- અગ્નિકાંડની જેમ ગેરકાયદે ખાણો સામે કાર્યવાહી ક્યારે?
- ભેખડ ધસી જતાં બાળક સહિત ચાર દટાયા: ત્રણ ઈજાગ્રસ્તો સારવાર હેઠળ
- સુરેન્દ્રનગર જિલ્લામાં ફક્ત 8 માસમાં 12 દુર્ઘટના: 20 લોકોના મોત
સુરેન્દ્રનગર પંથકમાં ધમધમતી ગેરકાયદેસર કાર્બોસેલની ખાણ સતત માનવ જીવનનો ભોગ લઇ રહી છે. જિલ્લામાં ધમધમતી અંદાજિત 1 હજારથી વધુ ગેરકાયદે કાર્બોસેલની ખાણમાં સતત દુર્ઘટનાઓ બનતી રહેતી હોય અને તેમાં સતત પેટીયું રળવા આવેલા મજૂરોણા જીવ હોમાઈ જતાં હોય છે. છેલ્લા 8 માસના સમયગાળામાં સુરેન્દ્રનગર પંથકમાં ગેરકાયદે કાર્બોસેલની ખાણમાં 12 જેટલી દુર્ઘટના સર્જાઈ છે અને 20થી વધુ લોકોના જીવ ગયાં છે તેમ છતાં આ મામલે તંત્રનું ભેદી મૌન સતત દુર્ઘટનાઓ નોતરી રહી છે. પરિણામે સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ એક કાર્બોસેલની ખાણમાં ભેખડ ધસી પડતા 16 વર્ષીય બાળ મજૂરનું મોત નીપજ્યું છે અને ત્રણ જેટલાં શ્રમીકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયાં છે. રાજકોટમાં બનેલી અગ્નિકાંડની ગોઝારી ઘટનામાં સતાવાર રીતે 27 લોકો જીવતા ભડથું થયાં હતા. જે બાદ સરકારના આદેશથી તંત્ર આખુ દોડતું થયું અને ધડાધડ કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી હતી. ફાયર એનસોસીથી માંડી ગેરકાયદે બાંધકામ ધરાવતા એકમો પર તંત્ર તૂટી પડ્યું અને તાત્કાલિક સીલ મારવા સહીતની કાર્યવાહીનો ધમધમાટ શરૂ કરી દેવાયો છે. મામલામાં સાત જેટલાં અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા અને ચાર જેટલાં અધિકારીઓને આરોપી બનાવીને ધરપકડ કરી લઇ દાખલારૂપ કાર્યવાહીનું સ્વરૂપ ઉભું કરવામાં આવ્યું છે પણ રોજ-બરોજ બનતી ઘટનાઓ, ભોગ બનતા નિર્દોષ લોકો, હતભાગીના પરિવારોનું રુદન તંત્રને કેમ દેખાતું નથી? શું ઢગલોબદ્ધ લોકોના એકસાથે જીવ જાય તો જ તંત્ર જાગે? એકલ-દોકલ લોકોના નીપજતા મોત તંત્રને સામાન્ય ઘટના દેખાય છે? આ સવાલો એટલા માટે ઉઠી રહ્યા છે કેમ કે, સુરેન્દ્રનગર પંથકમાં ગેરકાયદે ધમધમતી ખાણ અવાર નવાર નિર્દોષ લોકોના જીવ લઇ રહી છે. ફક્ત 8 માસના સમયગાળામાં જ 20 જેટલાં મજૂરોના મોત ગેરકાયદેસર ખાણમાં નીપજ્યા છે. શું આટલા લોકોના મોત બાદ પણ તંત્રને સુરેન્દ્રનગર જિલ્લામાં ધમધમતી 1 જેટલી ગેરકાયદેસર કાર્બોસેલની ખાણ ધ્યાને જ પડતી નથી? કે પછી મીઠી નજર હેઠળ ધમધમતી કાર્બોસેલની ખાણમાંથી આવતી ’મલાઈ’ બાબુઓને ખુરશી પરથી ઉભા થવા જ નથી દેતી? આ સવાલો હવે પ્રજાના મનમાં ખડા થયાં છે.
ગઈકાલે બનેલી ઘટનાની જો વાત કરવામાં આવે તો થાનગઢના વેલાળા ગમે કોલસાની 120 ફૂટ ઊંડી ખાણમા સુરંગનું ખોદકામ કરતા મધ્યપ્રદેશના નરેશ નિર્ભરભાઈ નામના 16 વર્ષીય બાળ શ્રમિકનું ભેખડ ધસી જતાં કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે અન્ય 2 લોકો વાંકાનેરની ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડાયા છે. જયારે એક ઈજાગ્રસ્તને રાજકોટ ખસેડવામાં આવ્યો છે.
