વાહન ચેકીંગ દરમિયાન હોસ્પિટલ ચોકમાંથી એસઓજી સ્ટાફે બજરંગવાડીના શખ્સને ઝડપી લીધો : માલીયાસણ પાસેથી પોણા બે કિલો ગાંજા સાથે ત્રણ શખ્શ ઝડપાયા
શહેરના જંગલેશ્વર વિસ્તારમાં ચાલતા ગાંજા સહિતના નશીલા પદાર્થના નેટવર્કને પોલીસે ભેદી મહિલા ધંધાર્થીઓ સહિતના શખ્સો સામે ધોસ બોલાવી જેલ હવાલે કર્યા બાદ બજરંગવાડી વિસ્તારમાં ગાંજાનું વેચાણ કરતા શખ્સને એસઓજી સ્ટાફે ૬ કિલો ગાંજા સાથે ધરપકડ કરી ગાંજો કયાંથી લાવ્યો તેના મુળ સુધી પહોચવા રિમાન્ડ પર લેવા તજવીજ હાથધરી છે.દરમિયાન માલીયાસણ પાસે થી ત્રણ શખ્શોને પોણા બે કિલો ગાંજા સાથે એસ.ઓ.જી. સ્ટાફે ઝડપી લીધા હતા.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ બજરંગવાડી શેરી નંબર ૫માં રહેતા પ્રતિપાલસિંહ ભૂપેન્દ્રસિંહ જાડેજા નામનો શખ્સ ગાંજાનું વેચાણ કરતો હોવાની અને ગાંજાની ડીલીવરી લઇને આવી રહ્યાની બાતમીના આધારે એસઓજી પી.આઇ. આર.વાય.રાવલ, ધમેન્દ્રસિંહ રાણા, ચેતનસિંહ ગોહિલ, અનિલસિંહ ગોહિલ હિતેશ રબારી અને નરેન્દ્રભાઇ ગઢવી સહિતના સ્ટાફે હોસ્પિટલ ચોકમાં વોચ ગોઠવી વાહન ચેકીંગ શરૂ કર્યુ હતું.
દરમિયાન પ્રતિપાલસિંહ જાડેજા થેલા સાથે ત્યાંથી પસાર થતા તેની અટકાયત કરી થેલો ચેક કરતા તેમાંથી રૂ.૩૬,૬૦૦ની કિંમતનો ૬ કિલો ગાંજો મળી આવતા તેની ધરપકડ કરી બે મોબાઇલ અને ગાંજો ક્બ્જે કરી કયાંથી લાવ્યો, તેની સાથે અન્ય કોણ સંડોવાયું છે અને કેટલા સમયથી વેચાણ કરે છે તે અંગેની પૂછપરછ માટે રિમાન્ડ પર લેવા તજવીજ હાથધરી છે.