ગાંધીનગર ગિફ્ટ સીટી ખાતે દેશના પ્રથમ ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ તેમજ એનએસસી કનેક્ટને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લોન્ચ કરવામાં આવ્યો હતો. તેના લીધે હવે બુલિયન ટ્રેડિંગ અને ફ્યુચર ટ્રેડિંગમાં વધુ સવલતો મળી શકશે. ભારતને સોનાના વૈશ્વિક ટ્રેડિંગ બજારમાં એક પ્રભાવી દેશ તરીકે પ્રસ્થાપિત કરવાની દિશામાં આ આઇઆઇબી એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ગુજરાતના જ્વેલર્સ માટે આ એક્સચેન્જ અત્યંત મહત્વપૂર્ણ બની રહેવાનું છે.
ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જના પગલે કસ્ટમ ક્લિયરન્સ થયાના 4 કલાકમાં અમદાવાદમાં સોનાની ડિલીવરી થઇ જશે
આઇઆઇબીએક્સના એમડી અને સીઈઓ અશોક ગૌતમે જણાવ્યું, આ એક્સચેન્જના લીધે હવે રાજ્યમાં જ ત્રણ વોલ્ટ બનાવવામાં આવ્યા છે. તેનાથી સોનાની ડિલીવરી લેવા માંગતા ક્વોલિફાય્ડ જ્વેલર્સને સાવ ઓછી સમયમર્યાદામાં ગોલ્ડ મળી જશે. કસ્ટમ ક્લિયરન્સ થયાના ચાર કલાકમાં અમદાવાદમાં ગોલ્ડ ડિલીવરી મળી જશે તેવી વ્યવસ્થા છે. તે સિવાય રાજ્યના અન્ય શહેરોમાં પણ એક દિવસની અંદર ડિલીવરી પહોંચી જશે. તેનાથી સમયની બચત થશે અને વધારે પ્રિમિયમ માટે અગાઉ જે નાણા ચૂકવવાના થતા હતા તેમાં પણ જ્વેલર્સને રાહત મળશે.
અગાઉની વ્યવસ્થા અનુસાર જ્વેલર્સને ગોલ્ડનું ટ્રેડીંગ કરવું હોય તો, અધિકૃત બેન્કોની વ્યવસ્થા મારફતે કરવાનું રહેતું હતું. તેમજ આંતરરાષ્ટ્રીય સેલરના નિયમ અનુસાર 30 દિવસનો ક્ધસાઇનમેન્ટ પિરીયડ રહેતો હતો. તેમાં અગાઉથી પ્રિમીયમ ચૂકવવું પડે છે અને માલના જથ્થો પણ નક્કી કરીને ઉઠાવવો પડે છે. ઘણી વખત જો સ્થાનિક જ્વેલર્સને માલની ખપત એટલી ના રહે તો પણ તે જથ્થો ઓછો કરી શકાતો નથી. જ્યારે આઇઆઇબીએક્સના લીધે હવે જ્વેલર્સને સીધા સપ્લાયર અહીં જ મળી રહે છે અને જે ભાવ અત્યારે ચાલતો હોય તે અનુસાર નક્કી કરીને તાત્કાલિક જ ડિલીવરી લઇ શકે છે.
ગુજરાતના 14 સહિત 64 જ્વેલર્સ નોંધાયા
આઇઆઇબીએક્સ પર અત્યારે ભારતના 64 ક્વોલિફાય્ડ જ્વેલર્સે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જેમાંથી 14 ગુજરાતના છે. અહીં રજીસ્ટ્રેશન કરાવવા માટે 25 કરોડનું ટર્નઓવર હોવું જરૂરી છે. આ એક્સચેન્જથી હવે ગુજરાતના જ્વેલર્સને તહેવારોની સિઝનમાં જ્યારે માંગ વધારે હોય. ત્યારે તાત્કાલિક ડિલીવરીથી તેમને કમિશન અને એજીંગ કોસ્ટમાંથી છૂટકારો મળશે અને તેમના નાણા લાંબા સમય સુધી રોકાયેલા નહિં રહે. જ્વેલર પોતે પ્રાઇઝ રજૂ કરી શકશે. અગાઉની વ્યવસ્થામાં લંડન કે ન્યૂયોર્કના કોમેક્સ મારફતે બેન્કોને જે ક્વોટ મળતો એ જ લઇ લેવાનો રહેતો હતો. હવે બાયર સીધું સેલરને ક્વોટ આપી શકશે. તેના લીધે બેન્કો કે અન્ય નાણાકીય સંસ્થાઓને આપવાના કમિશનના ખર્ચામાં પણ બચત થશે.