સાંસદ રામભાઈ મોકરીયા અને મોહનભાઈ કુંડારિયાની રજૂઆતને સફળતા મળી
તાજેતરમાં દિલ્હી ખાતે સાંસદ મોહનભાઈ કુંડારિયા, રામભાઈ મોકરીયા, નારણભાઈ કાછડીયા તથા રાજેશ ચુડાસમા વગેરેએ કેન્દ્રીય કેબિનેટ મંત્રી જયોતિરાદિત્ય સિંધીયાને રૂબરૂ મળીને રજૂઆત કરી હતી કે રાજકોટથી મુંબઈ અને દિલ્હી જવા આવવા માટે ફલાઈટ સુવિધા અપૂરતી છે.
જેથી ટ્રાફિકને ધ્યાને લઈ વધુ ફલાઈટની સંખ્યા ફાળવી તાતી જરૂરિયાત છે. આ રજૂઆતને કારણે કેન્દ્રીય કેબિનેટ મંત્રી જ્યોતિરાદિત્ય સિંધીયાએ હકારાત્મક રીતે બે ફલાઈટની મંજૂરી આપી છે. કાલથી એર ઈન્ડિયાની ફલાઈટ સવારે 6:10 વાગે મુંબઈથી રાજકોટ આવશે અને 6:45 વાગે રાજકોટથી મુંબઈ જશે. 24મીથી ઈન્ડીગોની ફલાઈટ સવારે 8:15 વાગે મુંબઈથી રાજકોટ આવશે અને 8:50 વાગે રાજકોટથી મુંબઈ જવા રવાના થશે. આમ દિલ્હી ખાતે માસૂહિક રીતે રજૂઆતની હકારાત્મક નોંધ લેવાયેલ છે.
આ બાબતે રામભાઈ મોકરીયાએ કેન્દ્રીય કેબિનેટ મંત્રી જ્યોતિરાદિત્ય સિંધીયાનો ખુબ આભાર માન્યો હતો. રાજકોટને વિશેષ 2 ફલાઈટની સુવિધા મળવા જઈ રહી છે. ત્યારે પ્રજામાં આનંદની લાગણી ફેલાયેલ છે. તેમજ રાજકોટ થી દિલ્હીની સુવિધા પણ અપૂરતી હોય તે માટે જલ્દીથી વધુ ફલાઈટ શરૂ થાય તે માટે પણ ફરી ભારપૂર્વક રજૂઆત કરી છે.