રાજકોટ શહેર ભાજપ દ્વારા કિશાનપરા ચોક ખાતે જિલ્લા ભાજપ દ્વારા ગોંડલમાં ધરણા
રાફેલ વિમાનના સોદામાં કોઈ જ ગડબડ થઈ નથી તેવી ક્લિનચીટ સુપ્રીમ કોર્ટ દ્વારા કેન્દ્ર સરકારને અપાયા બાદ રાફેલ વિશે કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ વારંવાર આપેલા નિવેદનના વિરોધમાં આજે ભાજપ દ્વારા ગુજરાતમાં રાજ્ય વ્યાપી વિરોધાત્મક ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. રાજકોટમાં કિશાનપરા ચોક ખાતે શહેર ભાજપ દ્વારા જ્યારે ગોંડલના માંડવી ચોક ખાતે જિલ્લા ભાજપ દ્વારા સવારે ૧૦ થી ૧૨ કલાક દરમિયાન ધરણા કરવામાં આવ્યા હતા. જેમાં ‘રાહુલ ગાંધી દેશની માફી માંગે’ના ઉગ્ર સુત્રોચ્ચાર પોકાર્યા હતા.
ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ જણાવ્યુ હતુ કે, રાફેલ સોદા મામલે કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલી અરજીઓ ફગાવતા સુપ્રિમ કોર્ટ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે રાફેલ સોદાની સંપૂર્ણ પ્રક્રિયા પારદર્શક અને યોગ્ય રીતે થયેલ છે. જે સાબિત કરે છે કે કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલ તમામ આક્ષેપો સંપૂર્ણ રીતે જુઠ્ઠા અને મનઘડત છે. ડિસેમ્બર ૨૦૧૮ બાદ ફરી એકવાર ૧૪ નવેમ્બર ૨૦૧૯ના રોજ સુપ્રિમ કોર્ટે કોંગ્રેસને ફટકાર લગાવી છે.
કોંગ્રેસનેતા અને તત્કાલિન કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત કોંગ્રેસ પાર્ટી દ્વારા સંસદમાં અને જાહેરમંચ પરથી લોકસભા ચૂંટણી પ્રચાર દરમ્યાન સતત જુઠ્ઠુ બોલીને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી અંગે મર્યાદાહીન શબ્દોનો વારંવાર પ્રયોગ કરી દેશની જનતાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. કોંગ્રેસને દેશહિત કરતા રાજકીય સ્વાર્થ વધારે વહાલો છે જ્યારે ભાજપા માટે રાષ્ટ્રહિત સર્વોપરી છે. રાફેલ મુદ્દે દેશને ગુમરાહ કરી મર્યાદાહીન અને હલકી રાજનીતિ કરવા બદલ રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટી જાહેરમાં દેશની જનતાની માફી માંગે.
કોંગ્રેસના જુઠ્ઠાણાઓને ઉજાગર કરવા કરવા માટે આજે શનિવારે સમગ્ર ગુજરાતમાં જીલ્લા સ્તરે ભાજપાના કાર્યકર્તાઓ દ્વારા વિવિધ સુત્રોચ્ચાર તેમજ રાહુલ ગાંધી દેશની માફી માંગેના નારા સાથે વિરોધાત્મક ધરણા કાર્યક્રમો યોજવામાં આવ્યા છે.