પ્રોટેમ સ્પીકર તરીકે સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલની વરણી કરાશે
15મી ગુજરાત વિધાનસભાનું આગામી 20મી ડિસેમ્બરના રોજ એક દિવસનું ટુંકુ સત્ર મળશે. જેમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ઉપરાંત અપક્ષ ધારાસભ્યોની શપથવિધી યોજાશે. 19 અને 20 ડિસેમ્બર એમ બે દિવસ ધારાસભ્યો શપથ ગ્રહણ કરશે.
ગુજરાતના 18માં મુખ્યમંત્રી તરીકે ગત સોમવારે ભૂપેન્દ્રભાઇ પટેલે શપથ ગ્રહણ કર્યા હતાં. તેઓની સાથે 16 મંત્રીઓએ પણ શપથ લીધા છે. ગઇકાલથી નવી સરકાર કાર્યરત થઇ ગઇ છે. સીએમ સહિત તમામ મંત્રીઓએ ચાર્જ સંભાળી લીધો છે. દરમિયાન આગામી 20મી ડિસેમ્બરના રોજ 15મી ગુજરાત વિધાનસભાનું પ્રથમ અને એક દિવસનું ટુંકુ સત્ર મળશે. સત્ર પૂર્વ એક દિવસ અગાઉ અર્થાત 19મી ડિસેમ્બરના રોજ તમામ ધારાસભ્યોને શપથ લેવડાવવામાં આવશે. 20મીએ પણ ધારાસભ્યોની શપથવિધી ચાલુ રહેશે.
પ્રથમ સત્રમાં સૌથી સિનિયર ધારાસભ્યની પ્રોટેમ સ્પીકર તરીકે વરણી કરવામાં આવશે. હાલ વડોદરાની માંજલપુર સીટ પરથી ચૂંટણી લડી સતત આઠમી વખત ધારાસભ્ય બનેલા યોગેશભાઇ પટેલ ગૃહમાં સૌથી સિનિયર અને વડિલ ધારાસભ્ય છે. તેઓની પ્રોટેમ સ્પીકર તરીકે વરણી કરવામાં આવશે. કાયમી સ્પીકરની નિમણૂંક માટે પણ એક દિવસીય વિધાનસભા સત્રમાં કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
ગુજરાત વિધાનસભાના નવા સ્પીકર તરીકે હાલ ત્રણ નામો ચર્ચામાં છે. અગાઉ સ્પીકર રહી ચૂકેલા ગણપતભાઇ વસાવા, રમણલાલ વોરા ઉપરાંત શંકરભાઇ ચૌધરીના નામો ચર્ચાય રહ્યાં છે. જેમાં શંકરભાઇનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે. જ્યારે વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે જેઠાભાઇ ભરવાડનું નામ લગભગ ફાઇનલ માનવામાં આવી રહ્યું છે.
20મી ડિસેમ્બરના રોજ એક દિવસીય વિધાનસભાના સત્ર બાદ આગામી જાન્યુઆરી, ફેબ્રુઆરી માસમાં સિધ્ધુ જ બજેટ સત્ર મળે તેવી શક્યતા જણાય રહી છે.