જયંતિ ઠકકરે છબીલ પટેલને પાંચ લાખ આપ્યા હોવાની કરી કબુલાત
ચકચારી જયંતી ભાનુશાલી હત્યા કેસમાં સીટની ટીમે જયંતી ઠક્કર ઉર્ફે ડુમરાવાળાની આજે ધરપકડ કરી છે.કેસના મુખ્ય સૂત્રધાર છબીલ પટેલે સીટ સમક્ષ જયંતી ડુમરાવાળા સાથે મળીને હત્યાનું કાવત્રુ ઘડયું હોવાની કબુલાત આપી છે
અબડાસાના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત ભાજપના કદાવર નેતા જયંતીભાઈ ભાનુશાલીની ગત ૮મી જાન્યુઆરી સયાજી એક્સપ્રેસમાં કરાયેલી હત્યાના પ્રકરણમાં મુખ્ય સુત્રધાર તરીકે છબીલ પટેલની ધરપકડ કરવામાં આવી હતી. આજે પોલીસ દ્વારા જયંતી ભાનુશાલીની હત્યામાં જયંતી ઠક્કર ઉર્ફે ડુમરાવાળાની ધરપકડ કરવામાં આવી છે
અગાઉ ઝડપાયેલા મુખ્ય સુત્રધાર છબીલ પટેલે પોલીસ રીમાન્ડ દરમ્યાન સીટ સમક્ષ જણાવ્યુ હતું કે, જયંતી ભાનુશાલીની હત્યા માટે પોતે અને જયંતીભાઈ ઠક્કર ઉર્ફે જયંતી ડુમરાવાળાએ કાવત્રુ ઘડ્યું હતું જેમાં છબીલ પટેલે શૂટર્સની વ્યવસ્થા કરવાની હતી. જ્યારે જયંતીભાઈ ઠક્કર આર્થિક જે પણ ખર્ચ થાય તેમાં પોતાનો હિસ્સો આપશે તેમ નક્કી થયુ હતું.છબીલ પટેલની કબુલાત અનુસાર જયંતી ઠક્કર તથા છબીલ પટેલનો હેતુ જયંતીભાઈ ભાનુશાલીને રાજનીતિમાંથી હટાવવાનો હતો.જે પેટે જ્યંતી ઠક્કરે છબીલ પટેલને પાંચ લાખ રૂપિયા આપ્યા હોવાનું પણ કબુલ્યું છે.SITટીમે આજે વિધિવત રીતે જયંતીભાઈ ઠક્કર ઉર્ફે જયંતીભાઈ ડુમરાની ધરપકડ કરી લીધી છે જેઓને આવતીકાલે ભચાઉ કોર્ટમાં પોલીસ રિમાન્ડ માટે રજુ કરવામાં આવશે રિમાન્ડ દરમિયાન કેસમા વધુ હકીકતો ખુલવા પામશે.