ધી માધવપુરા મર્કન્ટાઈલ કો.ઓપરેટીવ બેંક સહિતની કેટલીક સહકારી બેંકો કાચી પડ્યાના અનેક દાખલા
મુળ કર્ણાટકની ડેકન અર્બન કો.ઓપરેટીવ બેંકને નવી લોન આપવા કે થાપણ સ્વીકારવા ઉપર પ્રતિબંધ
કેટલીક સહકારી બેંકો દ્વારા થાપણ વધારવા અને આડેધડ ધિરાણ કરવાના કારણે સભાપદો, ખાતેદારો મુશ્કેલીમાં મુકાઈ જતાં હોય છે. ધી માધવપુરા મર્કન્ટાઈલ કો.ઓપરેટીવ બેંક ૨૦૦૧માં કાચી પડી હતી. ખોટા ધીરાણના કારણે વર્ષ ૨૦૦૧માં બેંક બંધ થઈ ગઈ હતી. આવી જ રીતે તાજેતરમાં મહારાષ્ટ્રની એક નામાંકીત કો. ઓપરેટીવ બેંક કાચી પડતા અનેક થાપણદારો, ખાતેદારો ફસાયા હતા. આવી જ રીતે પાલનપુર, સુરત, અમદાવાદ, રાજકોટ સહિતના શહેરોમાં પણ કો.ઓપરેટીવ બેંકો કાચી પડે તેવી દહેશત હતી. દરમિયાન દેશમાં વધુ એક બેંક કાચી પડી છે.
વિગતો મુજબ કર્ણાટકની ડેકન અર્બન કો.ઓપરેટીવ બેંક લીમીટેડ કાચી પડતા રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા નવા ધિરાણ અને થાપણો ઉપર લગામ લગાવી દેવાઈ હતી. ગ્રાહકો રૂા.૧ હજારથી વધુની રકમ એકાઉન્ટમાંથી આગામી છ મહિના સુધી ઉપાડી શકશે નહીં. આ ઉપરાંત બેંકને કોઈપણ જગ્યાએ મંજૂરી વગર ધરાણ કરવા ઉપર પ્રતિબંધ મુકી દીધો છે.
વર્તમાન સમયે બેંકની હાલત ખરાબ છે. બેંકમાં તરલતા ન હોવાથી રૂા.૧ હજારથી વધુની રકમ ગ્રાહક એકાઉન્ટમાંથી ઉપાડી શકશે નહીં. આ નિયમ બચત ખાતા, કરંટ ખાતા સહિતના તમામ પ્રકારના ખાતા ઉપર લાગુ પડશે. આ ઉપરાંત ગ્રાહક શરતોને આધીન થઈ ડિપોઝીટ ઉપરની લોન સરભર કરી શકશે. બેંક ભલે કાચી પડી હોય બેંકના ૯૯.૫૮ ટકા ખાતેદારો ડિપોઝિટ ઈન્સ્યોરન્સ અને ક્રેડીટ ગેરંટી કોર્પોરેશન (ડીઆઈસીજીસી) દ્વારા સુરક્ષીત થયા છે. ડીઆઈસીજીસી રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા હેઠળ આવે છે જેનાથી બેંક ઉઠી જાય તો ખાતેદારોને પોતાની રકમ ઉપર વીમો મળતો હોય છે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાનો કેવું છે કે, વર્તમાન સમયે બેંક ઉપર નિયંત્રણો લાદી દેવાનો મતલબ એ નથી કે તેનું બેન્કિંગ લાયસન્સ રદ્દ થઈ જશે. આ બેંક બેન્કિંગ વ્યવસાય નિયંત્રણને આધીન થઈ ચલાવી શકશે. જ્યાં સુધી નાણાકીય મુશ્કેલી પૂર્ણ ન થાય ત્યાં સુધી બેન્કિંગ વ્યવસાય ચાલુ રહેશે.
અહીં ઉલ્લેખનીય છે કે, દેશમાં અનેક સહકારી બેંકો ઉપર કોરોના મહામારીમાં સંકટ તોળાઈ રહ્યું હતું. આ ઉપરાંત તાજેતરમાં કેટલીક બેંકોમાં સંચાલનમાં ગેરરીતિ હોવાની આક્ષેપો પણ સામે આવ્યા હતા. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ધારા-ધોરણ મુજબ કામ ન થતું હોવાની પણ બુમ ઉઠી હતી. ગુજરાતમાં કો-ઓપરેટીવ બેંક કાચી પડે તો અનેક ખાતેદારો ઉપર જોખમ ઉભી થાય.