ઉગતા સૂરજનો રંગ, સૌભાગ્યના સિંદૂરનો રંગ, ઉમંગ અને ઉત્સાહના ગુલાલનો રંગ, જાસુદનો કેસૂડાંનો રંગ, ગુલમહોરનો રંગ પ્રેમ અને નફરતનો રંગ આ બધા રંગોથી ચડિયાતો રંગ છે રક્તનો રાતો રંગ જંગમાં, ઉમંગમાં આદમના અંગોઅંગમાં વહે છે રાતો રંગ, આ રંગ છે તો સાથ છે, સહકાર છે, સંગ છે માટે આજે જ આપો, હમણાં જ આપો, લોહી આપો રક્તદાન કરો, રક્તદાનને મહાદાન કહેવાયું છે કારણ કે એક રક્તદાનથી ત્રણ વ્યક્તિના જીવન બચાવી શકો છો.
વિશ્વના સમગ્ર જીવનની એકતાનું પ્રતિક માનવરક્ત છે: માનવરક્તની સારવાર દ્વારા કરોડો લોકોને મૃત્યુના મુખમાંથી ઉગારી લીધા છે: રક્ત એ જ જીવન છે, અને આ જીવન સરીતાને વહેતી રાખવા સ્વૈચ્છીક રક્તદાન જ મહાદાન છે
આજે વિશ્ર્વ રક્તદાન દિવસ છે, આજનો દિવસ ‘ઇટાલી’ દેશના યજમાન પદે આજે સમગ્ર વિશ્વમાં ઉજવાય રહ્યો છે. દર વર્ષે ઉજવણીમાં અલગ-અલગ યજમાન દેશો હોય છે. આ દિવસે સમગ્ર વિશ્ર્વને અકે સ્લોગન ‘થીમ’ પણ અપાય છે. આ વર્ષનું સ્લોગન “લોહી આપો અને વિશ્વને ધબકતું રાખો” છે. આ દિવસ સંકલનનો દિવસ છે, કોઇકના જીવન બચાવ માટેના યોગદાન આપવાનો દિવસ છે. રક્તદાતાની અમૂલ્ય મહામૂલી સેવાને બિરદાવવાનો દિવસ છે. એક માનવીની લોહીની જરૂરિયાત બીજો માનવી જ પૂરી પાડી શકે છે.
પવર્તમાન કોરોના મહામારીના પગલે તથા ઉનાળાની ગરમી બંને ભેગા થતાં બ્લડ બેંકમાં લોહીની તીવ્ર અછત ઉભી થઇ હતી. ગુજરાતનાં યુવાધનને તથા કોરોનામાંથી સાજા થયેલાએ પ્લાઝમાં ડોનેટ, કરીને સેવાયજ્ઞમાં માનવ બચાવમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપીને ઉમદા કાર્ય છે તે તમામ રક્તદાતાઓનો આજે દિલથી આભાર માનવો જરૂરી છે. રક્તદાન કરનાર કોઇકના બુઝાતા દિપકમાં દિવેલ પૂરીને તેને ફરી પ્રજ્વલીત કરે છે.
લોહી એક જીવંત પ્રવાહી છે. વિજ્ઞાનને માનવરક્તને નાપ્યુ છે ત્યારે કોમ્પોનેટ સિસ્ટમને કારણે એક હોલ બ્લડમાંથી જુદા-જુદા ધટકો છુટ્ટા પાડીને જરૂરીયાતમંદને અપાતા તેની રીક્વરી ફાસ્ટ થઇને ઝડપથી સાજો થઇ જાય છે. આધુનિક તબીબી સારવારમાં મુરઝાતી જીંદગીને ફરી ધબકતી કરવામાં માનવરક્તે કમાલ કરી છે. પ્રત્યેક વ્યક્તિએ નિયમિત સ્વૈચ્છિક રક્તદાન કરીને તબીબી સારવારમાં માનવરક્તની વપરાતી ખોટ પુરી કરી શકે છે. રક્તએ જીવન છે અને જીવન સરીતાને વહેતી રાખવા નિયમિત સ્વૈચ્છિક રક્તદાન કરવું આજના યુગનું શ્રેષ્ઠ કાર્ય સાથે ફરજ પણ છે કારણ કે આજે કોઇકને કાલે આપણને જ્યારે લોહીની જરૂર પડે ત્યારે રક્તદાતાએ આપેલ રક્ત જ માનવ જીંદગી બચાવી શકે છે. અનાદિકાળથી આપણે લોહીને મંત્રમુગ્ધ બનીને જોઇએ છીએ, અજ્ઞાન-ગુફાવાસી કે આદિમાનવ પણ એટલું તો સમજી ગયો હતો કે જીવન બચાવવા લોહી બચાવવું જરૂરી છે.
