યક્તિઓને એકી સાથે ગુજરાવી દીધેલી આથી તેની તે સમયે બરડામાં હાંક વાગતી.
જયદેવને જીપ લઇને આવેલો જોઇ ડોન ઓછો-ઓછો થવા લાગ્યો અને કહ્યું પધારો સાહેબ હુકમ-ફરમાવો. તે પહેલા જયદેવે મનોમન નક્કી કરી દીધેલુ કે લોઢુ જ લોઢાને કાપે આથી તે આ બરડાના ડોનને અવળો ચોંટ્યો અને કહ્યું ‘શું પધારે ? નાલાયક આ ગુન્હાની તપાસ સીપીઆઇને સોંપાવી આરોપીઓને બચાવવાનું કારસ્તાન તું જ છે. આ એક તપાસ ભલે મારી પાસેથી ગઇ પણ બીજા ગુન્હામાં તને ફીટ કરી જો ‘પાસા’માં ભૂજ જેલ ન બતાવુ તો મને યાદ કરજે’ ડોન જયદેવની કાગળો બનાવવાની પધ્ધતિથી સારો માહિતગાર હતો.
તેણે જયદેવને આજીજી કરીને કહ્યું ‘સાહેબ હુ હનુમાનજી તો નથી કે છાતી ચીરીને બતાવુ કે આ કૌભાંડમાં હું નથી અને કાંઇ જાણતો પણ નથી છતા આપ કહો તેમ કરવા હું તૈયાર છું.’ જયદેવે કહ્યું જો તું તારી સલામતી ચાહતો હોય તો આ વિઝરાણાના ત્હોમતદારો મારા કહ્યા સિવાય પોલીસ પાસે રજૂ થવા જોઇએ નહિં. ડોને કહ્યું “સાહેબ આરોપીઓ ગુજરાતમાં જ નથી અને હવે હું કહેવરાવી દઉ છું કે મને પૂછ્યા વગર ગુજરાતમાં આવે નહિં આની હું ખાત્રી આપુ છું. જયદેવે વિઝરાણા પાછા આવી કેસ ડાયરી લખવાની પૂરી કરી.
ત્યાં સીપીઆઇ પોરબંદરી આવી ગયા આથી જયદેવે ગુન્હાની વિધિસર તપાસ તેમને સોંપી બગવદર જવા રવાના થઇ ગયો. પરંતુ રસ્તામાં જ ડી.વાય.એસ.પી. કે જેમનું આ ગુન્હામાં વિઝિટેશન હતું તે સામા મળ્યા. તેમણે જયદેવને કહ્યું કે “તપાસ જો પૂરી થઇ ગઇ હોય અને આરોપીઓ જ પકડવાના બાકી હોય તો સીપીઆઇને ખોટી રીતે તપાસ આપી ગણાય. આમ વગર કારણે કરવું જોઇએ નહિં.. જયદેવે કહ્યું ‘એક તો આ પોલીસખાતુ છે અને તેમાં આ પોરબંદર છે આવુ તો ચાલ્યા કરે.
ડીવાયએસપીએ નારાજ થઇને જયદેવને કહ્યું “તમે બરાબર તપાસ કરતા હતા આ ખોટી ખટપટ પોલીસ બેડામાં ઘુંસી છે. જયદેવે કહ્યું કાંઇ વાંધો નહિં જે થાય તે સારા માટે તેમ કહી તે બગવદર આવી ગયો. સીપીઆઇને તો ગુન્હાની તપાસમાં હવે ફક્ત આરોપીઓ જ પકડવાના બાકી હતા અને તે પણ તેમના મુજબ “માખણમાંથી વાળ કાઢે તેમ લઇ લેવાના હતા કેમકે આરોપીઓનો ભાઇ સરપંચ જ આરોપીઓને બગવદર પોલીસને બદલે સીપીઆઇ પાસે જ રજૂ કરવા માંગતો હતો.
