મંડળીના પટ્ટાવાળાને કોરોના પોઝિટિવ આવ્યા બાદ મંત્રી પણ સંક્રમિત થતા આરોગ્ય તંત્રમાં દોડધામ
ઉપલેટામાં મો.લા.પટેલ નગરમાં રહેતા પટેલ યુવાનને લોકલ ટ્રાન્સમિશનના પગલે કોરોના પોઝીટીવ આવતા આરોગ્ય તંત્ર ચોકી ઉઠયું હતું. બે દિવસ પહેલા ધોરાજીના પીપળીયાની સહકારી મંડળીના પટ્ટાવાળાને કોરોના પોઝીટીવ આવ્યા બાદ તેના સંપર્કમાં આવેલા ઉપલેટાના પટેલ યુવાન અને પીપળીયા સહકારી મંડળીમાં મંત્રી તરીકે નોકરી કરતા જયેશભાઈ રમણીકભાઈ રામોલિયા (ઉ.વ.૩૩, રહે.ઢાંકની ગાળી મો.લા.પટેલ નગર બ્લોકનું ડી-૭માં બે દિવસ પહેલા શરદી તાવ જેવું લાગતા આરોગ્ય વિભાગ દ્વારા તેમનું કોરોના સેમ્પલ લેવામાં આવેલ હતું.
પટેલ યુવાન જયેશનો કોરોના પોઝીટીવ રીપોર્ટ આવતા મો.લા.પટેલનગરમાં જયેશભાઈના ઘરે મામલતદાર જી.એમ.મહાવદીયા, તાલુકા બ્લોક હેલ્થ ઓફિસર ડો.હેપી પટેલ, ચીફ ઓફિસર આર.સી.દવે સહિતના સ્ટાફ દોડી ગયો હતો. કોરોના પોઝીટીવ દર્દી જયેશ રામોલિયાને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રવાના કરાયા હતા જયારે તેના પરિવારના માતા-પત્ની અને પુત્ર સહિત ત્રણ જણાને તેમના નિવાસને હોમ કવોરન્ટાઈન કરાયા હતા. જયારે કોરોનાગ્રસ્ત વિસ્તારનાં ૧૭ ઘરને ક્ધટેન્મેન્ટ કરાયા છે અને ૧૮ ઘરોને બફર ઝોનમાં લેવામાં આવ્યા છે.
લોકલ ટ્રાન્સમિશન શહેર માટે જોખમરૂપ: ડો.હેપી પટેલ
આરોગ્ય બ્લોક હેલ્થ ઓફિસર ડો.હેપી પટેલે જણાવ્યું હતું કે, અગાઉ જે આઠ કેસ શહેર-તાલુકામાં નોંધાયા છે તેના કરતા ગઈકાલે જે લોકલ ટ્રાન્સમિશનનો કેસ શહેર તાલુકા માટે જોખમી છે. આપણે શહેર તાલુકાને સુરક્ષિત રાખવો હોય તો હજુ પણ સમય છે. આપણે કામ સિવાય બહાર નહીં નીકળવાનું, માસ્ક પહેરીને જ બહાર નિકળવું બને ત્યાં સુધી ઘરમાં રહી આપણે સુરક્ષિત રહી શકીશું જો લોકલ ટ્રાન્સમિશન કેસ ફેલાવવા માંડે તો તેને અટકાવવો ખુબ જ મુશ્કેલ બની જાય છે.