૧૬ નવેમ્બર સુધી પોતાનાં પદ પર રહેશે: ઇન્ફોસિસ બોર્ડ ટૂંક સમયમાં નવા સીએફઓની શોધ શરૂ કરશે
ઇન્ફોસિસમાં ફરી ટોચનાં પદેથી અધિકારીએ રૂખસદ લીધી છે. દેશની ટોચની આઇટી કંપનીનાં ચીફ ફાયનાન્સિયલ ઓફિસર (સીએફઓ) એમ. ડી. રંગનાથે રાજીનામું આપી દીધું છે. જોકે તે ૧૬ નવેમ્બર સુધી પોતાનાં પદ પર રહેશે.
ઇન્ફોસિસે જણાવ્યું કે, તેમણે પોતાની વ્યવસાયિક મહત્વકાંક્ષાને પૂરી કરવા કંપની છોડવનો નિર્ણય લીધો છે, અને કંપનીનાં બોર્ડે તેમનું રાજીનામું સ્વીકાર્યું છે. ઇન્ફોસિસ બોર્ડ ટૂંક સમયમાં નવા સીએફઓની શોધ શરૂ કરશે.
રંગનાથ ગત ૧ વર્ષથી ઇન્ફોસિસ સાથે જોડાયેલા હતા, આ દરિમયાન તેમણે લીડરશિપ ટીમમાં રહીને કંપનીની અનેક જવાબદારીઓને પૂર્ણ કરી હતી. સીઇઓ સલિલ પારેખ સાથે કામ કરવા માટે રંગનાથ આ વર્ષે જ અમેરિકાથી બેંગલુરું શિફ્ટ થયા હતા. ગત જુલાઇમાં કંપનીએ તેમને અમેરિકા મોકલ્યા હતા.
બોર્ડનાં ચેરમેન નંદન નીલેકણિએ જણાવ્યું કે, રંગનાથે સીએફઓ પદ પર રહીને તેમની જવાબદારીઓને સંપૂર્ણ રીતે નિભાવી હતી. તેમણે અદ્ભુત ભંડોળ ફાળવણી નીતિ બનાવી હતી, જેની બધા જ શેરહોલ્ડરોએ પ્રસંશા કરી હતી. બોર્ડની તરફથી હું કંપનીમાં આપેલા શ્રેષ્ઠ યોગદાન બદલ રંગનાથનો આભારી છું અને તેમને ઉજ્જવળ ભવિષ્યની શુભકામના આપું છું.