ભોજન અથવા પાણીમાં ઝેરી પદાર્થ ભળી જવાથી પોઈઝનિંગ થયાનું તબીબોનું અનુમાન : પાંચની હાલત ગંભીર

સારવારમાં રહેલા અસરગ્રસ્તોની ધારાસભ્ય અર્જુન મોઢવાડીયાએ મુલાકાત લીધી  

પોરબંદર જિલ્લામાંથી ફૂડ પોઈઝનિંગની ઘટના પ્રકાશમાં આવી છે. પોરબંદરના જાવર ગામમાં 15થી 20 જેટલા લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઇ હતી. જેમાં એક યુવકનું મોત નિપજ્યું છે. જ્યારે 4 લોકોની તબિયત ગંભીર છે. અસરગ્રસ્તોને સારવાર માટે સરકારી ભાવસિંહજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બીજી તરફ આ બનાવની જાણ થતા જ પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડીયાએ અસરગ્રસ્તોની મુલાકાત લીધી હતી.

મળતી વિગત મુજબ, પોરબંદરના જાવર ગામે આવેલી કેએફસી ફૂડ નામની ફિશપ્રોસેસિંગ ફેક્ટરીમાં રાત્રિના સમયે મજૂરોએ ભોજન લીધા બાદ અચાનક જ ફૂડ પોઈઝનિંગ થયું હતું. મજૂરોને ઝાડા ઉલટી થવા લાગતા સારવાર માટે સરકારી ભાવસિંહજી હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા. એ પૈકી ૩૨ વર્ષના એક યુવાન કરણ લખન નાગવંશીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય ૧૨ જેટલા મજૂરોને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. તેમાંથી પાંચ જેટલાની હાલત નાજૂક હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત વિગતો મુજબ, મીરા કેશવનીલ પરમાર ઉંમર ૧૭, અંકિતકુમાર માજી ઉંમર વર્ષ ૨૦, અકુલ ઉજુલ ઉંમર.૨૫, મનીષકુમાર અજય કુમાર ઉંમર વર્ષ ૧૮, વૈજન્તીદેવી શુકનસિંહ ઉંમર વર્ષ ૨૦, કૃષ્ણ જગદીશ ઉંમર૪૦, યંતિ લલિત કિરકેટ ઉંમર ૩૪ સહિતના મજૂરોને સારવાર માટે હોસ્પિટલે લેવાતા સઘન સારવાર આપવામાં આવી રહી છે.

બનાવની જાણ થતા પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા પણ તાત્કાલિક સરકારી ભાવસિંહજી હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા અને મજૂરોના ખબર અંતર પૂછ્યા હતા તથા ભોગ બનનારા લોકો માટે પૂરતી વ્યવસ્થા ગોઠવવા સૂચના આપી હતી. ડોક્ટરો સાથેની વાતચીતમાં એવું જાણવા મળ્યું છે કે ભોજન સાથે અથવા તો પાણી સાથે એવી કોઈ ઝેરી ચીજ વસ્તુ ભળી ગઈ હોય જેના કારણે ફૂડ પોઇઝનિગ થયું છે અને મજૂરોને ઝાડા ઉલટી થવા લાગ્યા હતા. ડોક્ટરો સાથેની વાતચીતમાં એવું પણ જાણવા મળ્યું હતું કે તેમને ફૂડ પોઈઝનિંગ કયા કારણોસર થયું તેની સાચી માહિતી બહાર લાવવા માટે તેમના ઝાડા ઉલટીના સેમ્પલ લેવામાં આવશે અને તેના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.