ભત્રીજાની નજર સામે જ કાકાનું મોત
જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ધ્રોલ નજીક વાંકિયા ગામના પાટિયા પાસે સોમવારે બપોરે ત્રણ વાગ્યે એક કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જે અકસ્માતમાં બાઇકના ચાલક વાકિયા ગામના ૫૫ વર્ષના ખેડૂતનું તેના ભત્રીજા ની નજર સમક્ષ ઘટના સ્થળે કમકમાટીભર્યુ મૃત્યુ નિપજયું છે. જયારે પાછળ પાછળ બેઠેલા ૧૩ વર્ષના ભત્રીજાનો ચમત્કારિક બચાવ થયો હતો. અકસ્માત ગ્રસ્ત કાર સાથે પાછળથી આવતો એક ટ્રક પણ અથડાઈ ગયો હતો. જે અકસ્માત પછી લોકોના ટોળા એકત્ર થયા હતા. ધ્રોલ પોલીસે ઘટના સ્થળે દોડી જઇ વાહન વ્યવહાર પૂર્વવત બનાવ્યો હતો. જ્યારે મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ કરાવ્યું છે.અને કાર ચાલક સામે ગુનો નોંધ્યો છે.જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના વાંકિયા ગામમાં રહેતા અને ખેતીકામ કરતા ભરતસિંહ અખુભા જાડેજા (ઉંમર વર્ષ ૫૩) કે જેઓ સોમવારે બપોરે ત્રણેક વાગ્યાના અરસામાં પોતાના ભત્રીજા કાર્તિકસિંહ મહેન્દ્રસિંહ જાડેજા (ઉમર વર્ષ ૧૩)ને પોતાના મોટરસાયકલ માં બેસાડીને વાંકીયા થી તેમની વાડી ખંભાલીડા ગામ નજીક આવેલી હોવાથી ત્યાં જઈ રહ્યા હતા. દરમિયાન જામનગર ધ્રોલ હાઇવે પર પાછળથી પુરપાટ વેગે આવી રહેલી જી. જે.૩ ઇ.આર.૮૧૩૦ નંબરની કારના ચાલકે બાઇકને ઠોકર મારતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઈકચાલક ભરતસિંહને ગંભીર પ્રકારની ઇજાઓ થવાથી તેઓનું ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે તેના પાછળ બેઠેલા ૧૩ વર્ષના ભત્રીજા કાર્તિકસિંહને કોઈપણ પ્રકારની ઈજા થઈ ન હતી, અને તેના ચમત્કારિક બચાવ થયો હતો.
અકસ્માતના બનાવ પછી રાજકોટ તરફથી આવી રહેલો એક ટ્રક કાર સાથે ટકરાઈ ગયો હતો, અને કારને પણ નુકસાન થયું હતું. જેના કારણે લોકોના ટોળા એકઠા થયા હતા. ઉપરોક્ત અકસ્માતના બનાવ ની પોલીસને જાણ થતાં ધ્રોલ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો, અને વાહન વ્યવહાર પૂર્વવત બનાવ્યો હતો. જ્યારે ભરતસિંહ ના મૃતદેહનો કબજો સંભાળી પોલીસ મથકમાં પોસ્ટ મોર્ટમ કરાવ્યું હતું. ઉપરાંત કારના ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.