ધોરણ.12 સાયન્સ પછી ડિગ્રી એન્જીનિયર સહિતની ટેક્નિકલ કોલેજોમાં પ્રવેશ માટે આગામી 27,28 અને 30મી એપ્રિલના રોજ લેવાનારી ત્રીજા તબક્કાની જેઇઈ મેઇનની પરીક્ષા સ્થગિત કરી દેવામાં આવી છે. એનટીએ દ્વારા પરીક્ષા સ્થગિત કરવાની સતાવાર જાહેરાત કરવામાં આવી છે. આગામી પરીક્ષાની તારીખ 15 દિવસ પહેલા જાહેર કરવામાં આવશે તેવી પણ સ્પષ્ટતા કરવામાં આવી છે.
રાજ્ય અને દેશમાં કોરોનાના સંક્રમણનો વ્યાપ વધતો જાય છે. આ સ્થિતિમાં તાજેતરમાં સેન્ટ્રલ બોર્ડ દ્વારા ધો.10ની પરીક્ષા પણ સ્થગિત કરી દેવામાં આવી છે. જેના પગલે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા ઇજનેરી સહિત ટેકનીકલ કોલેજોમાં પ્રવેશ મેળવવાની જેઇઈ મેઇનની પરીક્ષા હાલ પૂરતી મૌકુંફ રાખવામાં આવી છે.
ચાલુ વર્ષથી વર્ષમાં ચાર વખત જેઇઈ મેઇન્સની પરીક્ષા લેવાનું નક્કી કરવામાં આવ્યું છે.
જે પૈકી અત્યાર સુધીમાં બે તબક્કામાં જેઇઈ મેઈન પુર્ણ થઈ ચૂકી છે. ગુજરાત સહિત હાલ દેશના અનેક રાજ્યોમાં કોરોના મહામારીનો વ્યાપ સતત વધી રહ્યો છે. આ સ્થિતિમાં પરીક્ષા લેવી યોગ્ય ન હોવાથી નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા આ પરીક્ષા હાલ પૂરતી ન લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
વિદ્યાર્થીઓને પરીક્ષાની પ્રેક્ટિસ કરવા માટે એજન્સીની એપ પર જેઇઈ મેઈન માટેની પ્રશ્નબેન્ક મુકવામાં આવી છે. વિદ્યાર્થીઓને આગામી સૂચના માટે એનટીએની જોતા રહેવા માટે પણ તાકીદ કરવામાં આવી છે.