ધર્મને ધંધો કઇ રીતે બનાવવો તે શીખવા માટે એમ.બી.એ થવાની નહીં બાબા થવાની જરૂર છે..! એજ રીતે સરકારનાં સમર્થનથી કે સેવકોની સેલ્સમેનશીપ‘ થી સામ્રાજ્યનો વર્ટિકલ ગ્રોથ કરવાની કળા શીખવા માટે પણ રામદેવ બાબાનું પતંજલિ ગ્રુપ આદર્શ મોડેલ સાબિત થઇ શકે તમ છે. આ મુદ્દો અત્યારે એટલે ચર્ચાનો વિષય છે કારણ કે બાબા એ આગામી પાંચ વર્ષમાં પોતાની ચાર કંપનીઓનાં આઇ.પી.ઓ ઓફર કરીને મુડીબજારમાંથી આશરે એક લાખ કરોડ રૂપિયા ઉભા કરવાનાં સંકેત આપ્યા છે. મતલબ કે બાબા બન ગયે બિઝનેસમેન..!
હાલનો પ્લાન જોઇએ તો બાબા પતંજલિ ગ્રુપની પતંજલિ આયુર્વેદ, પતંજલિ મેડીસીન, પતંજલિ વેલનેસ, તથા પતંજલિ લાઇફ સ્ટાઇલ એમ ચાર કંપનીઓ નામે આગામી પાંચ વર્ષમાં તબક્કાવાર શેરબજારમાંથી નાણા એકત્રિત કરશે. આ એક એવું ગ્રુપ છે જે કોર્પોરેટ હોવા છતાં કોર્પોરેટ સ્ટ્રક્ચરથી દૂર છે. આ ગ્રુપનો સેલ્સમેન કર્મચારી નથી પણ રાષ્ટ્ર, યોગ અને આયુર્વેદનો સેવક છે. અને જો કોઇ સેવક વાર્ષિક પગાર વધારાની આશા રાખે તો તેને સ્વાર્થી ગણવામાં આવે છે.
ભારતનાં કોઇપણ વ્યક્તિની ચડતી અને પડતીમાં સરકારની કેવી ભૂમિકા હોય છે તે જાણવા માટે પણ બાબા રામદેવને રોલ મોડેલ કે કેસ સ્ટડી તરીકે લઇ શકાય તેમ છે. કારણ કે વર્ષ 2006 માં હરિદ્વારમાં પતંજલિ યોગ વિદ્યાપિઠની સ્થાપના અને માત્ર આયુર્વેદિક પ્રોડક્ટનાં ઉત્પાદન અને વેચાણ સાથે બાબા એ કારોબાર શરૂ કર્યો હતો. આજે પતંજલિ ઔષધ થી માંડીને સોયાતેલ અને સીમ કાર્ડ જેવા સંક્યાબંધ ડેરી, એફ.એમ.સીજી, કપડાં તથા ખાદ્ય પદાર્થો જેવા ઉત્પાદન અને વેચાણ ધરાવે છે. સયાદ રહે કે તે સમયે દેશમાં સોનિયા ગાંધીનાં કંટ્રોલવાળી યુપીએ સરકારનું શાસન હતું. વધતા કારોબાર વચ્ચે બાબાનું ભગવી યુતિને અર્થાત હિન્દુત્વને સીધું સમર્થન મળવા માંડ્યું જેના કારણે તેમના ઉત્પાદનો ઉપર યુપીએની સરકારમાં દરોડા પણ પડ્યા.
તેમના ઉત્પાદનો આયુર્વેદનાં નામે રિજેક્ટ થવા માંડ્યા. દિલ્હીમાં જુન-2011 માં રામદેવ બાબાને મહિલાનાં વેશમાં ઝડપીને પોલીસે ધરપકડ કરી હતી. ત્યારે કદાચ એ વખતની સરકાર બાબા રામદેવના ધંધાપાણી ખતમ કરી દેશે એવું લાગતું હતું. પણ સરકાર કરતા સમય વધારે બળવાન હતો. ભગવી સરકાર આવી અને છેલ્લા એક દાયકાથી પણ ઓછા સમયગાળામાં આજે રામદેવ બાબાનાં વ્યવસાયિક સામ્રાજ્યનું વાર્ષિક ટનર્ન ઓવર 40,000 કરોડ રૂપિયાનું છે. જેને બાબા આગામી પાંચ વર્ષમાં બમણાથી વધારે એટલે કે આશરે એક લાખ કરોડ રૂપિયાનું કરવા માંગે છે. વર્ષ 2021 માં કંપનીની આવક 9872 કરોડ રપિયાની હતી જે વર્ષ 2022 માં 10664 કરોડ રુપિયા થઇ છે. જ્યારે નેટ પ્રોફિટ 485 કરોડ રૂપયાનો હતો. 2022 માં માત્ર પતંજલિ ફૂડ્સનો નેટ પ્રોફિટ 242 કરોડનો થયો છે.
