વિજયભાઇના હસ્તે રાજ્ય યોગ બોર્ડ દ્વારા તાલીમ પામેલી સફળ યોગ કોચ યોગ ટ્રેનર્સને તાલીમ પ્રમાણપત્રો એનાયત: ૧૨૭ યોગ કોચ દ્વારા રાજયમાં ૫૦૦થી વધુ યોગ ટ્રેનરો તૈયાર

યોગને વધુને વધુ પ્રાધાન્ય આપવા ગુજરાતમાં આગામી સમયમાં એક લાખ યોગ ટ્રેનર તૈયાર કરાશે. આજે સમગ્ર વિશ્વ કોરોના મહામારી સામે સંઘર્ષ કરી રહ્યો છે આ રોગ સામે રોગપ્રતિકારક શક્તિ વધારવા તેમજ સ્વસ્થ રહેવા યોગ, પ્રાણાયમ અને સૂર્ય નમસ્કાર જેવા આસનો ખૂબ જરૂરી છે તેમ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આજે ગાંધીનગર ખાતેથી સફળ યોગ કોચ  યોગ ટ્રેનર્સને તાલિમ પ્રમાણપત્રો એનાયત પ્રસંગે જણાવ્યું હતું.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા તાલિમ પામેલા અને સૌથી વધુ લોકોને તાલીમ આપેલ એવા શ્રેષ્ઠ પાંચ યોગ કોચ અને યોગ ટ્રેનર્સને પ્રતિકાત્મકરૂપે આજે ગાંધીનગર ખાતેથી પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં સુરતના સ્વાતીબેન ધાનાણી, રાજકોટથી વિશાલ સોજિત્રા, વડોદરાથી સોનાલી માલવીયા, જામનગરથી હર્ષિદા મહેતા અને દાહોદથી વિનોદકુમાર પટેલને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતીય સંસ્કૃતિની દેન યોગને છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે ગુજરાત રાજય યોગ બોર્ડ સતત કાર્યશીલ રહે છે. જે થકી ગુજરાત રાજય યોગ બોર્ડ દ્રારા સમગ્ર ગુજરાતના તમામ જિલ્લામાં કુલ ૧૨૬ યોગ કોચને તાલીમ આપવામાં આવી છે અને તાલીમ પામેલ યોગ કોચ દ્રારા સમગ્ર રાજયમાં ૫૦૦૦થી વધુ યોગ ટ્રેનરોને તૈયાર કરવામાં આવ્યા છે.

મુખ્યમંત્રીએ જણાવ્યુ હતુ કે, આજે સમગ્ર વિશ્વ યોગનું મહત્વ સમજતુ થયુ છે. યોગથી શરીર સ્વસ્થ રહે છે અને સ્વસ્થ શરીરમાં સ્વસ્થ મન થકી પરાત્મામા સુધી પહોંચી શકીએ છીએ. કોરોના જેવી મહામારીમાં યોગ કરવા ખૂબ જરૂરી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના પ્રયાસોથી યુનો દ્વારા ૨૧મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવાનો પ્રારંભ કર્યો છે. ભારતની આ યોગ ફિલોસોફીને વિશ્વ સ્વીકારતુ થયુ છે ગુજરાતમાં યોગનો વ્યાપ વધે લોકો યોગ કરતા થાય તે હેતુથી ગુજરાત રાજ્ય યોગ બોર્ડની સ્થાપના કરવામાં આવી છે. જેને છેલ્લા એક વર્ષમાં ૫૦૦૦ યોગ ટ્રેનર તૈયાર કર્યા છે. આ ૫૦૦૦ યોગ ટ્રેનર પ્રતિદિન ૨૫ થી ૩૦ લોકોને યોગની તાલીમ આપશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.