કુતરૂ તાણે ગામ ભણી, શિયાળ તાળે સિમ ભણી…ની પરિસ્થિતિ વચ્ચે કિસાનોની માંગનો મુદ્દો વણઉકેલ: હવે દેશ જાગૃતિ અભિયાન ૭ જાન્યુ.થી ૩૦ જાન્યુ. સુધી મહિલા કિસાન દિવસ, કિસાન ચેતના દિવસને દેશ જાગૃતિ અભિયાન તરીકે મનાવી આંદોલનને દેશવ્યાપી બનાવવાની રણનીતિ
કૃષિ પ્રધાન ભારતમાં ખેતી અને ખેડૂતને પગભર, સધ્ધર અને વિકાસના પર્યાય બનાવવા માટેની આવશ્યકતાને લઈ સરકારે શરૂ કરેલી ગતિવિધિના ભાગરૂપે ત્રણ કૃષિ બીલના અમલ માટેની કવાયત સામે કિસાન સંગઠનોએ ઉઠાવેલા વિરોધની મડાગાંઠ હજુ યથાવત જ રહી છે. સોમવારે ખેડૂતો અને સરકાર વચ્ચે મંત્રણા માટેના પ્રયાસો શરૂ થયા છે. છેલ્લી બેઠક પડી ભાંગતા હવે છઠ્ઠી જાન્યુઆરીએ મળનારી ચોથી બેઠક પર મીઠ મંડાઈ છે. ખેડૂતોએ ત્રણેય કાયદાઓ પાછા ખેંચવા અને લઘુતમ ટેકાના ભાવોના બદલે ભાવ બાંધણુની ખાતરીની માંગ યથાવત રાખી છે. ખેડૂતોએ પોતાની આ માંગ સરકારે ગંભીરતાથી ન લીધી હોવાનો આક્ષેપ કરીને હજુ તો માત્ર પુછડુ જ બહાર નીકળ્યું છે, આખો હાથી બાકી છે તેવી પરિસ્થિતિ હોવાનું યોગેન્દ્ર યાદવે પ્રતિભાવ આપીને સરકારે આ મુદ્દો જલ્દીથી ઉકેલવો જોઈએ તેવી માંગ કરી હતી.
હજુ આ મામલો વણઉકેલ છે, આ આંદોલનને આગળ વધારવા માટેની રણનીતિ અંગે જાહેર થયા મુજબ સંયુક્ત કિસાન મોરચા દ્વારા વિવિધ કાર્યક્રમોની જાહેરાતને આગામી દિવસોમાં આ આંદોલન દેશ જાગૃતિ અભિયાનના રૂપમાં લઈ જઈને ૭ થી ૨૦ જાન્યુઆરી દરમિયાન ૧૮મીએ મહિલા કિસાન દિવસ, સુભાષચંદ્ર જયંતિ અને ૨૩મીએ કિસાન ચેતના દિવસના રોજ જનજાગૃતિ અભિયાનની જાહેરાત કરવામાં આવી છે.
ખેડૂતોએ સરકારની સમાધાન ફોર્મ્યુલા પર બે માંગો પર સહમતી થઈ હોવાનું જણાવ્યું હતું. જ્યારે હજુ લઘુતમ ટેકાના ભાવના ભાવ બાંધણા અને ત્રણેય કાયદા પાછા ખેંચી લેવાની માંગ વણઉકેલ રહેતા આ આંદોલન જારી રાખવાની જાહેરાત કરી હતી. કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે અંતિમ બેઠકમાં કાયદાના અવેજ અને સુધારેલા કાયદાના વાત ઉપર સહમતી સાધવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ખેડૂતોએ તેનો ઉન્કાર કર્યો હતો. લઘુતમ ટેકાના ભાવોની દરખાસ્ત પણ ઉકેલ પામી ન હતી. કૃષિ આંદોલન હજુ અધ્ધરતાલ રહેવા પામ્યો છે ત્યારે આવનાર દિવસોમાં આ આંદોલન વધુ જલદ બને તેવી વકી સેવાઈ રહી છે. સરકાર અને ખેડૂતો વચ્ચે મડાગાંઠ ઉકેલના આરે આવે છે અને ફરીથી કોકડુ ગુંચવાઈ જાય છે. કોઈપણ બાંધછોડ કરવા તૈયાર નથી તેવી પરિસ્થિતિમાં આંદોલનકારીઓની સરકાર સામેની સોમવારની વધુ એક બેઠક પડી ભાંગે તેવી શકયતા દેખાઈ રહી છે.