ભારતની “મોનોપોલી તોડવા નેપાળ હવે ચીનના બંદરોનો ઉપયોગ કરશે ! ચીનના બંદરો ભારતથી ત્રણ થી ચાર ગણા દૂર હોવા છતાં નેપાળે ચાઈનીઝ પોર્ટનો ઉપયોગ કરવાની તૈયારી કરી
એશિયા ખંડમાં બીગ બ્રધર્સની ભૂમિકા ભજવી રહેલા ભારતથી ધીમે-ધીમે પાડોશી દેશ દૂર થતાં જતા હોવાની છાપ ઉપસી રહી છે. અત્યાર સુધી વેપાર માટે ભારતના બંદરોનો ઉપયોગ કરી રહેલુ નેપાળ હવે ચીન તરફ વળ્યું છે. એક રીતે વેપાર માટે નેપાળને ભારતના આશરે જ રહેવું પડતુ હતું પરંતુ હવે ચીનના પોર્ટનો ઉપયોગ નેપાળ કરવા જઈ રહ્યું છે.
વર્ષ ૨૦૧૫-૧૬માં સરહદે વિવાદના કારણે નેપાળમાં નિકાસ થતાં ઈંધણ અને મેડીસીન ઉપર કેટલાક મહિના માટે રોક લગાવાઈ હતી. જેનાથી હવે માત્ર ભારત પર નિર્ભર ન રહી શકાય તેવો અહેસાસ નેપાળને થયો હતો. પરિણામે નેપાળે ભારતના વિકલ્પ તરીકે ચીનને પસંદ કર્યું છે.
ચીને પોતાના તિયાનઝીન, લીયાનયુગેંગ, સેન્ઝેન તથા જેનઝીંયાંગ સહિતના ચાર બંદરોના માધ્યમથી નેપાળને વેપારની પરવાનગી આપી છે. આ પરવાનગી નેપાળ અને ચીનના ટ્રાન્સપોર્ટ એગ્રીમેન્ટ હેઠળ અપાઈ છે. જેના હેઠળ નેપાળના વેપારીઓ દરિયાઈ માર્ગ ઉપરાંત ચીનના રેલ અને રોડ માર્ગનો પણ ઉપયોગ કરી શકશે.
નેપાળ અત્યાર સુધી ભારતના કલકત્તા અને વિશાખાપટ્ટનમ બંદરોથી વેપાર કરતુ હતું. નેપાળની રાજધાનીથી કલકત્તા ૭૭૪ કિ.મી. તથા વિશાખાપટ્ટનમ ૧૧૯૪ કિ.મી. અંતરે થાય છે. જો કે, ચીનના અન્ય ચારેય બંદરો ૩ થી ૪ ગણા દૂર છે. છતાં પણ નેપાળે ચીનનો વિકલ્પ પસંદ કર્યો છે.
સુત્રોના જણાવ્યા મુજબ નેપાળ હાલ જાપાન, સાઉથ કોરીયા અને અન્ય એશિયન દેશો સાથે વેપાર કરે છે. હવે ચીનના બંદરોના ઉપયોગની પરવાનગી મળી જતા આ તમામ દેશો સાથે વેપારમાં શીપીંગ ટાઈમ અને ખર્ચમાં બચત થશે તેવી અપેક્ષા નેપાળની સરકારને છે. જો કે, નેપાળની સરહદે માર્ગ સહિતના ઈન્ફાસ્ટ્રકચરમાં ખામી હોવાથી ચીન સાથે વેપારમાં મુશ્કેલી પડશે તેવું નેપાળના વેપારીઓ અનુભવી રહ્યાં છે.