ઈમરજન્સી સિવાય તમામ સેવાઓ ઠપ્પ: ૩ લાખથી વધુ દર્દીઓ સારવારથી વંચિત
૨ હજાર તબીબો વિરોધ પ્રદર્શનમાં જોડાયા: કલેકટરને આવેદનપત્ર અપાયું
દેશભરમાં ૩.૫૦ લાખ જેટલા પેરામેડિકલ ફાર્માસિસ્ટ અને નર્સીંગ સ્ટાફનાં તેવી વ્યકિતઓને પણ એનએમસી (નેશનલ મેડિકલ કમિશન) બીલમાં તબીબીની પ્રેકટીસ કરવાની પરમિશન મળી જતા દેશભરનાં આઈએમએ (ઈન્ડિયન મેડિકલ એસોસિએશન) દ્વારા એનએમસી બીલ વિરુઘ્ધ પ્રદર્શન કરી ૨૪ કલાક માટે ઈમરજન્સી સિવાય તમામ મેડિકલ સુવિધા બંધ રાખી હડતાલનું એલાન કર્યું હતું. જેનાં પગલે ૩૧મી જુલાઈ સવારે ૬ વાગ્યાથી ૧લી ઓગસ્ટ સુધી બંધનું એલાન કરવામાં આવ્યું છે. જેનાં ભાગરૂપે ગુજરાત અને સૌરાષ્ટ્રભરમાં પણ તબીબો મેડિકલ સુવિધાઓ બંધ રાખી રાજકોટમાં કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવશે. હડતાલમાં સરકારી મેડિકલ સેવાઓને કોઈ રોક-ટોક રાખવામાં આવશે નહીં.
તા.૨૯મી જુલાઈનાં છેલ્લા ત્રણ વર્ષથી લોકસભામાં ચાલી રહેલા એનએમસી બિલને મંજુરી મળી જતા દેશભરનાં આઈએમએ તબીબો હડતાલ પર ઉતરી રહ્યા છે. છેલ્લા ત્રણ વર્ષથી એનએમસી બિલ વિરુઘ્ધ પ્રદર્શન કરી રહ્યા હતા ત્યારે એનએમસી બિલને મંજુરી મળતા દેશભરનાં તબીબોમાં વિરોધાભાસની ભાવનાઓ દેખાઈ રહી છે. સાથો-સાથ આઈએમએ દિલ્હી હેડ કવાર્ટરથી પ્રાપ્ત સુચના મુજબ ગુજરાત અને સૌરાષ્ટ્રભરમાં ખાનગી હોસ્પિટલો અને તેમનાં તબીબોએ મેડિકલ સેવાઓ બંધ રાખી વિરોધ પ્રદર્શનમાં સાથ નિભાવ્યો છે.
ઈન્ડિયન મેડિકલ એસોસીએશન (આઈએમએ) દિલ્હી હેડ કવાર્ટર નેશનલ પ્રેસિડેન્ટ ડો.સાંતનુ સેન અને સેક્રેટરી જનરલ ડો.આર.વી.અશોકનના સુચના મુજબ ૨૯મી જુલાઈમાં લોકસભામાં નેશનલ કમિશન બિલની મંજુરી મળતા દેશભરમાં તબીબો દ્વારા એક દિવસીય હડતાલ વિરોધ પ્રદર્શન દર્શાવવામાં આવી રહ્યો છે. જેના ભાગરૂપે સૌરાષ્ટ્રભરમાં અને રાજકોટમાં એમ.ડી.ફીઝીશીયન જેવા તબીબોએ મેડિકલ સેવાઓ ઠપ્પ રાખી વિરોધ પ્રદર્શનમાં જોડાયા છે. આ સાથે રાજકોટ ખાતે વિરોધ પ્રદર્શનનાં ભાગરૂપે કલેકટર કચેરી ખાતે કલેકટરને એનએમસી બિલ વિરુઘ્ધ આવેદનપત્ર પણ પાઠવવામાં આવશે. એન.એમ.સી. બિલ વિરુઘ્ધ પ્રદર્શનમાં રાજકોટ શહેરનાં ૨૦૦૦ જેટલા તબીબો મેડિકલ સેવાઓ ઠપ્પ કરતા ૩ લાખ જેટલા દર્દીઓ સારવારથી વંચિત રહેશે.
