મુસ્લિમ મહિલાઓને નિશાન બનાવતા બુલ્લી બાય એપ કેસમાં મુંબઈ પોલીસે મોટી કાર્યવાહી કરતા મુખ્ય આરોપી મહિલાની પણ અટકાયત કરી છે
શું છે બુલ્લી બાઈ એપ કેસ ?
ગીટહબ નામના પ્લેટફોર્મ પર બુલ્લી બાઈ ઉપલબ્ધ છે. એક સોશિયલ મીડિયા યુઝરના કહેવા પ્રમાણે, તેને ખોલતા જ એક મુસ્લિમ મહિલાનો ચહેરો સામે આવે છે, જેનું નામ બુલ્લી બાઈ છે. આમાં ટ્વિટર પર હાજરી ધરાવતી મુસ્લિમ મહિલાના નામનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેણીની તસવીર બુલ્લી બાઈ તરીકે પ્રદર્શિત કરવામાં આવી છે. એટલું જ નહીં, આ જ નામના ટ્વિટર હેન્ડલથી તેનો પ્રચાર પણ કરવામાં આવી રહ્યો છે. આ ટ્વિટર હેન્ડલ પર ખાલી સમર્થકનો ફોટો છે અને તેમાં લખવામાં આવ્યું છે કે મુસ્લિમ મહિલાઓને આ એપ દ્વારા બુક કરાવી શકાય છે.
અબતક, નવી દિલ્લી
મુસ્લિમ મહિલાઓની તસવીરોની હરાજી કરનાર બુલ્લીબાઈ એપ મામલે મુંબઈ પોલીસના સાઈબર સેલે વધુ એક યુવકની ધરપકડ કરી છે. આ ધરપકડ ઉત્તરાખંડના કોટદ્વારથી કરાઈ હતી. પોલીસ બેંગ્લુરુના એક વિદ્યાર્થી વિશાલકુમાર અને ઉત્તરાખંડની શ્વેતાને પકડી ચૂકી છે. તેમાં શ્વેતાને આ એપની માસ્ટર માઈન્ડ ગણાવાઇ છે. તેને પોલીસ ટ્રાન્ઝિટ રિમાન્ડ માટે મહારાષ્ટ્ર લઈ ગઈ છે.
પોલીસે કહ્યું કે એપ સાથે દિલ્હી, મહારાષ્ટ્ર અને કર્ણાટક ઉપરાંત અનેક અન્ય રાજ્યોના યુવાઓ જોડાયા હતા. તપાસમાં સામે આવ્યું કે યુવતી એક નેપાળી યુવકના સંપર્કમાં હતી. તેના સંપર્કમાં આવ્યા બાદ જ તેણે પોતાના ટ્વિટર હેન્ડલ(એકાઉન્ટ)નું નામ બદલ્યું હતું. તેના બાદ તેણે 1 જાન્યુઆરીએ મહિલાઓની બુલ્લીએપના માધ્યમથી બોલી લગાવડાવી હતી. તેના સંપર્કમાં અન્ય લોકો પણ હોઈ શકે છે. આ મામલે તપાસમાં હવે ઉત્તરાખંડ એસટીએફ પણ જોડાઈ છે. ગીતકાર જાવેદ અખ્તરે બુલ્લીબાઈ એપને લઈને કહ્યું કે આ યુવાન છોકરીએ તાજેતરમાં તેનાં માતા-પિતાને કેન્સર અને કોરોનાને કારણે ગુમાવ્યાં. લોકો થોડીક દરિયાદિલી બતાવે અને તેને માફ કરે.
રિપોર્ટ્સ મુજબ ધરપકડ કરાયેલી છોકરી ઈન્ટરમીડિએટ પાસ છે. તેનાં માતા-પિતાનું નિધન થઇ ગયું છે. 3 બહેનો, 1 ભાઈનો આ પરિવાર આર્થિક ભીંસમાં છે. જ્યારે બેંગ્લુરુનો વિદ્યાર્થી વિશાલ ખાલસા સુપરમિસ્ટ નામે એકાઉન્ટ ચલાવતો હતો. તેમાં પંજાબમાં લખેલું હતું. થોડા દિવસ બાદ તેણે એકાઉન્ટનું નામ બદલી નાખ્યું. જાણ થઇ કે 1 જાન્યુઆરીએ એક પોસ્ટ થઇ હતી. તે જાટ ખાલસા નામના ટ્વિટર હેન્ડલથી કરાઈ હતી.
મુસ્લિમ બાદ હવે હિન્દૂ મહિલાઓ સાથેના દુર્વ્યવહાર અંગે સરકારની તવાઈ
’બુલ્લી બાઈ’ એપ વિવાદ અને મુસ્લિમ મહિલાઓ કે જેના કારણે કેન્દ્ર સરકાર, સાયબર સિક્યુરિટી એજન્સી અને મુંબઈ-દિલ્હી પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી તે બાદ હવે ટેલિગ્રામ ચેનલ તેમજ હિન્દુ મહિલાઓના ફોટા શેર કરવા અને તેમની સાથે દુર્વ્યવહાર કરવા બદલ કેટલાક ફેસબુક પેજ સામે પગલાં ભરવામાં આવ્યા છે. આઈટી અને ટેલિકોમ મંત્રી અશ્વિની વૈષ્ણવે ટ્વિટર પર એક વપરાશકર્તાની માહિતી આપી હતી કે, સરકારે ટેલિગ્રામ ચેનલની નોંધ લીધી છે અને તેને બ્લોક કરી દેવામાં આવી છે. ભારત સરકાર પગલાં માટે રાજ્યોના પોલીસ સત્તાધીશો સાથે સંકલન કરી રહી છે. તેમણે કહ્યું કે, આ માધ્યમો થકી હિન્દુ મહિલાઓને કથિત નિશાન બનાવાઇ રહી છે.
વૈષ્ણવની માહિતી બાદ એક ટ્વિટર વપરાશકર્તાએ ટેલિગ્રામ પર ચેનલનો ઉલ્લેખ કરતા આરોપ મૂક્યો હતો કે, આ ચેનલ દ્વારા હિંદુ મહિલાઓને ટાર્ગેટ કરાઈ રહી છે. આ ચેનલનો હેન્ડલર હિન્દૂ મહિલાઓના ફોટા શેર કરી રહ્યો છે અને તેમની સાથે દુર્વ્યવહાર કરી રહ્યો છે. જેની થોડી જ મિનિટો પછી પ્રધાન રાજીવ ચંદ્રશેખરે પણ કહ્યું કે, તેમણે આઇટી મંત્રાલયને હિંદુ મહિલાઓ વિરુદ્ધ વાંધાજનક પૃષ્ઠો દૂર કરવા માટે નિર્દેશ આપ્યો છે.