હાલાર પંથકમાં કોરોના બેકાબૂ બની રહ્યો છે
હાલારમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. ગઈકાલે પણ જામનગર જિલ્લાના રપ કેસ નોંધાયા હતા , જ્યારે આજે એક દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું.
હાલાર પંથકમાં કોરોના બેકાબૂ બન્યો છે. સતત સંક્રમણ વધી રહ્યું છે. દરમિયાન દિનેશભાઈ રામાણીનું મૃત્યુ નિપજ્યું હતું. પરિણામે તંત્રની પણ દોડધામ વધી જવા પામી છે. ગઈકાલે જામનગર શહેરમાં ૧૧ પુરુષો અને સાત મહિલા સહિત કુલ ૧૮ લોકો કોરોના સંક્રમિત બન્યા હતાં. જે તમામને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. તો આજે સવારે વધુ સાત પોઝિટિવ કેસ નોંધાયા છે. ગઈકાલની સ્થિતિએ જામનગર શહેરમાં કુલ ૪૬૪ અને જામનગર ગ્રામ્યમાં કુલ ૧પ૪ મળી સમગ્ર જામનગર જિલ્લામાં કુલ પોઝિટિવ આંક ૬૧૮ નો થયો છે. અત્યાર સુધીમાં શહેરના ર૯૦ અને ગ્રામ્યના ૯૪ મળી કુલ ૩૮૪ દર્દીઓ સાજા થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ગઈકાલે પણ જામનગર શહેરના ૧૦ અને ગ્રામ્ય વિસ્તારના ત્રણ મળી કુલ ૧૩ દર્દીઓ સાજા થતાં તેમને હોસ્પિટલમાંથી રજા અપાઈ હતી, જ્યારે સરકારી ચોપડે માત્ર કોરોનાના કારણે મૃત્યુની સંખ્યા જામનગર શહેરની ૬ અને ગ્રામ્યના ચાર મળી કુલ ૧૦ દર્શાવાયા છે.
વેપારી દંડાયા: જામનગરના એક વેપારીએ સોશિયલ ડીસ્ટન્સનો અને ત્રણ વેપારીએ સમયમર્યાદાનો ભંગ કરતા પોલીસ દ્વારા ગુન્હા નોંધાયા છે જ્યારે કારણ વગર રખડતા પાંચ સામે એપેડેમીક ડીસીસ એક્ટ હેઠળ કાર્યવાહી થઈ છે.
જામનગરની સાધના કોલોનીમાં આવેલા જલારામ ચોક નજીકની મારૂતિ હેન્ડલુમ નામની દુકાનમાં ગઈકાલે ગ્રાહકોની ભીડ વચ્ચે સોશિયલ ડીસ્ટન્સનો ભંગ થતો હોવાની બાતમી મળતા પોલીસે દોડી ગઈ હતી. તે દુકાનના સંચાલક ધીરુભાઈ પરસોત્તમ ઢોલરીયાએ ગ્રાહકો વચ્ચે અંતર જાળવ્યા વગર ભીડ એકઠી કરી વેપાર કરતા હોવાનું જણાઈ આવતા પોલીસે તેઓની સામે જાહેરનામા ભંગનો ગુન્હો નોંધ્યો છે.
જામનગર નજીકના દરેડ ફેઝ-૨માં વિશાલ ચોક પાસે શ્રીજી ડીલક્સ પાન નામની દુકાન ગઈકાલે રાત્રે મોડે સુધી ખુલી જોવા મળતા પોલીસે તે દુકાનના સંચાલક દિલીપભાઈ બાબુભાઈ કાંબરીયા સામે કાર્યવાહી કરી છે.
જામનગર તાલુકાના બેડમાં દીપકભાઈ કાનજીભાઈ વાણંદ નામના વેપારીએ તેમજ શૈલેષ જમનભાઈ સતવારાએ પોતાની પાનની દુકાનો મોડે સુધી ચાલુ રાખી હતી. હાપા નજીકના જવાહર નગરમાં ગઈકાલે રાત્રે મેહુલ દિનેશભાઈ કોળી, લાલપુરના ઝાખર ગામમાં દેવસીભાઈ લાખાભાઈ માતંગ, કાલાવડના રાજડા ગામમાં હંસરાજભાઈ દામજીભાઈ પટેલ, જામજોધપુરના જશાપરમાં અમૃત ચકુભાઈ પટેલ અને ઈસ્માઈલ ઓસમાણ નામના બે શખ્સ કારણ વગર આંટા મારતા જોવા મળ્યા હતાં. પોલીસે તેઓની સામે પણ કાર્યવાહી કરી છે.
જોડીયા નજીકની ચોકડી પાસેથી ગઈકાલે સાંજે ભાણવડના કૃષ્ણગઢ ગામનો મસરી જગાભાઈ કરમુર નામનો શખ્સ પોતાના વાહનમાં પાંચ મુસાફરને બેસાડીને જતો હતો ત્યારે પોલીસે તેને પકડી પાડ્યો હતો. આ શખ્સે માસ્ક પણ પહેર્યું ન હતું. નિયમોનો ભંગ કરનારા વધુ ચાર વેપારી દંડાયા