સુરેન્દ્રનગરમાં બેફામ ખનીજ ચોરીના અનેક વખત આક્ષેપ કરવામાં આવ્યા છે. ત્યારે થાનગઢના વેલાળા ગામે કોલસાની ખાણમાં ભેખડ ધસી પડતાં 4 શ્રમિકો દટાયા હતા. જે પૈકી એક શ્રમિકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતુ.પ્રાપ્ત વિગતો મુજબ વેલાળા ગામે આવેલી કોલસાની 120 ફૂટ ખાણમાં ગત બપોરે 3 વાગ્યાની આસપાસ મજૂરો સુરંગનું ખોદકામ કરી રહ્યાં હતા.આ દરમિયાન એકબાજુનો ભાગ અચાનક ધસી પડતાં 4 જેટલા શ્રમિકો દટાઈ ગયા હતા. જેમાં મધ્ય પ્રદેશના નરેશ નામના 16 વર્ષીય સગીર શ્રમિકનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતુ. જ્યારે અન્ય બે લોકોને ગંભીર હાલતમાં વાંકાનેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યાં તેઓની હાલત વધારે નાજુક જણાતા તેમને રાજકોટ રિફર કરવાામં આવ્યા છે.
ખાળે ડૂચા અને દરવાજા મોકળા: તંત્રનું નાટક
રાજકોટની ગોઝારી અગ્નિકાંડની દુર્ઘટનામાં ઘોડા છૂટ્યા બાદ તબેલાને તાળા જેવી કાર્યવાહી કરવામાં આવી હતી. ગુનાહિત લાપરવાહી બદલ ચારેક અધિકારીઓ વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી લેવામાં આવી, સાતેક અધિકારીઓને સસ્પેન્ડ પણ કરી દેવાયા, અગાઉ ફરજ બજાવી ચૂકેલા પોલીસ સહિતના અધિકારીઓની સતત પૂછપરછ પણ ચાલુ છે પરંતુ આ ગેમઝોનની માફક જ સુરેન્દ્રનગરમાં મોતની ખાઈ જેવી ખાણોમાં અવાર નવાર બનતી દુર્ઘટના મામલે તંત્ર કેમ તૂટી પડતું નથી? એક હજાર જેટલી ગેરકાયદે ખાણ સુરેન્દ્રનગર જિલ્લામાં ધમધમે છે તે વાતની જાણ પત્રકારોથી માંડી પ્રજા સુધી તમામને છે તો તંત્ર કેમ આ બાબતથી અજાણ છે? શા માટે દાખલારૂપ કાર્યવાહી થતી નથી? દારૂની એકલ દોકલ બોટલ લઈને નીકળેલા બુટલેગરની બાતમી મેળવી લેતી જાબાઝ પોલીસને તેમના જ વિસ્તારમાં ધમધમતી ગેરકાયદેસર ખાણ કેમ ધ્યાને આવતી નથી? ખનીજ ખાતું ખનીજનું વહન કરતા ડમ્પર ઝડપી પાડતું હોય તો એ ખનીજ જ્યાંથી કાઢવામાં આવે છે ત્યાં સુધી કેમ પહોંચતી નથી? આ તમામ સવાલોમાં તંત્રની લાપરવાહી સમાન પાપ છાપરે ચડી પોકારી રહ્યું છે. શું અગ્નિકાંડ જેવી દુર્ઘટના બને પછી જ કાર્યવાહી થશે? આ તમામ સવાલો પ્રજા પૂછી રહી છે.
દેવપરા ગામની ખાણમાં ગેસ ગળતરથી ત્રણ શ્રમિકોના થયાં હતા મોત
સુરેન્દ્રનગરના મુળી તાલુકાના દેવપરા ગામની સીમમાં તંત્ર દ્વારા બુરવામાં આવેલી ખાણમાં ખનીજ માફિયાઓ દ્વારા ગેરકાયદે કબ્જો જમાવી પરપ્રાંતિય શ્રમિકો પાસે ખોદકામ કરાવવાનું શરૂ કરાવાયું હતું. જે દરમિયાન ફેબ્રુઆરી માસમાં ગેસ ગળતરથી મૂળ રાજસ્થાનના ત્રણ શ્રમિકોના મોત નિપજયા હતા. આ મામલે મુળી પોલીસે સાપરાધ મનુષ્ય વધની કલમો હેઠળ જમીન માલિક સહિત કુલ ત્રણ સામે ગુનો દાખલ કરી બે આરોપીઓ સતવીર (સતુભાઈ) કનુભાઈ કરપડા અને રણજીત વાઘુભાઈ ડાંગર (રહે. બંને રામપરડા, તા.મુળી)ની ધરપકડ કરી તપાસ આગળ ધપાવી હતી.
ચાર માસ પૂર્વે ખંપાળિયા ગામની સીમમાં કોલસાની ખાણ ધસી પડતા 4 મજૂરોનાં મોત થયાં’તા
સુરેન્દ્રનગર જિલ્લાના ખંપાળીયા ગામે કોલસાની ભેખડ ધસી પડતા ચાર મજુરોના દટાઇ જતા મોત નિપજયા હતા. માહિતી મુજબ મુળી તાલુકાના ખંપાળીયા અને ગઢડા ગામની સીમમાં ચાલતી કોલસાની ખાણમાં ભેખડ ધસી પડતા ઘટનાસ્થળે જ 3 શ્રમિકોના મોત નિપજયા હતા. જ્યારે જયરાજ મેરા કોળી નામના મજુરનું હોસ્પીટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ ખાણમાં મોતને ભેટેલા શ્રમિકોના બારોબાર અંતિમ સંસ્કાર પણ કરી નાખવામાં આવ્યા હતા. બેખૌફ ખનનમાફિયામાં રાજકીય આગેવાનોની પણ સંડોવણી સામે આવી હતી તેમ છતાં આ મામલે ગુનો નોંધાયો પણ નક્કર કાર્યવાહીના નામે શૂન્ય.