તિબેટમાં ડ્રેગનના રેલવે લાઇન નાખવાના પેંતરાથી વિવાદનું વંટોળ
ભારત અને ચીન વચ્ચે સરહદી વિવાદનો ઉકેલ લાવવા પ્રયત્નો થઈ રહ્યાં છે પરંતુ ખંધુ ચીન સરહદે અવનવા ત્રાગા કરી રહ્યું છે. ચીન આવું જ એક ત્રાગું તિબેટમાં કરશે. અરુણાચલ પ્રદેશ સરહદથી એકદમ નજીક ચીન રેલવે લાઇન પાથરવા જઈ રહ્યું છે જેના પરિણામે ફરી વિવાદ વકરે તેવી શક્યતા છે.
સિચુઆન-તિબેટ રેલવે લાઇન સિચુઆનની રાજધાની ચેંગડૂથી શરૂ થશે. આ રેલવે લાઇનના નિર્માણ બાદ લહાસા સુધીની ૪૮ કલાકની મુસાફરી ફક્ત ૧૩ કલાકમાં શક્ય બની જશે.
સિચુઆન-તિબેટ રેલવે એ તિબેટમાં ચીનનો બીજો પ્રોજેક્ટ છે. અગાઉ ચીન કિંગાઇ-તિબેટ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યું છે. આ રેલવે લાઇન કિંઘા-તિબેટ પ્લેટ્યુ પરથી પસાર થશે.
સિચુઆન-તિબેટ રેલવે લાઇન તિબેટના જે લિંઝીમાં સમાપ્ત થશે તે જગ્યા અરુણાચલ પ્રદેશની સરહદથી ખૂબ જ નજીક છે.
ઉલ્લેખનીય છે કે ચીન અરુણાચલ પ્રદેશને પણ પોતાનો હિસ્સો માને છે. ચીન અરુણાચલ પ્રદેશને દક્ષિણ તિબેટનો ભાગ માને છે. ભારતે ચીનના આ દાવાનો સખત વિરોધ કર્યો છે અને કહ્યું છે કે આખું અરુણાચલ પ્રદેશ ભારતનું અભિન્ન અંગ છે.
ગ્લોબલ ટાઇમ્સના મતે સિચુઆન-તિબેટ રેલવે લાઇનની લંબાઈ ૧૦૧૧ કિલોમીટરની હશે. ૨૬ સ્ટેશનને આવરી લેવાશે. આ રૂટ પર ટ્રેનો ૧૨૦ કિ.મી. પ્રતિ કલાકથી ૨૦૦ કિ.મી. પ્રતિ કલાકની ઝડપે દોડશે. ચીન આ પ્રોજેક્ટ પર કુલ ૪૭.૮ અબજ ડોલર ખર્ચ કરશે.
ચીન વ્યૂહાત્મક અને રણનીતિક રીતે મહત્વપૂર્ણ સિચુઆન-તિબેટ રેલવે લાઇનનું નિર્માણ શરૂ કરવા જઇ રહ્યું છે. આ રેલવે લાઇન દક્ષિણ પશ્ચિમના સિચુઆન પ્રાંતના યાનથી શરૂ થશે અને તિબેટમાં લિંઝી સુધી જશે. આ રેલવે લાઇનના નિર્માણથી ચીનની પહોંચ અરૂણાચલ પ્રદેશની લગભગ બોર્ડર સુધી પહોંચી જશે.