આજે વિશ્ર્વરક્તદાતા દિવસે એક માનવી કે રક્તદાતાએ જાણવું જરૂરી છે કે સૃષ્ટિમાં દરેક જીવતી વ્યક્તિમાં રક્તરૂપી જીવન સરીતા અખંડ વહે છે. હ્રદ્ય દ્વારા સંચાલિત રક્ત માનવ શરીરમાં ફરે છે, શરીરનો કચરો સાફ કરે છે અને શરીરના કરોડો કોષો જેનું જીવન પ્રાણવાયુ ઉપર આધારીત છે તેને પૂરતા પ્રમાણમાં પ્રાણવાયુ પહોંચાડે છે. આપણામાંથી ઘણા બધામાં પણ આ જીવન સરીતા માનવતાવાદી બળથી વહે છે. સ્વૈચ્છિક રક્તદાતાઓના શરીરમાંથી આ રક્ત જીવન ઝરણું જરૂરીયાતમંદ દર્દીના ઓલવાતા જીવન દિપકને ફરી પ્રજ્વલિત કરે છે.
રક્તના મુખ્ય ચાર વિભાગોમાં પ્લાઝમાં (રૂધીરરસ) રક્તકણ-શ્ર્વેતકણ અને ત્રાકકણ હોય છે. જેમાં પ્લાઝમાં સિવાયના ત્રણેયને ચોક્કસ આકાર હોવાને કારણે “ફોર્મ્ડ એલીમેન્ટ્સ” કહેવામાં આવે છે. લોહીના રક્ત અને શ્ર્વેતકણને ‘કોર્પકલ્સ’ તરીકે ઓળખાય છે. શરીરનું આ લાલ પ્રવાહી શરીરમાં ઘણા બધા કાર્યો કરે છે, અને શરીરનો કોઇપણ ભાગ તેના સિવાય જીવંત રહી શકતો નથી. શરીરનાં અવયવોના સંચાલન માટે જે પોષણ અને પ્રાણવાયુની જરૂરી પડે છે તે તત્વો રક્ત-કોષિકાઓ દ્વારા પુરા પાડે છે. આ ઉપરાંત શરીરના બિનઉપયોગી કચરાને રક્ત ખાસ અવયવો મારફત બહાર ફેંકવામાં મદદરૂપ બને છે. શરીરમાં પ્રવેશતા જીવાણુંનો પણ રક્ત પ્રતિકાર કરે છે.
વિશ્ર્વ આરોગ્ય સંસ્થા દ્વારા દર વર્ષે 14મી જૂને વિશ્ર્વ રક્તદાતા દિવસ ઉજવણી કરાય છે. આ દિવસ કાર્લ લેન્ડ સ્ટેઇનરના જન્મ દિવસ પર ઉજવાય છે, જેમને 1930માં નોબેલ પારિતોષિક મળેલ હતું. 2004થી આ દિવસની ઉજવણી શરૂ કરવાનો મુખ્ય ઉદ્ેશ સુરક્ષિત રક્તદાન કર્યા બાદ ફરી ત્રણ મહિને રક્તદાન કરી શકાય છે. રક્તદાન કરેલ લોહીનો જથ્થો માત્ર 48 કલાકમાં શરીર નિર્માણ કરી લે છે. લોહી અને લોહીના ઉત્પાદનનું પરિવર્તન દર વર્ષે લાખો લોકોનું જીવન બચાવવામાં મદદ કરે છે.