આ બાજુ ગોઢાણાના ડોને સરપંચને રુબરુ જઇને જ ધમકી આપી કે હુ કહુ નહિં ત્યાં સુધી આરોપીઓ પોલીસમાં રજૂ થવા જોઇએ નહીં. અને જો રજૂ કર્યા તો તમારી ખેર નથી. આમ વાત અટકી ગઇ. સરપંચના બંને વહાણ દૂબી ગયા હવે જો આરોપીઓ રજૂ કરે તો બગવદર પોલીસ તો ઠીક પરંતુ ડોનનો ભય મોત બરાબર હતો. સીપીઆઇ સરપંચને બીજીવાર મળ્યા ત્યારે સરપંચે રડીને કહ્યું કે આરોપીઓ ભયના માર્યા બરડા ડુંગરમાં ઉંડે ઉતરી ગયા લાગે છે સંપર્ક થતો નથી.
પોરબંદર ક્રાઇમ બ્રાંચના ફોજદાર રાણાને આ ડબલ મર્ડરની તપાસ જે રીતે ફોજદાર જયદેવ પાસેથી વગર કારણે લઇ લેવામાં આવી તેનાથી ખૂબ નારાજ થયેલ અને તેમને પણ આ બાબત અપમાનજનક લાગેલી. ત્યારે મોબાઇલ ફોનનો જમાનો ન હતો કે તુરંત જયદેવ સાથે વાતચીત થાય. સાંજના જયદેવનો જ ટેલીફોન રાણા ઉપર આવ્યો અને પોતે કરેલી તમામ કાર્યવાહીથી તેને વાકેફ કર્યા.
રાણા પણ ખૂશ થઇ ગયા. રાણાએ જ સલાહ આપી કે ગોઢાણાના ડોનને આ બાબતે માનસિક સતત તનાવમાં રાખવા દિવસમાં એકાદ વખત તો તેની ગમે તેની મારફત હાજરી તપાસવી અને છેવટે કોન્સ્ટેબલથી પણ તેનું નિરિક્ષણ ચાલુ રાખવુ. બે-ત્રણ દિવસ થયા પણ સીપીઆઇને આરોપીઓનો કોઇ પત્તો મળતો ન હતો. બીજી બાજુ સરપંચે રડીને હાથ ઉંચા કરી દીધા હતા.
બગવદર પોલીસ પાસેથી વગર કારણે આ ખૂન કેસની તપાસ લઇ લેવા અંગે અને હજૂ પણ આરોપીઓ પકડાતા ન હોય છાપા (દૈનિક પત્રો)માં આ બન્ને બાબતે સખત ટીકા થવા લાગતા રાજકારણે પણ ગરમી પકડી લીધી. પોરબંદરમાં થતો ચર્ચા થવા લાગી કે આ કારસ્તાન ગેસ્ટ હાઉસના માલીકે જ કરાવ્યું છે.
આથી ગેસ્ટ હાઉસના માલિક મારાજને ટીકા તો થવા લાગી પણ પોતાનો કરેલ વહીવટ પણ પાણીમાં ડૂબતો જણાયો. સરપંચે તો પોરબંદર જ આવવાનું અને ઘર બહાર નીકળવાનું જ બંધ કરી દીધું હતું. આથી મારાજે પોરબંદરના પેલા પોલીસ અધિકારીનો સંપર્ક કર્યો અને પોતે નાહકનો ફસાયાનો અને પોતાના બેય વહાણ ડૂબ્યાની ફરિયાદ કરી અને હવે કાંઇક કરવા વિનંતી કરી.
