વોર્ડ નં.૧,૨ અને ૪ થી ઝુંબેશ શરૂ કરાશે: સ્ટે.ચેરમેન ઉદય કાનગડ
શહેરમાં સતત વાદળછાયા વાતાવરણના કારણે રોગચાળાએ માથુ ઉંચકયું છે ત્યારે આગામી ૧૭મી સપ્ટેમ્બરથી ફરી કોર્પોરેશન દ્વારા વન-ડે થ્રી વોર્ડ સ્વચ્છતા તથા આરોગ્ય ઝુંબેશ શરૂ કરવામાં આવશે તેમ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડ અને ડે.મેયર અશ્વીનભાઈ મોલીયાએ જણાવ્યું હતું.
તેઓએ ઉમેર્યું હતું કે, હાલમાં ચોમાસું વિદાય લેવાની તૈયારીમાં છે અને સાતમ-આઠમના તહેવારો પૂર્ણ થયા છે ત્યારે શહેરમાં ફરી આરોગ્ય અને સફાઈ લક્ષી જાગૃતતા માટે તમામ વોર્ડમાં ઝુંબેશ હાથ ધરવી જરૂરી છે. આગામી ૧૭મીથી વન-ડે, થ્રી વોર્ડ અભિયાન અંતર્ગત સ્વચ્છતા અને આરોગ્યલક્ષી ઝુંબેશ શરૂ કરવામાં આવશે.
વોર્ડ નં.૧,૨ અને ૪માં આ ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવશે. જેમાં રહેણાંક વિસ્તારોમાં ઘનિષ્ઠ સફાઈ કરાશે. મેલેથોન અને ટાઈમ પાવડરનો ઝટકાવ કરાશે. કચરાના ન્યુસન્સ પોઈન્ટ પર જરૂરીયાત પ્રમાણે ટીપરવાન, ટ્રેકટર અને ડમ્પર દ્વારા કચરાનો નિકાલ કરવામાં આવશે. વોકળામાં જરૂરીયાત મુજબ જેસીબી દ્વારા સફાઈ કરાશે.
આ ઉપરાંત આરોગ્ય શાખાની ટીમો દ્વારા અલગ-અલગ વિસ્તારોમાં પોરાભક્ષક કામગીરી, ઘેર-ઘેર જઈ પાણીના ટાંકામાં દવા નાખવાની કામગીરી, ખુલ્લા રહેતા પાણીના ટાંકામાં પોરાભક્ષક ગપી માછલી નાખવાની અને ફોગીંગની કામગીરી કરવામાં આવશે.લોકોમાં સ્વયંભુ જાગૃતિ આવે તે માટે સફાઈ અને આરોગ્યલક્ષી માહિતી આપતી પુસ્તિકાનું પણ વિતરણ કરાશે.