૯૦૦ કર્મચારીઓએ પોતાનો એક દિવસનો પગાર કુલ રકમ ૮.૧૦ લાખ પીએમ ફંડમાં આપ્યા
મારૂતી કુરીયર સર્વિસ પ્રા.લી. કંપનીના ૯૦૦ યુવા સંનિષ્ઠ કર્મયોગીઓ દ્વારા સ્વૈચ્છિક રીતે પોતાનો એક દિવસનો સેલેરી રૂા.૮,૧૦,૦૦૦/- (અંકે રૂપિયા આઠ લાખ દસ હજાર પુરા) પ્રધાનમંત્રીના રાહતફંડમાં અર્પણ કરવામાં આવેલ છે. સમગ્ર ભારત વૈશ્ર્વિક મહામારી સામે જંગ લડી રહ્યું છે ત્યારે દેશના જરૂરીયાતમંદ વર્ગને આર્થિક યોગદાનની જરૂર છે. વસુદેવ કુટુમ્બકમ અને સેવા પરમો ધર્મના સુત્રોને અનુસરીને શ્રી મારૂતી કુરીયર સર્વિસ દ્વારા દેશની જનતા માટે આર્થિક યોગદાનનું સ્તુત્ય પગલું ભરવામાં આવેલ છે.
કોરોના વાયરસની મહામારી દરમ્યાન જરૂરીયાતમંદ જ્ઞાતિબંધુ અને અન્ય પરિવારોની સેવામાં ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે સતત બીજી વખત રાશન કિટ અને ફુડ પેકેટ વિતરણ કરવામાં આવેલ છે. આ સેવાભાવી કાર્ય દ્વારા કંપનીના ચેરમેન રામભાઈ મોકરીયાની જન્મભૂમિ પોરબંદર જીલ્લાના જ્ઞાતિબંધુઓ પ્રત્યે હાર્દિક સંવેદના વ્યકત કરેલ છે. પોરબંદર ગ્રામ્ય વિસ્તારનાં શ્રમિકોને પણ તાજેતરમાં ફૂડ પેકેટનું વિતરણ કરીને શ્રમિકો પ્રત્યે સરકારની સહાનુભૂતિમાં કંપનીએ પોતાનો સુર પુરાવેલ છે. ઉપરાંત ગુજરાતના મુખ્યમંત્રીના રીલીફ ફંડમાં પણ રૂા.૧૦,૮૦,૦૦૦નું ફંડ અર્પણ કરેલ છે. મહામારીની આ પરિસ્થિતિમાં લોકડાઉન દરમ્યાન રાજકોટ ખાતે સતત ૫૦ દિવસથી શ્રી મારૂતી કુરીયર સર્વિસનાં સિનિયર રીજનલ મેનેજર એમ.પી.મોકરીયા તથા અન્ય કુરીયરની ટીમ તંત્રની વિનંતીને માન આપીને રાજકોટ શહેર અને આજુબાજુનાં ગ્રામ્ય વિસ્તારમાં દવાઓની નિ:શુલ્ક ડિલીવરીની સેવા કરી રહેલ છે. એમ.પી.મોકરીયાની ટીમને રામભાઈ મોકરીયાએ અભિનંદન પાઠવેલ છે.
શ્રી મારૂતી કુરીયર સર્વિસ બિઝનેશની સાથે સાથે દેશ અને સમાજ પ્રત્યેની જવાબદારી નિભાવવામાં પણ હંમેશા અગ્રેસર રહી છે. ભુતકાળમાં સુરતનો પ્લેગ, કચ્છનો ધરતીકંપ, પોસ્ટની હડતાળ, કારગીલ યુદ્ધ, પુલવામા એટેક જેવી કુદરતી કે માનવસર્જીત આફતો વખતે રાષ્ટ્રભાવનાથી પ્રેરાઈને કંપનીએ દેશને આર્થિક અને સેવાકિય યોગદાન પુરુ પાડેલ છે. કપરા સમયમાં કંપની એ દેશની જનતાની પડખે રહીને પોતાની ફરજ નિભાવેલ છે. પુલવામા એટેક દરમ્યાન દેશની રક્ષા કાજે શહીદ થનાર ૪૪ જવાનોના પરીવાર માટે શ્રી મારૂતી કુરીયર કંપની એ હુંફની લાગણી સાથે રૂા.૧૧,૧૧,૧૧૧/-નું આર્થિક યોગદાન અર્પણ કરેલ હતું. શ્રી મારૂતી કુરીયર કંપની દ્વારા હાલની કોરોના વાયરસની પરિસ્થિતિમાં સેવાયજ્ઞની પરંપરા સુચારુ રીતે જાળવી રાખેલ છે. દેશ અને સમાજની જનતા માટે આ સેવાયજ્ઞ દ્વારા સહાયભૂત થવાનું શ્રી મારૂતી કુરીયર સર્વિસ કંપની ગૌરવ અનુભવે છે. દેશની નંબર ૧ અને અગ્રેસર શ્રી મારૂતી કુરીયર સર્વિસ દ્વારા સેન્ટ્રલ ગવર્નમેન્ટની ગાઈડલાઈન અને સુચના મુજબ તા.૨૦/૪/૨૦૨૦થી જ કુરીયર સર્વિસ શરૂ કરી દેવામાં આવેલ છે. ભારતભરના તમામ સ્ટેટમાં વ્યાપકપણે શ્રી મારૂતી કુરીયર સર્વિસ પૂર્વવત શરૂ થઈ ગયેલ છે. કંપનીના દેશભરનાં ૯૫૦૦થી વધુ કર્મયોગી ટીમ ભારતભરનાં ૨૩૦૦થી વધુ લોકેશનમાં કોઈપણ પ્રકારનો એકસ્ટ્રા ચાર્જ વસુલ કર્યા વિના સલામતીના નિયમોને અનુસરીને ઉત્સાહભેર સર્વિસ આપી રહ્યા છે.