આથી તે પોલીસ અધિકારી પોલીસવડાને ને મળ્યા અને હવે આ કેસમાં કાંઇક આયોજન પૂર્વકની કાર્યવાહી થાય તે માટે વિનંતી કરી. આથી પોલીસવડાએ પોરબંદર શહેરના અમૂક પોલીસ અધિકારીઓની માણસો સહિતની ટીમો બનાવી સીપીઆઇને તેનું સુપરવિઝન સોપ્યું અને આરોપીઓને પાતાળમાંથી પણ શોધી લાવવા તાકીદ કરી. આ ચાર ટીમો બરડામાં રવાના થઇ પાંત્રીસ ચોરસ કિલોમીટર ક્ષેત્રફળ ફેલાયેલ બરડાના જંગલમાં ઝાડવે ઝાડવા અને ગુફાઓ શીલાઓ શોધી વળ્યા પણ આરોપીઓનો કોઇ પત્તો મળતો ન હતો.
પોલીસ વડાને આ આરોપીઓનો પત્તો નહિ લાગવાના કારણમાં તપાસનીશ અધિકારી સીપીઆઈએ ફોજદાર જયદેવને જવાબદાર ઠેરવ્યો-ફોજદાર જયદેવને જાણ કરી કે તેમણે પોલીસવડાને પૂછ્યા વગર બગવદર ગામ બહાર જવુ નહિં. જયદેવની તો આ હુકમની પહેલાથી જ તૈયારી હતી.
તેથી તેણે ડીસ્ટાફના કોન્સ્ટેબલ ઓડેદરા મારફત જ પેલા ડોન ઉપર અને તેની હીલચાલ ઉપર નજર રાખી હતી. ડોન ઓવર કોન્ફીડન્સમાં આવી ગયેલ અને જયદેવને કહેવ રાખ્યુ કે કોઇ શંકા રાખતા નહિં ટ્રેનની ટીકીટ મુંબઇથી મને પૂછ્યા વગર બુક નહિં થાય.
આ બબાલમાં પોરબંદરમાં રાજકીય તખ્તો ખૂબ ગરમ થઇ ગયો અને આરોપીઓ નહિં પકડાતા સીપીઆઇ અને પોલીસવડા બંનેની બદલી જીલ્લા બહાર થઇ ગઇ. નવા પોલીસવડાએ ચાર્જ સંભાળી લીધો. પરંતુ નવા આવનાર સીપીઆઇ હજુ હાજર થયા ન હતા આ તમામ સમાચારો મીઠુ મરચુ ભભરાવીને રસપ્રદ બનાવીને છાપામાં જનતાને પીરસવામાં આવતા હતાં.
જેથી પેલા પોરબંદરના પોલીસ અધિકારી તથા સીપીઆઇ બંને મુંજાઇ ગયા કે વહીવટ તો પાણીમાં ગયો પણ બે આબરુ કરે તેમ બદલી પણ આવી ગઇ. આથી પેલા કમલાબાગના પોલીસ અધિકારીએ બુધ્ધિ ચાતુર્યી વિઝરાણાના સરપંચને ખોટુ બોલીને સમજાવ્યા કે નવા પોલીસવડા સાથે વાતચીત થઇ ગઇ છે અને બગવદર ફોજદારને પણ સમજાવી દીધા છે.
હવે નવા સીપીઆઇ આવે તે પહેલા આરોપીઓને તમે રજૂ કરી દયો તો પછી કોઇ લપન છપન નહિં. સરપંચે ડોનને જાણ કર્યા સિવાય મુંબઇ આરોપીઓનો સંપર્ક કરી ડોનને પણ જાણ કરેલ હોવાનું કહી તમામ ગોઠવણી થઇ ગયાનું જણાવ્યું. અને તાત્કાલીક પાછા બરડામાં આવી જવા જણાવ્યું.
આરોપીઓ ટ્રેનમાં ભાણવડ આવીને બરડામાં બાવળવાવ ગામે આવી ગયા. સંતાડેલા હથીયારો એકત્રિત કરી સવારના દસ અગિયાર વાગ્યે સારા ચોઘડીયે વટભેર-માનભેર સહીસલામત રીતે પોરબંદર ખાતે જ વાજતે-ગાજતે હાજર થઇ જવાનું નક્કી થયું.