ઈન્ડિયન મેડિકલ એસોસીએશન ગુજરાત બ્રાંચનાં સેક્રેટરી કમલેશ સૈનીએ જણાવ્યું હતું કે, એસોસીએશન સાથે સંકળાયેલા તમામ તબીબો બુધવારનાં રોજ સવારે છ વાગ્યાથી ગુરુવાર સવારે ૬ વાગ્યા સુધી તબીબી કામકાજથી અળગા રહેશે. હડતાલની સાથે ઠેર-ઠેર તબીબો દેખાવો પોજેરો અને બિલની હોળી કરી વિરોધ પ્રદર્શન દર્શાવશે. ગુજરાત સહિત સૌરાષ્ટ્રભરનાં તબીબો પણ એનએમસી બિલનાં વિરોધમાં જોડાશે. નેશનલ મેડિકલ કમિશન બિલ પાસ થવાથી તબીબી શિક્ષણ અંધકારમય બને તેવી દહેશત છે. બિલની જોગવાઈઓ વિવાદાસ્પદ છે અને તબીબ ક્ષેત્રે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ વિરોધ પ્રદર્શનમાં ભાગ બનવા અપીલ કરવામાં આવી છે. રાજયભરમાં ૨૮ હજાર તબીબો એનએમસી બિલ વિરોધ પ્રદર્શનમાં જોડાશે. જયારે રાજકોટ શહેરમાં ૨ હજાર તબીબો વિરોધ પ્રદર્શન કરી કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવશે.
તબીબોનાં જણાવ્યા મુજબ નેશનલ મેડિકલ કમિશન બિલ એટલે કે એનએમસી બિલમાં સેકશન ૩૨ની જોગવાઈ વિવાદાસ્પદ છે. જેનાં કારણે ૩.૫૦ લાખ લોકો જે નોન મેડિકલ બેક ગ્રાઉન્ડ કવોલિફાઈડ છે. જેઓને સીધી અદ્યતન મેડીસીન પ્રેકટીસ કરવાનો પરવાનો મળશે. બિલનાં સુધારા મુજબ હોમિયોપેથીક અને આયુર્વેદિક અભ્યાસ કરનાર તબીબો પણ બ્રિજ કોર્સ કરીને એલોપેથિક પ્રેકટીસ કરી શકશે જેના કારણે દર્દીઓની સારવાર અને સ્વાસ્થ્ય સાથે ચેડા થવાની દહેશત જણાઈ રહી છે. જયારે મેડિકલ અભ્યાસમાં પણ વિદ્યાર્થીઓને પણ મેડિકલ અભ્યાસ ખર્ચાળ બની શકે તેવા એંધાણ જણાઈ રહ્યા છે ત્યારે એનએમસી બિલ હિતમાં ન હોય જેનાં કારણે એનએમસી બિલ લોકસભામાં પાસ થતા આઈએમએ દ્વારા ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.
એક માસમાં ત્રણ વખત તબીબોએ હડતાલ પાડી: વ્યવસાયથી રહ્યા અળગા
છેલ્લા એક માસમાં તબીબી ક્ષેત્રે અને નર્સીંગ સ્ટાફ દ્વારા અલગ-અલગ મુદાઓ પર ત્રણ વખત આંદોલન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિયેશન દ્વારા પણ સરકાર સમક્ષ સાતમાં પગારપંચ સહિતની માંગણી સાથે આગામી ૧લી ઓગસ્ટનાં હડતાલ કરી વિરોધ પ્રદર્શન જણાવતા આગામી ૨જી ઓગસ્ટનાં ગુજરાત મેડિકલ એસોસિયેશનનાં સભ્યો, આરોગ્ય સેક્રેટરી, નાણાકિય સેક્રેટરી અને સામાન્ય વહિવટી વિભાગનાં સેક્રેટરી સાથે મુલાકાત કરવાનું નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલે જણાવતા ૧લી ઓગસ્ટની મેડિકલ ટીચર્સની હડતાલ મુલતવી રાખવામાં આવી છે. જયારે નર્સીંગ સ્ટાફ દ્વારા પણ સાતમાં પગારપંચની માંગ સાથે ૧લી ઓગસ્ટનાં ગાંધીનગર ખાતે રેલી યોજી વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. જયારે આજરોજ ઈન્ડિયન મેડિકલ એસોસિયેશન દ્વારા એનએમસી બિલનાં વિરુઘ્ધ પ્રદર્શનમાં એક દિવસીય હડતાલ કરવામાં આવી છે.