સ્મશાન યાત્રા દરમિયાન ભગવતીપરામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત: કેટરર્સમાં કામ કરતી યુવતી સાથેના સંબંધના કારણે હત્યા કર્યાની કબુલાત: ત્રણેયને ઘટના સ્થળે લઇ જઇ આકરી પૂછપરછ કરાઇ
જવાહર રોડ પર આવેલી ગેલેકસી હોટલ પાસે રિક્ષા ચાલક યુવકને તેના પાડોશમાં જ રહેતા ત્રણ શખ્સોએ બે માસ કેટરર્સમાં કામ કરતી યુવતીના પ્રેમ પ્રકરણના કારણેસર જાહેર છરીના ઘા ઝીંકી હત્યા કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગણતરીની કલાકમાં હત્યાના ગુનામાં સંડોવાયેલા ત્રણેય શખ્સોને ઝડપી લીધા છે. આરોપી અને મૃતક ભગવતીપરામાં રહેતા હોવાથી સ્મશાન યાત્રા દરમિયાન પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ત્રણેય શખ્સોને ઘટના સ્થળે લઇ જઇ આકરી પૂછપરછ કરવામાં આવી છે.
ભગવતીપરામાં રહેતા રજાક યુસુફભાઇ જુણેજા નાના ૨૧ વર્ષના સંધી યુવાનની તેના પાડોશમાં રહેતા સાજીદ રજાક ભટ્ટી, મુસ્તાક રજાક ભટ્ટી અને ઇમરાન ખાટકી નામના શખ્સોએ ગઇકાલે સાંજે જવાહર રોડ પર ગેલેકસી હોટલ પાસે છરીના ઘા ઝીંકી હત્યા કર્યાની યુસુફભાઇ જમાલભાઇ જુણેજાએ એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
જયારે મુસ્તાક રજાકભાઇ ભટ્ટીએ શાહરૂખ ઇશાકે ચા હલાવવાના લોખંડના તવીથાથી માર માર્યાની પોલીસમાં વળતી ફરિયાદ નોંધાવી હતી.
સાજીદ ભટ્ટીને તેની સાથે કેટરર્સમાં કામ કરતી કરીના નામની યુવતી ફ્રેન્ડ હોવાથી રજાક તેના વિશે ગમે તેમ બોલતો હોવાથી બે માસ પહેલાં બંને વચ્ચે ઝઘડો થયો હોવાતી સાજીદ ભટ્ટી પોતાની સાથે છરી રાખતો હતો. દરમિયાન બંને ગઇકાલે જવાહર રોડ પર મોમાઇ ચાની હોટલે મળતા ફરી બોલાચાલી થતા રજાક અને ઇશાકે સાજીદને લાફા મારતા તેની પાસે રહેલી છરીના ઘા ઝીંકી દીધા હતા અને રિક્ષાની કીકથી હુમલો કરી રજાકની હત્યા કર્યાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે સાજીદ રજાક ભટ્ટી, મુસ્તાક રજાક ભટ્ટીની ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે ગોંડલ રોડ પરથી ધરપકડ કરી હતી જયારે ઇમરાન મહેબુબ ભાડુલાની એ ડિવિઝન પોલસે મોરબી રોડ ચામડીયા ખાટકીવાસમાંથી ધરપકડ કરી ત્રણેય શખ્સો પાસેથી લોહીવાળા કપડા, બે મોબાઇલ, ગોંડલ ચોકડી પાસે ફેંકી દીધેલી છરી કબ્જે કરી છે. રજાકની સ્મશાન યાત્રા દરમિયાન પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.