માણાવદર પંથકની મંડળી મારફતે રૂા.5.37 કરોડની ઉચાપતમાં 14 સામે ગુનો નોંધાયો‘તો
ચાર શખ્સો છ દિવસના રિમાન્ડ પર: એલ.સી.બી.એ કાર અને દુકાનના દસ્તાવેજ કબ્જે કર્યા
જુનાગઢ જિલ્લા સહકારી બેંક સાથે 5.37 કરોડની ઉચાપત મામલે જુનાગઢ જિલ્લા બેન્કના 1 ડેપ્યુટી મેનેજર, અને 3 બ્રાન્ચ મેનેજરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તથા જિલ્લા બેંકના સીઓને ફરજિયાત રજા પર ઉતારી દેવામાં આવતા સહકારી ક્ષેત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આ સાથે જુનાગઢ એલસીબી એ ધરપકડ કરેલા વધુ 4 આરોપીઓના કોર્ટે 6 દિવસના રિમાન્ડ મંજૂર કરતા પોલીસે ચારેય આરોપીઓની પૂછપરછ અને તપાસ આદરી છે.
‘અબતક’ દ્વારા જુનાગઢ જિલ્લા સહકારી બેંક સામે રૂ. 5.37 કરોડની ઉચાપતનો મામલો સામે આવતા કોઠારીયાનો રેલો જિલ્લા સહકારી બેન્ક સુધી પહોંચશે તેવું ઇન્વેસ્ટિગેશનના રિપોર્ટ બાદ જણાવ્યું હતું. તે અક્ષરસહ સાચું પડ્યું છે. જુનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન કિરીટ પટેલના જણાવ્યા મુજબ, કોઠારીયા સહકારી મંડળીમાં જે ઉચાપત થઈ છે, તે સહકારી મંડળીનું પાંચ વર્ષ દરમિયાન જે જે અધિકારીઓએ ઇન્સ્પેક્શન કર્યું હતુ તેવા કુતિયાણા બ્રાન્ચ મેનેજર ડી.એન. શાંતા, માણાવદર બ્રાન્ચ મેનેજર એલ.કે. વીંછી અને વિસાવદર બ્રાન્ચ મેનેજર એમ.એચ. મુલતાનીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સાથે જિલ્લા બેંકની હેડ ઓફિસના લોન વિભાગના ડેપ્યુટી મેનેજર નિખીલ વૈષ્ણવને પણ સસ્પેન્ડ કરાયા છે. તેની સાથે જિલ્લા બેંકના હેડ ઓફિસના સીઈઓ મેનેજર કિશોર એચ. ભટ્ટને ફરજિયાત રજા ઉપર ઉતરી જવા માટે આદેશ કરવામાં આવ્યો છે.
માણાવદર તાલુકાની કોઠારીયા સહકારી મંડળી દ્વારા રૂ. 5.37 કરોડની ઉચાપત મામલો સામે આવ્યા બાદ પોલીસમાં 14 આરોપીઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. અને તેની તપાસ હાલમાં જુનાગઢ એલસીબી દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે પ્રથમ આ ઉચાપતના મુખ્ય ભેજાબાજ અને મુખ્ય સૂત્રધાર એવા હાર્દિક જલુની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને તેમના 6 દિવસના રિમાન્ડ કોર્ટ દ્વારા મંજૂર થતા તેમની તપાસ ચાલી રહી હતી. તે દરમિયાન ગુરુવારે જુનાગઢ એલસીબી એ જગદીશ કરસનભાઈ જલુ, કાના વીરાભાઇ જલુ, કરસન અરશીભાઈ પાનેરા અને જયુ જયંતીભાઈ રાકશીયાની ધરપકડ કરી ગઈકાલે જુનાગઢ કોર્ટમાં રિમાન્ડની માંગણી સાથે રજૂ કરતા કોર્ટે ચારેય આરોપીના 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
દરમિયાન આ ઉચાપત કેસની તપાસ કરી રહેલા જુનાગઢ એલસીબી. પીએસઆઇ. જે. જે. ગઢવીના જણાવ્યા અનુસાર, રિમાન્ડ પર રહેલ મુખ્ય સૂત્રધાર હાર્દિક જલુના નાણાકીય વ્યવહારો તપાસતા તેમણે જુનાગઢ મધુરમ વિસ્તારમાં 7 લાખની એક દુકાન અને 1 કાર ખરીદી હતી. જે બંને મિલકતના દસ્તાવેજો, કાગળો, અને કાર પોલીસ દ્વારા કબજે કરવામાં આવી છે. તથા અન્ય જે ચાર આરોપીઓ પકડાયા છે તેમની પણ ઊંડાણપૂર્વકની તપાસ અને પૂછપરછ ચાલી રહી છે.જુનાગઢ જિલ્લા સહકારી બેંક સાથે કોઠારીયા સહકારી મંડળીના રૂ. 5.37 કરોડની ઉચાપત મામલે પોલીસ દ્વારા શરૂ કરવામાં આવેલ ધરપકડનો દોર અને મેળવાઈ રહેલા કોર્ટમાંથી રિમાન્ડ તે સાથે જુનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન કિરીટ પટેલ દ્વારા સહકારી બેંકના 1 ડેપ્યુટી મેનેજર તથા 3 બ્રાન્ચ મેનેજરને સસ્પેન્ડ કરવાની સાથે જિલ્લા બેંકના સીઈઓ.ને ફરજિયાત રજા પર ઉતારી દેવાના આદેશ કરતા, સહકારી ક્ષેત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.