મેયર ડો પ્રદીપ ડવ, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી સહિતના મહાનુભાવો રહ્યા ઉપસ્થિત: વરસતો વરસાદ છતાં, ખેલૈયાઓએ રાસ ગરબાની રમઝટ બોલાવી
રંગીલુ રાજકોટ બધા જ તહેવારો ધૂમધામ થી ઉજવવા માટે પ્રખ્યાત છે ત્યારે રાજકોટમાં પ્રજાપતિ સમાજ દ્વારા અમીન માર્ગ પર આવેલા લીઓ લાયન્સના મેદાનમાં વેલકમ નવરાત્રી 2022 નું આયોજન કરવામાં આવ્યું હતું. નવરાત્રિના આગમનની સાથે ફરીથી મેઘરાજાનું આગમન પણ થયુ હતું છતાં પણ ખેલૈયાઓનો જુસ્સો સહેજ પણ ઓછો થયો ન હતો અને ખેલૈયાઓએ ખૂબ જ ઉત્સાહભેર રાસ ગરબામાં ભાગ લીધો હતો.
પ્રજાપતિ સમાજ દ્વારા યોજાયેલા વેલકમ નવરાત્રીમાં નો મુખ્ય હેતુ સમાજના જ્ઞાતિબંધુઓને એક તાંતણે બાંધીને ઉત્સવો અને તહેવારો સાથે રહીને મનાવવાનો છે. જેમાં પણ થયેલા નફાનો ભાગ જ્ઞાતિના સેવાકીય કાર્યોમાં વાપરવામાં આવે છે. આ નવરાત્રીના એક દિવસીય કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રજાપતિ સમાજના આગેવાનો તથા મેયર ડોક્ટર પ્રદીપ ડવ અને શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ વિરાણી વગેરે મહેમાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.
જ્ઞાતિબંધુઓને એક તાંતણે બાંધી સેવાકીય કાર્યોના હેતુથી યોજીએ છીએ રાસોત્સવ: રાકેશ સવાનિયા
પ્રજાપતિ સમાજના અગ્રણી રાકેશ સવનિયાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે , સમાજનાં સેવાકીય પ્રવૃતિઓના હેતુથી પ્રજાપતિ સમાજના વેલકમ નવરાત્રિનું આયોજન સમાજના અગ્રણીઓ તથા કાર્યકરોના સહકારથી ત્રણ વર્ષથી સફળ થતું આવ્યું છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે જેમ 2019માં યોજાયેલી નવરાત્રીના નફાનો
ફાળો યુવા મંડળના મેડિકલ સેવા પાછળ ખર્ચાયો હતો એ જ રીતે આ વર્ષે રાસ્તોત્સવના ફાળાનું ભંડોળ સમાજની જ્ઞાતિ સંચાલિત કુમાર છાત્રાલય માં રહેતા વિદ્યાર્થીઓના ભોજન માટે માટે ખર્ચવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે પ્રજાપતિ સમાજનું આમંત્રણ કોરોના કાળ સમયે પણ લોકોની સેવા માટે અવિરત કાર્યરત હતું અને હજુ પણ આગામી દિવસોમાં આવા સેવાકીય કાર્યો માટે સતત પ્રયત્નશીલ રહેશે.આ સાથે તેમણે આમંત્રિત મહેમાનો ડોક્ટર પ્રદીપ તથા કમલેશ વિરાણી તેમજ કાર્યક્રમને સફળ બનાવવા માટે જેમણે જાહેરાત સ્વરૂપે ફાળો આપ્યો છે તથા સમાજના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ કે જેમણે રાતેત્સવમાં પોતાનું યોગદાન તથા સમય ફાળવ્યો છે તેમનો આભાર વ્યક્ત કર્યો હતો આ સાથે તેમણે મીડિયાનો પણ આભાર પ્રગટ કર્યો હતો.