ટોળાને અકલ ન હોય તે વાત સાચી પડી!
રામ મંદિર નિર્માણ કાર્ય માટે ફંડ એકઠું કરવા નીકળેલા રથ લઘુમતિ વિસ્તારમાં નીકળતા બંને સમુદાય વચ્ચે ઉગ્ર બોલાચાલી
રોષે ભરાયેલા ટોળાએ શ્રમજીવી યુવકનું ઢીમ ઢાળી દીધું: બેકાબુ ટોળાએ આગ ચાંપતા તંગદિલી
અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણ માટે ફંડ એકઠું કરવા માટે રથયાત્રા શરૂ કરવામાં આવી છે. કચ્છના મુન્દ્રા તાલુકાના સદાવ અને ગાંધીધામ નજીક આવેલા કિડાણા ગામ ખાતે રામ મંદિર નિર્માણ રથ પહોચ્યો ત્યારે કોમી પલિતો ચપાયો હતો. બંને જુથ્થ આમને સામને આવી જતા તંગદીલી સર્જાય હતી. રોષે ભરાયેલા ટોળાએ કિડાણા પાસે એક શ્રમજીવીની લોથ ઢાળી દીધી હતી અને વાહનમાં તોડફોડ સાથે આગ ચાપવાનું શરૂ કરતા બેકાબુ ટોળાને વિખેરવા પોલીસે ટીયર ગેસ છોડયો હતો. બંને ઘટનાના પગલે ઉચ્ચ પોલીસ અધિકારી દોડી ગયા હતા અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવતા અજંપાભરી સ્થિતી વચ્ચે શાંતિ જળવાય છે.
મુન્દ્રા તાલુકાના સદાવ ગામે રામ મંદિર નિર્માણ રથ કેશરી ઝંડા સાથે ડી.જે. વગાડતા મસ્જીદ પાસેથી પસાર થયો ત્યારે રથ સાથે જોડાયેલા યુવકો જયશ્રી રામના સુત્રોચ્ચાર કરતા મસ્જીદમાંથી કેટલાક શખ્સો ઘસી આવ્યા હતા અને ડી.જે.વગાડવાની ના કહેતા બંને વચ્ચે ઘર્ષણ થયું હતું. બંને સમુદાય વચ્ચે થયેલા ઘર્ષણ અને બોલાચાલી વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તે પૂર્વે પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોચી બંને સમુદાયને સમજાવી વિખેરી નાખી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો.
મુન્દ્રાના સદાવ ગામે કોમી અથડામણ થયાનો મેસેજ વાયરલ થયો હતો તે દરમિયાન રથ ગાંધીધામ નજીક કિડાણા ગામના લઘુમતિ વિસ્તારમાં વિશ્ર્વ હિન્દુ પરિષદના કાર્યકરો દ્વારા રામ મંદિરના નિર્માણ માટે ફંડ એકઠું કરવા રથ પસાર થતા ત્યાં કેટલાક ટીખળીખોર દ્વારા કોમી ઉશ્કેરણી થાય તેવુ વાતાવરણ સર્જી બોલાચાલી કરતા હિન્દુ અને મુસ્લિમ સમુદાય આમને સામને આવી હતા. બંને ટોળા વચ્ચે સામસામે પથ્થરમારો કરતા તંગદીલી સર્જાતા રોષે ભરાયેલા ટોળા દ્વારા પોલીસના વાહનો પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો. બેકાબુ ટોળાએ એક શ્રમજીવી પર હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો અને વાહનમાં તોડફોડ કરી આગ ચાપી દેતા નાસભાગ મચી ગઇ હતી. કોમી અથડામણ વધુ વકરે તે પહેલાં બોર્ડર રેન્જ આજી મોથલીયા પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા મયુર પાટીલ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ કિડાણ દોડી ગયા હતા. પોલીસે ટોળાને વિખેરવા ટીયર ગેસ છોડયા બાદ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેતા હાલ મામલો થાળે પડયો છે.
કિડાણાની કોમી અથડામણની કેટલાક ફોટા સાથેના વીડિયો મોબાઇલમાં વાયરલ થતા તંગદીલી વધુ પસરે તેમ હોવાથી પોલીસે વાંધાજનક વીડિયો વાયરલ થતા અટકાવવા અપીલ કરી હતી. બીજી તરફ ટોળા સામે ગુનો નોંધી કેટલાક શખ્સોની અટકાયત કરી લીધી છે.