- કેન્દ્રીય કાયદામંત્રી અર્જૂનરામ મેઘવાલ લોકસભામાં બિલ રજૂ કરશે: વિસ્તૃત ચર્ચા થવાની સંભાવના
- મોદી કેબિનેટની મંજૂરી મળ્યા બાદ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં નેતૃત્વમાં ગત ગુરૂવારે મળેલી કેન્દ્રીય કેબીનેટ બેઠકમાં ‘વન નેશન વન ઈલેકશન’ બિલને બહાલી આપવામાં આવી હતી. દરમિયાન આગામી સોમવારે કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુનરામ મેઘવાલ લોકસભામાં રજૂ કરશે આ બિલ પર શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે ઉગ્ર ચર્ચા થવાની સંભાવના છે. ‘વન નેશન વન ઈલેકશન’ બિલ લોકસભામાં સરળતાથી પ્રસાર થઈ જશે પરંતુ રાજયસભા આ બીલને મંજૂરી આપવાની એનડીએ સરકાર માટે થોડુ પડકારજનક રહેશે.
ઉપલા અને નીચલા ગૃહમાં આ બીલને બહાલી મળી જશે તો પણ 2029માં યોજાનારી લોકસભાની ચૂંટણી સાથે તમામ રાજયની વિધાનસભાની ચૂંટણી યોજવી શકય બની શકશે નહી બીલની અમલવારી માટે 2034 સુધી રાહ જોવી પડશે.
કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુનરામ મેઘવાલ આગામી સોમવારે સંસદના શિયાળુ સત્રમાં લોકસભામાં વન નેશન વન ઇલેક્શન બિલ રજૂ કરશે.આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત અનુસાર, આ બિલને જેપીસી પાસે ચર્ચા માટે મોકલવામાં આવશે. માહિતી અનુસાર, સરકાર આ બિલને લાંબી ચર્ચા અને સર્વસંમતિ બનાવવા માટે સંયુક્ત સંસદીય સમિતિ પાસે મોકલશે. જેપીસી તમામ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે વિગતવાર ચર્ચા કરશે અને આ પ્રસ્તાવ પર સામૂહિક સર્વસંમતિની જરૂરિયાત પર ભાર મૂકશે.હાલમાં દેશના અલગ-અલગ રાજ્યોમાં અલગ-અલગ સમયે ચૂંટણી યોજાઈ છે. વન નેશન વન ઇલેક્શનનો નવો કાયદો બન્યા બાદ દેશમાં એક સાથે ચૂંટણી કરાવવાની તૈયારીઓ ચાલી રહી છે. જો કે, સરકારના આ પગલાનો કોંગ્રેસ અને આપ જેવી ઘણી ઇન્ડિયા બ્લોકની પાર્ટીઓએ વિરોધ કર્યો છે. વિપક્ષનો આરોપ છે કે આનાથી કેન્દ્રમાં સત્તાધારી પક્ષને ફાયદો થશે. નીતિશ કુમારના જેડીયુ અને ચિરાગ પાસવાન જેવા એનડીએના મુખ્ય સાથીઓએ એક સાથે ચૂંટણી યોજવાનું સમર્થન કર્યું છે. વન નેશન વન ઇલેક્શનથી વારંવાર ચૂંટણીઓથી થતા ખર્ચ અને વિક્ષેપોને ઘટાડવા માટે એક મહત્ત્વપૂર્ણ સુધારા તરીકે જોવામાં આવે છે.વન નેશન, વન ઇલેક્શન’ પર વિચારણા કરવા માટે રચાયેલી ઉચ્ચ સ્તરીય સમિતિએ કહ્યું કે 32 રાજકીય પક્ષોએ આ પ્રસ્તાવને સમર્થન આપ્યું, જ્યારે 15 પક્ષોએ તેનો વિરોધ કર્યો. આ ઉચ્ચ સ્તરીય સમિતિની અધ્યક્ષતા પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કરી હતી. રામનાથ કોવિંદે ઓક્ટોબરમાં લાલ બહાદુર શાસ્ત્રી મેમોરિયલ લેક્ચર દરમિયાન કહ્યું હતું કે 15 વિરોધી પક્ષોમાંથી ઘણાએ અગાઉ કયારેકને ક્યારેક ’વન નેશન, વન ઇલેક્શન’ના વિચારને સમર્થન આપ્યું હતું.પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ’વન નેશન, વન ઇલેક્શન’ સાથે જોડાયેલી ઘણી મહત્ત્વપૂર્ણ બાબતો શેર કરતા કહ્યું કે આ રિપોર્ટ તૈયાર કરવામાં લગભગ 6 મહિનાનો સમય લાગ્યો છે. 3 મહિના તો ઇન્વિટેશનમાં લાગી ગયા. પછી અમે વાતચીત શરૂ કરી. 2 મહિના ડે ટુ ડે બેસિસ પર વાતચીત કરી. આ રિપોર્ટમાં 18 હજારથી વધુ પેજ છે. આ રિપોર્ટ 21 વોલ્યુમ્સમાં બનાવવામાં આવ્યો છે. આ માટે અમે લોકો પાસેથી સૂચનો માંગ્યા. આ માટે 16 ભાષાઓમાં 100થી વધુ જાહેરાતો આપવામાં આવી. 21000 લોકોએ આનો જવાબ આપ્યો. 80 ટકા લોકો તેની તરફેણમાં હતા. આ સિવાય અમે પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનરને પણ બોલાવ્યા.એફઆઈસીસીઆઇ અને આઈસીસી બાર કાઉન્સિલના પ્રતિનિધિઓને પણ બોલાવવામાં આવ્યા હતા.
ભારતમાં ચૂંટણી કરાવવા માટે 5 થી 5.5 લાખ કરોડ રૂપિયા ખર્ચ થઈ જાય છે. જો આ બિલ લાગુ થઈ જશે તો એકસાથે ચૂંટણી કરાવવા માટે માત્ર 50 હજાર કરોડ રૂપિયાનો જ ખર્ચ થશે. આનાથી ઘણી બચત થશે. બાકીના નાણાંનો ઉપયોગ ઔદ્યોગિક વિકાસ માટે કરવામાં આવશે. એકંદરે આ બિલ અમલમાં આવ્યા બાદ દેશની જીડીપીમાં અંદાજે એકથી દોઢ ટકાનો વધારો થવાની સંભાવના છે. એવામાં આ વન નેશન, વન ઇલેક્શન ભારત માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે.
લોકસભા અને અનેક રાજયોમાં વિધાનસભાનું નવું સિમાંકન બનાવવામાં આવનાર છે જેમાં હયાત બેઠકોમાં વધારો થવાની સંભાવના જણાય રહી છે ‘વન નેશન વન ઈલેકશન’ બીલ ખૂબજ મહત્વપૂર્ણ છે તેનાથી નાણા સાથે સમયની પણ બચત થશે ભારત જેવા સૌથી મોટા લોકશાહી રાષ્ટ્રમાં જો વન નેશન વન ઈલેકશન બીલ લાવવામાં આવશે તો તેનાથી વિશ્ર્વના અન્ય દેશ માટે પણ મોટો સંદેશ હશે.