કર્ણાટક, મધ્ય પ્રદેશ બાદ કોંગ્રેસના હાથમાંથી વધુ એક રાજ્ય ગયું છે. આ વખતે પુડુચેરીમાં કોંગ્રેસ બહુમતી સાબિત કરી ન શકતા સરકાર પડી ભાંગી છે. ઉલ્લેખનીય છે કે સત્તારૂઢ કોંગ્રેસના પાંચ ધારાસભ્યોએ રાજીનામુ આપી દીધું અને અન્ય એક ધારાસભ્યને ગેરલાયક ઠરાવવામાં આવ્યા હતા જેના કારણે ફ્લોર ટેસ્ટ કરવાની ફરજ પડી રહી છે. જો કે મુખ્યમંત્રી વી નારાયણસામીને વિધાનસભામાં બહુમતી સાબિત ન કરી શકતા સત્તા ગુમાવવાનો વારો આવ્યો છે, સાથે જ નારાયણસામીએ પણ રાજીનામુ આપી દીધું છે. પુડુચેરીની વિધાનસભામાં ધારાસભ્યોની સંખ્યા 33 છે.

જો કે ફ્લોર ટેસ્ટ પહેલા પોતાના ભાષણમાં નારાયણસામીએ પુડુચેરીમાં પુડુચેરીને પૂર્ણ રાજ્ય બનાવવાની માગણી કરી છે. સાથે જ તેઓએ પૂર્વ ઉપ રાજ્યપાલ કિરણ બેદી અને ભાજપની કેન્દ્ર સરકાર પર તેઓની સરકાર તોડી પાડવાનો આરોપ લગાવ્યો છે.

વાત શરૂઆતથી કરીએ તો પુડુચેરીમાં કોંગ્રેસની સ્પષ્ટ બહુમતીવાળી સરકાર હતી. અહીં આવેલું રાજકીય સંકટ એકાએક આવ્યું નથી. ઘણા સમયથી મુખ્યમંત્રી નારાયણસામી અને પુડુચેરીના ઉપરાજ્યપાલ કિરણ બેદી વચ્ચે ટકરાવ ચાલી રહ્યો હતો. નારાયણસામી મોટાભાગે કિરણ બેદી પર ચૂંટાયેલી સરકારના દૈનિક કામકાજમાં દરમિયાનગીરી કરવાનો આરોપ લગાવતા રહ્યા છે. ત્યાં સુધી કે વર્ષ 2019માં ફેબ્રુઆરીમાં નારાયણસામી ઉપરાજ્યપાલના રહેઠાણ રાજ નિવાસની બહાર મંત્રીઓ સાથે ધરણા પર બેસી ગયા હતા.

તો ગત 16 ફેબ્રુઆરીના રોજ મુખ્યમંત્રી નારાયણસામીના નજીકના ગણાતા કોંગ્રેસના ધારાસભ્ય એ જોન કુમારે અચાનક રાજીનામુ આપી દીધુ હતું. એટલું જ નહીં રાજીનામુ આપનારા કુમાર કોંગ્રેસના ચોથા ધારાસભ્ય હતા. જેમાં કુમાર પહેલા એ નમસ્સિવમ, મલ્લાદી કૃષ્ણા રાવ અને ઈ થેપયન્થન પણ રાજીનામુ આપી ચુક્યા છે. જ્યારે કોંગ્રેસના ધારાસભ્ય એ ધનવેલીનું સભ્યપદ પક્ષ વિરોધી પ્રવૃત્તિઓને લીધે સમાપ્ત કરવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.