૧૨૦૦ શ્રમિકો માટેની બીજી ટ્રેનનો ખર્ચ પણ કાનુડા મિત્ર મંડળે ઉઠાવીને સેવા પરમો ધર્મના સુત્રને સાર્થક કર્યું: અધિક કલેકટરે ટ્રેનને બતાવી લીલીઝંડી
બપોર બાદ બિહાર માટે ત્રીજી ટ્રેન થશે રવાના: શ્રમિકોને ઝડપથી વતન પરત મોકલવા કમર કસતું તંત્ર
રાજકોટથી આજે બીજી ટ્રેન ઉત્તરપ્રદેશ જવા રવાના થઈ છે. આ ટ્રેન મારફતે પણ ૧૨૦૦ શ્રમિકોને પોતાના વતન મોકલવામાં આવ્યા છે. અને આ ટ્રેનનો ખર્ચ પણ કાનુડા મિત્ર મંડળે ભોગવીને સેવા પરમો ધર્મની ઉક્તિને સાર્થક કરી બતાવી છે. વહેલી સવારે આ ટ્રેનને અધિક કલેકટર પરિમલ પંડ્યાએ લીલીઝંડી આપીને પ્રસ્થાન કરાવી હતી.
લોકડાઉનમાં અન્ય રાજ્યમાં ફસાયેલા લોકોને પોતાના વતન પહોંચાડવા સરકારે છૂટછાટ આપવાનું શરૂ કરી દીધું છે. જેથી રાજકોટમાં પણ મોટી સંખ્યામાં શ્રમિકો ફસાયેલા હોય તેઓને પોતાના વતન પહોંચાડવા તંત્રએ કવાયત હાથ ધરી છે. હાલ તંત્ર દ્વારા શ્રમિકોને વતન જવાની મંજૂરી આપવાની સાથોસાથ તેમને વતન પહોંચાડવાની વ્યવસ્થા પણ ગોઠવવવામાં આવી રહી છે. શ્રમિકોની વિશાળ સંખ્યાને ધ્યાને રાખીને ખાનગી બસોની સાથોસાથ તંત્ર દ્વારા રેલવેની પણ મદદ લેવામાં આવી છે.
ગઈકાલે રાજકોટથી યુપીના બલિયા સુધી એક ટ્રેન દોડાવવામાં આવી હતી. જેમાં ૧૨૦૦ મજૂરોને વતન મોકલવામાં આવ્યા હતા. આ ટ્રેનનો રૂ. ૮ લાખથી વધુનો ખર્ચ કાનુડા મિત્ર મંડળે ઉઠાવ્યો હતો અને સાથોસાથ ફૂડ પેકેટ અને પાણીની વ્યવસ્થા પણ કરી હતી. આજે ફરી વધુ એક ટ્રેન બલિયા સુધી દોડાવવામાં આવી હતી અને આ ટ્રેનનો ખર્ચ પણ કાનુડા મિત્ર મંડળે ઉઠાવ્યો હતો. અને ફૂડ પેકેટની સાથે બાળકો માટે રમકડાંની પણ વ્યવસ્થા કરી હતી. આ વેળાએ અધિક કલેકટર પરીમલ પંડ્યા, ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
નોંધણી થયેલા તમામ શ્રમિકોની વતન જવાની વ્યવસ્થા થશે: અધિક કલેકટર
અબતક સાથેની વાતચીત દરમિયાન અધિક કલેકટર પરિમલ પંડયાએ જણાવ્યું હતું કે, ગઇકાલે આપણે ઉત્તર પ્રદેશના બલીયાના ૧ર૦૦ શ્રમિકોને રાજકોટથી સૌ પ્રથમ ટ્રેન રવાના કરવામાં આવી હતી. આજે પણ ઉત્તર પ્રદેશના બલીયાના ૧ર૦૦ શ્રમિકો સાથેની ટ્રેન ૮.૩૫ કલાકે રવાના થઇ છે. ઉપરાંત આજના દિવસમાં બીજી એક ટ્રેન બપોર પછી બિહાર માટે રવાના કરવામાં આવશે. વહીવટી મંત્ર, પોલીસ વિભાગ દ્વારા શ્રમીકો માટેનું લીસ્ટ બનાવવામાં આવેલ છે.
કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા તમામ શ્રમિકોના હેલ્થ ચેકઅપ પણ થયેલ છે. અને તેમને ટ્રેનમાં બેસાડવામાં આવ્યાં છે. કાનુડા મિત્ર મંડળ દ્વારા મજુરો માટે ટીકીટની વ્યવસ્થા, ફુડ પેકેટની વ્યવસ્થા કરવામાં આવીછે. હાલમાં જે શ્રમિકો જવા માંગતા હોય તેનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યુંં છે અને તેના માટે યોગ્ય વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવશે.
શ્રમિકોની વતન જવાની ઇચ્છા ફલિભૂત થઇ: કમલેશ શાહ
કાનુડા મિત્ર મંડળના સક્રિય આગેવાન અને એડવોકેટ કમલેશભાઇ શાહે જણાવ્યું કે, લોકડાઉનના સમયમાં શ્રમિકોને વતન જવાની ઇચ્છા આજે ફળીભૂત થઇ રહી છે. અમારા મંડળ દ્વારા ફુડ પેકેટ પાણી ટીકીની વ્યવસ્થા કરાઇ છે. કોઇ વ્યકિત પોતાના પરિવારથી દૂર ન રહે તે માટે સરકાર તરફથી તેઓને વતન જવાની છુટ આપી છે તે સરાહનીય છે.
શ્રમિકોને મુસાફરી દરમિયાન તકલીફ ન પડે તેનું પુરતુ ઘ્યાન રખાયું: અનિલ દેસાઇ
કાનુડા મિત્ર મંડળના અનિલભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે કાનુડા મિત્ર મંડળના તમામ સભ્યોએ જહેમત ઉઠાવી ઉત્તરપ્રદેશના શ્રમિકો કામકાજ અર્થે આવ્યા હતા. તેઓને પરત જવા માટે કલેકટર કચેરીએ રજુઆત કરતાં તંત્ર દ્વારા ગઇકાલે અને આજે શ્રમિકોને બલીયા (ઉત્તરપ્રદેશ) માટે મોકલેલા છે. અમે તેમની સાથે નાસ્તાની કીટ જેમાં ૧૦ જેટલી વસ્તુઓ પાણીની બોટલ આપેલ છે. તેથી તેમને રસ્તામાં કોઇ તકલીફ ન પડે તેની પૂરતી કાળજી રાખી છે શ્રમિકોના બાળકો તેમની સાથે હોય તો તેમને રમકડાં, ચોકલેટ આપી છે.
કાનુડા મિત્ર મંડળ દ્વારા ચાલતા અનેક વિધ સેવાકાર્યો: કેતન પટેલ
કાનુડા મિત્ર મંડળના કેતનભાઇ પટેલે જણાવ્યું કે અમારા સંગઠન દ્વારા લોકડાઉન થયું ત્યારથી સેવાકીય કાર્ય થઇ રહ્યા છે. આજે બીજે દિવસે ટ્રેન મારફતે વતન જતા શ્રમિકોને ફુડ પેકેટ, પાણીની બોટલ, બાળકો માટે રમકડાનું વિતરણ કર્યુ છે. અને ટીકીટની પણ વ્યવસ્થા કરી છે.