રાજકોટ માર્કેટિંગ યાર્ડ ખાતે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ’વન નેશન, વન ફર્ટિલાઇઝર’ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્રની મુલાકાત લીધી હતી. તેમજ ખેતી માટે ઉપયોગી ડ્રોનનું નિરીક્ષણ કર્યું હતું. મંત્રી રાઘવજીભાઈ પટેલએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું સપનું ખેડૂતોની આવક બમણી કરવાનું છે.
આવક વધારવા ઉત્પાદન ગુણવત્તાયુક્ત બનાવવું જરૂરી છે. જેના માટે “પ્રધાનમંત્રી ભારતીય જનઉર્વરક પરિયોજના (PMBJP)” હેઠળ સબસીડીથી મળનાર ખાતરોની સિંગલ બ્રાન્ડ રજૂ કરીને ’વન નેશન, વન ફર્ટિલાઇઝર’ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ વિવિધ ખાતરો એક જ બ્રાન્ડ હેઠળ અનુક્રમે ભારત યુરિયા, ભારત ડી.એ.પી., ભારત એમ.ઓ.પી. અને ભારત એન.પી.કે. નામે વેચાણ કરવામાં આવશે. એક જ બ્રાન્ડ નેમ થકી ખાતરોની ક્રિસક્રોસ હિલચાલ/સપ્લાય બંધ થવાને કારણે માલ ભાડુ ઘટાડવામાં મદદ કરશે અને પરિવહન સમયમાં ઘટાડો થશે.
દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં આયોજિત 600 પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્રના ઉદઘાટન, વન નેશન, વન ફર્ટિલાઈઝર યોજનાના આરંભ તથા પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાના 12માં હપ્તાના લોન્ચનો કેન્દ્રીય કક્ષાનો કાર્યક્રમ લાઈવ નિહાળ્યો હતો.આ તકે રાજ્યના કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશ પૂરી, જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, જિલ્લા નાયબ ખેતી નિયામક વી. પી. કોરાટ તથા એ.પી.એમ.સી.ના ચેરમેન જયેશ બોઘરા તેમજ બહોળી સંખ્યામાં ખેડૂત ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.