એક જ દિવસમાં સ્વાઈનફલુના ૬ પોઝીટીવ રિપોર્ટ આવતા લોકોમાં ભયનો માહોલ
સૌરાષ્ટ્રભરમાં સિઝનલફલુને કારણે વધુ એક દર્દીનું મોત નિપજતા સ્વાઈનફલુનો કહેર યથાવત રહ્યો છે. સ્વાઈનફલુમાં વધુ એક મોતને કારણે સિઝનનો મૃત્યુઆંક ૧૦ સુધી પહોંચી રહ્યો છે. તે ઉપરાંત વધુ ૬ કેસના રીપોર્ટ પોઝીટીવ આવતા દર્દીઓમાં ઉતરોતર વધારો જોવા મળી રહ્યો છે.
સૌરાષ્ટ્રભરમાં સ્વાઈનફલુને કારણે લોકોમાં ફફડાટ મચી જવા પામ્યો છે. સિઝનલફલુને કારણે રાજકોટ સાથે આસપાસના તાલુકાઓમાં ભયનો માહોલ સર્જાય રહ્યો છે ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સુત્રાપાડા પાસેના લોઢવા ગામની ૩૫ વર્ષીય યુવતીનું સ્વાઈનફલુને કારણે ચાલુ સારવાર દરમિયાન મોત નિપજતા સિઝનનો મૃત્યુઆંક ૧૦ સુધી પહોંચી ગયો છે. ઉપરાંત રાજકોટ સિવિલ અને ખાનગી હોસ્પિટલોમાં કુલ ૬ પોઝીટીવ રીપોર્ટ નોંધાયા છે. જેનાથી લોકોમાં દિવસેને દિવસે સિઝનલ ફલુને કારણે ફફડાટ મચી જવા પામ્યો છે.
શાપર-વેરાવળનાં ૭૮ વર્ષના વૃદ્ધ, લોઠડાના ૬૫ વર્ષીય વૃદ્ધ, ગોંડલના ૫૬ વર્ષના પ્રૌઢ, કાલાવડના ૫૨ વર્ષના મહિલા, ચોટીલાના ૪૦ વર્ષના મહિલા અને અમરેલીના ૭૫ વર્ષના વૃદ્ધનો રીપોર્ટ પોઝીટીવ આવતા તમામ દર્દીઓની સ્વાઈનફલુ વોર્ડમાં સારવાર ચાલી રહી છે. એક જ દિવસમાં ૬ પોઝીટીવ કેસ નોંધાતા કુલ ૭૨ કેસ નોંધાયા હતા. જેમાં અત્યાર સુધી ૩૮ દર્દીઓની સારવાર ચાલી રહી છે અને કુલ ૧૦ના મોત નિપજયા છે.