- એન્ટ્રી ફી ઉપરાંત અલગ-અલગ રાઇડ્સનો ચાર્જ ટૂંકમાં નક્કી કરાશે: 1લી મેથી અટલ સરોવર લોકો માટે ખૂલ્લું મુકી દેવાશે
રાજકોટ શહેરના સ્માર્ટ સિટી એવા રૈયા વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા 136 કરોડના ખર્ચે અટલ સરોવરનું નિર્માણ કરવામાં આવ્યું છે. ગત 7મી માર્ચના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારા ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રેસકોર્ષની માફક અટલ સરોવર ખાતે મફ્તમાં વિહાર કરી શકાશે નહી. ફરવા જવા માટે પણ કાવડીયા ચુકવા પડશે. ટૂંક સમયમાં એન્ટ્રી ફી ઉપરાંત અલગ-અલગ રાઇડ્સના ચાર્જ નક્કી કરવામાં આવશે.
આ અંગે વધુ માહિતી આપતા મ્યુનિ.કમિશનર આનંદ પટેલે જણાવ્યું હતું કે અટલ સરોવરના ટેન્ડરની શરતમાં જ એન્ટ્રી ફી રાખવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અટલ સરોવર રાજકોટવાસીઓ માટે એક સર્વશ્રેષ્ઠ નજરાણું બની જશે. ગત સાતમી માર્ચના રોજ મુખ્યમંત્રીના હસ્તે તેનું ઇ-લોકાર્પણ કરી દેવામાં આવ્યું છે. હજુ થોડુંક કામ બાકી હોય અને રાઇડ્સ આવવાની બાકી હોવાના કારણે હાલ લોકો માટે અટલ સરોવર ખુલ્લું મુકવામાં આવ્યું નથી. ગુજરાત રાજ્યના સ્થાપના દિને અર્થાત્ 1લી મેના રોજ અટલ સરોવરને શહેરીજનો માટે ખુલ્લું મૂકી દેવામાં આવશે. અહીં પ્રવેશ ફી પણ રાખવામાં આવશે. આ ઉપરાંત અલગ-અલગ રાઇડ્સના અલગ-અલગ ભાવ રહેશે. ટૂંક સમયમાં વહિવટી પાંખ અને શાસક પાંખ વચ્ચે સંકલન બેઠક યોજાશે અને ચાર્જિંસ નક્કી કરવામાં આવશે. સપ્તાહમાં એક દિવસ મેઇન્ટેન્સન્સની કામગીરી માટે એક દિવસ અટલ સરોવર બંધ રાખવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે સ્માર્ટ સિટી વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા 136 કરોડના ખર્ચે અટલ સરોવરનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં અલગ-અલગ પ્રકારની રાઇડ્સ મૂકવામાં આવી છે અને તળાવ સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.