રાષ્ટ્રપિતા અને સ્વચ્છતાના અગ્રણી એવા પૂ.મહાત્મા ગાંધીની જન્મ જયંતિ પૂર્વ આવતીકાલે ગુજરાત સહિત દેશમાં સ્વચ્છતા માટે એક કલાકનું શ્રમદાન કાર્યક્રમ યોજાશે. જેમાં સફાઇ અભિયાન હાથ ધરી પૂ.બાપુને સ્વચ્છાજંલિ અર્પણ કરવામાં આવશે. સોમવારે ગાંધી જયંતિ નિમિતે પૂ.બાપુના જન્મ સ્થળ પોરબંદર સહિત સમગ્ર દેશમાં સર્વધર્મ પ્રાર્થના સભા સહિતના કાર્યક્રમો યોજાશે.
ગાંધી જયંતિના એક દિવસ પૂર્વ કાલે સવારે 10 કલાકે યોજાશે સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ: પૂ.બાપૂને અર્પણ કરાશે સ્વચ્છાજંલિ
કેન્દ્રમાં વડાપ્રધાન પદે સત્તારૂઢ થયા બાદ નરેન્દ્રભાઇ મોદી દ્વારા સ્વચ્છતા અભિયાનનો આરંભ કરવામાં આવ્યો હતો. જેને દેશવાસીઓ હોંશભેર વધાવી લીધું હતું. આગામી સોમવારે બીજી ઓક્ટોબર અર્થાત ગાંધી જયંતિ છે. આ પવિત્ર દિવસ પૂર્વ કાલે કેન્દ્ર તથા રાજ્ય સરકાર સ્વચ્છતા માટે એક કલાકનું શ્રમદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તમામ શહેરો અને ગામોમાં રાજકીય આગેવાનો, સાંસદ, ધારાસભ્ય, સેવાકીય અને સામાજીક સંસ્થાના આગેવાનો સફાઇ અભિયાન હાથ ધરશે. રાજકોટમાં પણ કોર્પોરેશન દ્વારા અલગ-અલગ 35 સ્થળોએ શ્રમદાનનું આયોજન કરવામાં આવ્યું છે.