વિશ્વમાં એકમાત્ર એશિયાટીક સિંહોની વસ્તી ધરાવતા ગીરના સિંહ અભ્યારણ્ય પર કોઈની નજર લાગી ગઈ હોય તેમ છેલ્લા બે વરસથી ગીરનું જંગલ સતતપણે સિંહના મૃત્યુના કારણે વગોવાતું રહ્યું છે. મંગળવારે ગીરના તુલસીશ્યામ રેન્જમાંથી એક સિંહ બાળનો મૃતદેહ મળ્યાનું બહાર આવ્યું છે.
ગીરના તુલસીશ્યામ રેન્જમાં સોમવારે મધરાતે બીટગાર્ડના પેટ્રોલીંગ દરમ્યાન ૩ મહિનાના સિંહ બાળનો કંકાલ મળી આવ્યાની ઘટનામાં સિંહોની ટરીટરીંગ જંગમાં મોટા સિંહોની ટકકરમાં આ સિંહ બાળનો ભોગ લેવાયો હોવાનું તંત્રને અનુમાન થયેલ છે. જુનાગઢ વાઈલ્ડ લાઈફ ક્ધઝવેટરના ચીફ ડી.પી.વસાવડાએ આ મહિનામાં જંગમાં બીજા સિંહ બાળનો ભોગ લેવાયાનું જણાવાયું છે.
બે અઠવાડિયા પહેલા વિસાવદર રેન્જમાં સિંહણને કાબુમાં લેવા નર સિંહે બે સિંહ માળને મારી નાખ્યા હતા. ગયા મહિને બે સિંહ, એક સિંહણ અને એક સિંહ બાળ રક્ષિત અભ્યારણ્યમાંથી મૃત્યુ પામેલી હાલતમાં મળી આવ્યા હતા. ગીરમાં અત્યારે ૫૩૩ સિંહો વસે છે. આ આંકડો આ વખતની વસ્તી ગણતરીમાં ૬૦૦ સુધી પહોંચે તેવી શકયતા અંગે આશાવાદ સેવાય રહ્યો છે. પ્રકૃતિના નિયમ મુજબ સિંહ જેવા મોટા પ્રાણીઓમાં જન્મે તેટલા ન જીવે. અલબત ગીરમાં સિંહ બાળ મૃત્યુદર સારી રીતે કાબુમાં લેવાતા તંત્ર સફળ થયું છે અને દરેક વસ્તી ગણતરીમાં સિંહોની સંખ્યા અચુકપણે વધી છે.