આ બાજુ નવા પોલીસવડાએ તેજ દિવસે સવારે દસ વાગ્યે પોરબંદર ખાતે જીલ્લાના તમામ થાણા અધિકારીઓની ક્રાઇમ કોન્ફરન્સ યોજી જેમાં જયદેવ પણ પહોંચી ગયો. મિટિંગ ચાલુ હતી દરમ્યાન પોલીસવડાના ટેલીફોનના ઇન્ટરકોમની રીંગ વાગી. પોલીસવડાને તેમના પીએ એ કહ્યું કે “બગવદરના કોઇ ગામડામાંથી કોઇક બાતમીદારનો ફોન બગવદરના ફોજદાર જયદેવ માટે છે. મેં તેને કહ્યું મિટિંગ ચાલુ છે. થોડીવાર પછી કરો પણ બાતમીદારે કહ્યું છે કે બાતમી ખૂબ અગત્યની અને સમય મર્યાદાની છે.
“આથી પોલીસવડાએ જયદેવને ફોન આપ્યો જયદેવે ફોન ઉપર વાત કરી તો અવાજ ખીથી ગામના તેના અંગત બાતમીદારનો હતો. તેણે કહ્યું કે “પોરબંદર કમલાબાગ પોલીસના બે માણસો સફેદ ટેક્સી લઇ બાવળવાવ આવેલ છે. આરોપીઓ સવારે જ મુંબઇથી આવ્યા છે અને અત્યારે પોરબંદર રજૂ થવા જાય છે
જયદેવે પોલીસવડાને કહ્યું અગત્યની બાતમી છે તો તેમણે કહ્યું કે તાત્કાલીક પહોંચો. જયદેવ સરકારી જીપ ડીસ્ટાફના કોન્સ્ટેબલો ઓડેદરા તથા જોષી સાથે પોરબંદરથી રવાના થઇ બખરલાના રસ્તે ચાલ્યો. ડી સ્ટાફે ચાલુ જીપે ધોકા પરોણાની ધૂળ ખંખેરી અને બખરલા ગામી થોડે દૂર જતા જ દૂરી સામેથી આવતી ટેક્સી જોઇને ઓડદરાએ કહ્યું સાહેબ આવે તે જ ટેક્સી છે. તેથી જીપ રોડ વચ્ચે જ ઉભી રખાવી દો. જીપ સીંગલ પટ્ટી રોડ ઉપર વચ્ચે જ ઉભી રાખી જયદેવ, ઓડેદરા અને જોષી ધોકા લઇ ટેક્સી પાસે આવતા તેને ઘેરી લઇ તમામને નીચે ઉતરવા હુકમ કર્યો.
આરોપીઓને જે ભય હતો તે જ સાથે આવીને ઉભો રહ્યો જાણે યમદૂતો આવ્યા હોય તેમ તમામના ચહેરા પીળા પડી ગયા. અને મહાપરાણે ઉતરતા હોય તેમ ટેક્સીમાંથી ઉતર્યા. તમામ નીચે ઉતર્યા પછી જયદેવ ઓડેદરા તથા જોષીએ તમામ પ્રત્યે સમદ્રષ્ટી રાખી ધોલાઇ ચાલુ કરી પરંતુ પોરબંદરથી તેડવા આવેલા ટેક્સી ડ્રાઇવર અને બે માણસોને જોષીએ થીડીવાર પછી એકબાજુ તારવી લીધા.