બાબા ચાર કંપનીઓનાં મુડીબજારમાં પ્રવેશની તૈયારી કરી રહ્યા છે જ્યારે તેમની એક કંપની પતંજલિ ફૂડસ શેરબજારમાં લિસ્ટેડ છે જે અગાઉ રૂચિ સોયાનાં નામે ચાલતી હતી. આ કંપની પતંજલિ ગ્રુપે હસ્તગત કરીને તેને નવું નામ અપાયું છે.
મૂળ તો રામદેવ બાબા યોગ અને કસરત દવારા રોગ મૂક્તિની બ્રાન્ડ ઇમેજ ધરાવતા હતા એટલે સૌ પ્રથમ પતંજલિ વેલનેસનો આઇપીઓ આવે તેવી સંભાવના છે. આગામી એક દાયકામાં દેશ-વિદેશમાં એક લાખ વેલનેસ સેન્ટર ઉભા થશે. જો આ નુસખો સફળ થાય તો હાલનાં એલોપથીનાં દવાખાનાનાં અસ્તિત્વ જોખમાઇ શકે છે. કારણ કે એમ.બી.બી.ઐસ ડોક્ટરોના સ્થાન વૈદ્ય લઇ લેશે.
એક સમયે પુરાણ, વેદ, સ્વદેશી, યોગ અને ઔષધિની વાતો કરનારા બાબા હવે આગામી પાંચ વષર્ષમાં પતંજલિના સામ્રાજ્યના વેલ્યુએશનની વાતો કરે છે અને કુલ વેલ્યુએશન પાંચ લાખ કરોડે પહોંચાડવાના પ્લાન બનાવી રહ્યા છે. દેશી ઘીની થેરાપી કરવાવાળા બાબા હવે પામ ઓઇલ પ્લાન્ટેશનની દેશની સૌથી મોટી કંપની બનાવવાની પેરવીમાં છૈ કારણ કે એક વાર પામનું ઝાડ તૈયાર થઇ જાય એટલે 40 વર્ષ સુધી ફળો આપતું રહે છે. મતલબ કે આયુવેર્વેદમાં હવે દેશી ધી નું સ્થાન પામતેલ લેશે? બેશક એનાથી પામતેલની આયાત ઘટવાનાં કારણે દેશની તિજોરીનો આગામી દિવસોમાં ત્રણ લાખ કરોડ રૂપિયાનો ખર્ચ ઓછો થશે.
કોર્પોરેટ સેક્ટરમાં નફો, વેચાણ ઉપરાંત કંપનીની બ્રાન્ડ અને વેલ્યુનું આગવું મહત્વ હોય છે. આજના ગ્લેમર યુગમાં તમારી પ્રોડક્ટ ઉપર ગ્રાહકોનું ધ્યાન કેન્દ્રિત કરવા માટે અડધા કપડાં પહેરેલી મોડેલોનો ઉપયોગ કરવામાં આવે છે. પણ બાબા રામદેવે પોતાની આગવી ઓળખ સાથે સાબિત ર્ક્યું છે કે અડધા કે ભગવા કપડાં વાળા પોતાના જેવા મોડેલ પણ બ્રાન્ડ એમ્બેસેડર બની શકે છે. આજે આ એક એવી બ્રાન્ડ છૈ જેને વિદેશી કંપનીઓને પણ સ્વદેશી વાતો કરતી કરી દીધી છે. બાબાની આ બ્રાન્ડ યાત્રા આગામી 10 વર્ષમાં હિન્દુત્વની ઓળખ એવા ભગવા રંગનાં કોર્પોરેટ બ્લેઝરનો ક્ધસેપ્ટ આપે તો પણ નવાઇ નહી. પણ શું તેના માટે ભગવી સરકાર રહેવી જરુરી હશે?