સાધુ-સંતો, દિવ્યાંગો, શ્રમિકો અને વિધવા બહેનોના આશિર્વાદ લેતા પ્રદેશ ભાજપ અધ્યક્ષ
લોકોના પ્રશ્નોના નિરાકરણ માટે મેં રાજ્યમાં વન ડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ શરૂ કર્યો છે. રાજકોટ જિલ્લામાં આજે મારો આઠમો કાર્યક્રમ છે. જેમાં 19 પ્રકારના પ્રશ્ર્નોનો નિરાકરણ લાવવા માટેના પ્રયાસો કરવામાં આવ્યા છે. તેમ આજે હેમુ ગઢવી હોલ ખાતે સાધુ-સંતો, કલાકારો અને સાહિત્યકારો સાથેની મુલાકાત દરમિયાન પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું હતું.
પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા ગઇકાલથી રાજકોટ જિલ્લામાં વન ડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત તેઓએ ગઇકાલે ગોંડલ ખાતે રોડ-શો યોજ્યો હતો. પેજ સમિતિના સંમેલનને પણ સંબોધન કર્યું હતું. આજે સવારથી પ્રદેશ ભાજપ અધ્યક્ષ દ્વારા રાજકોટમાં વિવિધ સમાજના આગેવાનો સાથે બેઠકનો ધમધમાટ ચાલી રહ્યો છે. હેમુ ગઢવી હોલ ખાતે સવારે તેઓએ સાધુ-સંતો, ધાર્મિક સંસ્થાઓ, સાહિત્યકારો અને કલાકારો સાથે બેઠક યોજી હતી.
ત્યારબાદ તેઓએ દિવ્યાંગો, સરકારી યોજનાના લાભાર્થીઓ, વિધવા બહેનો અને શ્રમિકોને પણ સાંભળ્યા હતા. આ કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ રામભાઇ મોકરીયા, રાજ્ય સરકારના મંત્રી અરવિંદભાઇ રૈયાણી, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરતભાઇ બોઘરા, સાંસદ અને પ્રદેશ ભાજપ મહામંત્રી વિનોદભાઇ ચાવડા, ધારાસભ્ય જયેશભાઇ રાદડિયા, કુંવરજીભાઇ બાવળિયા, સાંસદ મોહનભાઇ કુંડારિયા, પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઇ ખાચરિયા, પ્રદેશ ભાજપના સહપ્રવક્તા ભરતભાઇ ડાંગર, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મિરાણી, પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ પ્રશાંત કોરાટ, જિલ્લા ભાજપના પ્રભારી મહેન્દ્રભાઇ સરવૈયા અને રક્ષાબેન બોળીયા સહિતના સંગઠનના હોદ્ેદારો ઉપસ્થિત રહ્યા હતા. પ્રદેશ ભાજપ અધ્યક્ષે આજે વન ડે વન ડિસ્ટ્રિક કાર્યક્રમ અંતર્ગત આજે રાજકોટમાં સાધુ-સંતો, વિધવા બહેનો, દિવ્યાંગો અને શ્રમિકોના આશિર્વાદ લીધા હતા.