પછી આરોપીઓની જયદેવે બરાબર ડીર્ટજન્ટ ધોલાઇ કરી તમામ ભોંચટ થઇ ગયા તમામ આરોપીઓ ઉત્તર-દક્ષિણ ઉંધા ચત્તા પડ્યા પડ્યા કણસતા હતા. જયદેવે ટેક્સીમાંથી બંદૂકો અને હથીયારો જીપમાં નખાવ્યા. કોન્સ્ટેબલ જોષીને ટેક્સીમાં બેસવા કહ્યુ તાથ ઓડેદરાને બે આરોપીઓને લઇ જીપમાં બેસવા કહી આ રસાલો લઇ જયદેવ ગોઢાણા ડોનની વાડીમાં આવ્યો. જયદેવે ડોનની પણ વાનાખાત્રી કરી. પરંતુ ડોને આજીજી કરી કે સાહેબ મારો દોષ શું ?
જયદેવે કહ્યું તો શું આરોપીઓ તને પૂછ્યા વગર અહિં આવ્યા ? તું પણ આ ગુન્હાના કાવત્રામાં સામેલ છો. આ સાંભળીને ડોન ધ્રૂજી ઉઠ્યો. તેને ભય લાગ્યો કે જો જયદેવ ધારે તો કાવત્રામાં સામેલ કરી દુ:ખી કરી દે આથી ડોને પોતે જ ધોકો લઇ આરોપીઓની ફરી ઘોલાઇ ચાલુ કરી. તમને કહ્યું હતું છતા કેમ પૂછ્યા વગર હાલી નીકળ્યા હતા. ડોન પોતાની નિર્દોષતા સાબિત કરતો હતો. આરોપીઓએ પોતાને સરપંચે ભૂલ ખવડાવ્યાનું કબૂલ કરી માફી માંગી અને હવે તો તે કહેશે તેમજ કરશે તેવું જણાવ્યું.
કોન્સ્ટેબલ જોષીએ જયદેવને ટેક્સી ડ્રાયવર તથા કમલા બાગ પોલીસના બે માણસોને જવા દેવા વિનંતી કરી અને જયદેવે તેમને જવા દીધા. જયદેવે આરોપીઓ ડોનને સોંપ્યા કે હવે તારે આને હું કહેવરાવું ત્યાં સુધી રાખવાના છે. પણ જોજો હવે મારતો નહિં અને ખાવા-પીવા આપજે. અને ડોન તમામને લઇ ઉપડ્યો-બરડા ડુંગરમાં ડોને એક માણસને બાવળવાવ ગામે વૈદ્ય વિકમઆતાને તેડવા પણ મોકલ્યો આરોપીઓની સારવાર માટે ! જયદેવ આરોપીઓના હથીયારો લઇ બગવદર આવ્યો.
ટેક્સી પોરબંદર પહોંચી ત્યાં પોલીસવડાની મિટિંગ પૂરી થઇ ગઇ હતી. જયદેવે ટેલફોની ક્રાઇમ બ્રાંચના રાણા સાથે વાત કરી બનેલ બનાવી વાકેફ કરતા તેને આનંદ સાથે આશ્ચર્ય પણ થયું. બીજી બાજુ મારાજના ગેસ્ટ હાઉસમાં ગોકીરો બોલી ગયો, હવે શું થાય ?
બીજે દિવસે નવા સીપીઆઇ હાજર થયા અને આ ડબલ મર્ડરના ગુન્હાની તપાસ સંભાળી લીધી. જયદેવે આરોપીઓ મંગાવી હથીયારો સાથે નવા સીપીઆઇને સોંપી દીધા અને આરોપીઓની રિમાન્ડ મેળવવા મદદમાં રહ્યો.
પરંતુ આ બનાવ પછી આવેલ સંસદની ચુંટણીમાં આ કિસ્સો ખૂબ ગાજ્યો. વિરોધપક્ષ રાષ્ટ્રવાદી પાર્ટીના તે વખતના સૌરાષ્ટ્રના લોકપ્રિય નેતાએ જાહેરસભામાં જ જણાવ્યુ કે અહીં પોરબંદરમાં થતો આરોપીઓ પણ ગુન્હાની તપાસનું ખરીદ-વેચાણ કરે છે.