સલામત લોહી અને રક્તપેદાશોએ જાહેર આરોગ્યનું એક મહત્વપૂર્ણ પાસું છે. તે દરરોજ ઘણા દર્દીઓના આરોગ્ય અને જીવનની ગુણવત્તામાં સુધારો કરે છે. વિકાસશીલ દેશોમાં લોહીની તીવ્ર તંગી હોય છે. દરેક દેશને નિયમિત અને સ્વૈચ્છિક રક્તદાતાની જરૂર હોય છે. કોવિડ-19 રોગચાળા દરમ્યાન મર્યાદિત ગતીશિલતા અને અન્ય પડકારો હોવા છતાં ભારત જેવા ઘણા દેશોમાં રક્તદાતાના રક્તસ્ત્રાવથી જરૂરીયાતમંદ દર્દીને રક્ત અને પ્લાઝમાં ડોનેટ કર્યું હતું જેને કરોડો સલામ આજના દિવસે આ વર્ષની ઝુંબેશમાં ખાસ યુવાવર્ગ રક્તદાન કરે અને તેના જેવા બીજા યુવાનો રક્તદાનની પ્રેરણા આપીને વિશાળ ગૃપો બનાવે તે જરૂરી છે.
આજના વિશ્ર્વ રક્તદાતા દિવસના મુખ્ય ઉદેશોમાં વિશ્ર્વના રક્તદાતાનો આભાર સાથે રક્તદાન જાગૃતિના હેતુ સાથે વિવિધ સમુદાય એકતા અને સામાજીક એકતા વધારવા રક્તદાનના સમુદાય મૂલ્યોને પ્રોત્સાહન આપવું જરૂરી છે. યુવાનોએ રક્તદાન કરવા માટેના માનવતા વાદી પગલાંઓને સ્વીકારીને બીજાને પ્રેરણા આપવી. આરોગ્યને પ્રોત્સાહન આપવા માટે ભાગીદારો તરીકે યુવાનોની સંભાવનાની ઉજવણીનો દિવસ છે. લોહી આપવુંએ જીવન બચાવવાનું કાર્ય છે. સલામત રક્ત અને રક્ત ઉત્પાદનો પ્રદાન કરતી દરેક આરોગ્ય સેવાને રક્તદાતા આવશ્યક સિસ્ટમ કે તત્વ છે.
4 કિલો વજનવાળા શિશુના શરીરમાં ફક્ત 300 મિલી લીટર રક્ત હોય!!
પ્રત્યેક વ્યક્તિના કદ અને સ્થિતિ-સંજોગોના આધારે પ્રત્યેક મનુષ્યમાં રક્તનો જથ્થો રહેલો હોય છે. 73 કિલોગ્રામ વજન ધરાવતી વ્યક્તિમાં 4.7 લીટર રક્ત હોય છે. જ્યારે 36 કિલો વજન ધરાવતી વ્યક્તિમાં આથી લગભગ અર્ધો જથ્થો રક્તનો હોય છે, જ્યારે 4 કિલોગ્રામના નાના શિશુના શરીરમાં માત્ર 300 મિલી લીટર રક્ત હોય છે. ઉચ્ચ પ્રદેશમાં રહેતા મનુષ્યોમાં મેદાન વિસ્તારમાં રહેતા લોકો કરતાં 1.9 લીટર રક્ત વધુ હોય છે. જેથી શારીરીક જરૂરીયાત પ્રમાણે હિમોગ્લોબીન તત્વને કારણે લાલ દેખાય છે. શરીરની રક્તવાહિનીઓના શરીરના વજનનો સાત ટકા ભાગ લોહીનો હોય છે. લોહીમાં રહેલા રક્તકણો 120 દિવસ જીવે છે, નાશ પામીને નવા બને છે આમ લગભગ સાત દિવસમાં તમામ રક્તકણો બદલાય જાય છે.