શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન
ભચાઉ ચીરઈ નજીક રાત્રિના સમયે એસી ક્ધટેઈનર ટ્રેનમાં શોર્ટસર્કિટના કારણે ભીષણ આગ લાગી હતી . જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું જાણવા મળ્યું હતું આ ઘટના અંગે રેલવે વિભાગે તપાસ શરૂ કરી છે.
આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ યુપીના દાદરીથી મુન્દ્રા તરફ એસી ક્ધટેઈનર ટ્રેન આવી રહી હતી. જેમાં રાત્રે ચીરઈ રેલવે સ્ટેશનથી થોડેક દૂર ડબ્બામાં આગ લાગી હતી. એસ્કોર્ટિંગ સ્ટાફ રિફર ક્ધટેઈનરમાં શોર્ટસર્કિટના કારણે આગ લાગતા ઉત્તર પ્રદેશના રહેવાસી એવા પ્રશાંતકુમાર શર્મા અને નિધિશકુમાર શર્મા દાઝી જતા તેઓને પ્રથમ રેલ્વે સ્ટેશનની હોસ્પિટલમાં સારવાર આપ્યા બાદ ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. જનરેટર કોચમાં ચાર એટેન્ડન્ટ હતા જે દરમિયાન અચાનક આગ ભભૂકી હતી. કનકોર કોર્પોરેશન નામની કંપનીમાં આ યુવાનો કોન્ટ્રાક્ટ બેઝથી કામ કરતા હતા. તાપમાનને નિયંત્રીત કરતા જનરેટર ક્ધટેઈનરમાં શોર્ટસર્કિટથી ફેલાયેલી આગને જોતજોતામાં વિકરાળ રૂપ ધારણ કરી લેતા ફાયરના જવાનો સ્થળ પર દોડી ગયા હતા અને આગને કાબૂમાં લેવા પગલાં ભરાયા હતા. આ બનાવ અંગે રેલવેના એઆરએમ આદિશ પઠાણિયાનો સંપર્ક સાંધતા તેઓએ જણાવ્યું કે, ગત રાત્રે ચિરઈ પાસે માલગાડીમાં આગનો બનાવ બન્યો હતો. પાવર બેંકમાં શોર્ટસર્કિટ થવાથી આ ઘટના બની હતી. જેમાં દાઝી ગયેલા બે યુવાનો પૈકી આજે સવારે હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધિશનું મોત થયું હોવાનું જણાવ્યું હતું. તેઓ કોન્ટ્રાક્ટ બેઝના કર્મચારી હતા. આ ગંભીર ઘટના અંગે રેલવે વિભાગ દ્વારા સુપરવાઈઝરની આગેવાનીમાં તપાસ શરૂ કરવામાં આવી છે