શિખર ધવન ફીટ: પ્રથમ વન-ડેમાં રોહિત સાથે કરશે ઓપનીંગ
ત્રણ મેચની ટી-૨૦ શ્રેણીમાં યજમાન વેસ્ટ ઈન્ડિઝનો વ્હાઇટ વોશ કર્યા બાદ આજથી ટીમ ઈન્ડિયા વેસ્ટ ઈન્ડિઝ ટીમ સામે ત્રણ વન ડે મેચની શ્રેણીનો પ્રારંભ કરશે. વર્લ્ડકપમાં થયેલી ઈજા બાદ શિખર ધવન ઓપનિંગમાં ઉતરશે અને ચાર નંબર પર લોકેશ રાહુલને રમાડવામાં આવે તેવી શક્યતા છે. ભારતીય ટીમ માટે નંબર ૪નું સ્થાન ખુબ જ મહત્વપૂર્ણ છે જે હજુ સુધી ભારતીય ટીમ તેની ખોટ પુરી કરી શકી નથી. ભારત અને વેસ્ટ ઇન્ડિઝની મેચ જોવા માંગતા ક્રિકેટ પ્રેમીઓએ ઉજાગરા કરવાની સ્થિતિ આવશે. વન-ડે મેચ ભારતીય સમય પ્રમાણે સાંજે ૭ કલાકેથી શરુ થશે. જેથી મેચ પુરી થતા-થતા સવારના બે કે ત્રણ વાગી જશે. જેથી આખી મેચ જોવા માંગતા પ્રશંસકોએ રાત્રે ઉજાગરા કરવા પડશે.
૧૩૦ વનડેમાં ૧૭ સદી ફટકારનાર શિખર ધવન રોહિત શર્મા સાથે ઓપનિંગ કરશે. ત્રીજો નંબર વિરાટ કોહલીનો પોતાનો છે. તેવામાં શું ભારત લોકેશ રાહુલને ફરી એક વાર ચોથા ક્રમે રમાડશે? તેણે વર્લ્ડકપની શરૂઆતમાં ચોથા ક્રમે બેટિંગ કરી હતી અને પછી ધવન ઈજાગ્રસ્ત થતા ઓપનરની ભૂમિકા નિભાવી હતી. તેણે પ્રમાણમાં સારો દેખાવ કર્યો હોવાથી તેને ડ્રોપ કરવાનો નિર્ણય અઘરો છે. કેદાર જાધવ પાંચમા અથવા છઠા ક્રમે બેટિંગ કરશે. ટીમ ઋષભ પંતનો ફ્લોટર તરીકે ઉપયોગ કરી શકે છે. તેવામાં મનીષ પાંડે અને શ્રેયસ ઐયરમાંથી કોઈ એકને તક મળી શકે છે. પાંડે ત્રણેય ટી-૨૦ રમ્યો હતો, જયારે ઐયરને તક મળી નથી. પાંડેએ ટી-૨૦માં એટલા પ્રભાવિત ન કર્યા હોવાથી ઐયરને તક મળવાની સંભાવના વધારે છે. એક અઠવાડિયામાં ત્રણ ટી-૨૦માં રમ્યા પછી ભુવનેશ્વર કુમારને આરામ આપવામાં આવી શકે છે. તેની જગ્યાએ મોહમ્મદ શમી બોલિંગ એટેકનો લીડર રહી શકે છે. તે ઉપરાંત ટી-૨૦માં તમામને પ્રભાવિત કરનાર નવદીપ સૈની વનડેમાં ડેબ્યુ કરી શકે છે. ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાની હાજરીમાં લેગ સ્પિનર કુલદીપ યાદવ અને યૂઝવેન્દ્ર ચહલમાંથી કોઈ એકને પ્લેઈંગ ૧૧માં સ્થાન મળશે.
ટી-૨૦માં કારમા પરાજય પછી વિન્ડીઝની ટીમને વનડેમાં સારા દેખાવની આશા રહેશે. ગેલના કમબેકથી ટીમનું મનોબળ સુધરશે. જોકે એ વાતની નોંધ લેવા જેવી છે કે વનડેમાં છેલ્લા કેટલાક વર્ષોથી ગેલનો ભારત સામે દેખાવ માભા પ્રમાણે રહ્યો નથી. તેણે વર્લ્ડકપ દરમિયાન જાહેર કર્યું હતું કે આ તેની અંતિમ સિરીઝમાં હશે. તે વિન્ડીઝ માટે હાઈએસ્ટ રન સ્કોરર બ્રાયન લારાના રેકોર્ડથી માત્ર ૧૧ રન દૂર છે. યુનિવર્સ બોસ ટીમને સારી શરૂઆત અપાવવા પૂરતા પ્રયત્ન કરશે. ગેલ ઉપરાંત ઓપનર જોન કેમ્બેલ, ઓલરાઉન્ડર રોસ્ટન ચેઝ અને કીમો પોલને પણ વનડે સ્ક્વોડમાં સ્થાન મળ્યું છે. જોવાનું રહેશે કે ગયાનાની ધીમી વિકેટ પર વિન્ડીઝ કેટલા સ્પિનર્સ સાથે મેદાને ઉતરશે.